સુરતના પુણા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટનામાં 5 વર્ષની માસૂમ બાળકીના મોત બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ફૂડ સેફ્ટી વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ઘટનાએ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવ્યો છે. હવે આ મામલે ભાજપના જ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ રાજ્યના વર્તમાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાને પત્ર લખીને ફૂડ સેફ્ટી તંત્ર સામે 5 વેધક સવાલો ઉઠાવ્યા છે. કુમાર કાનાણીના પત્ર બાદ ફૂડ સેફ્ટી વિભાગની કામગીરી ફરી ચર્ચામાં આવી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની જગ્યાઓ પર હાલમાં તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં ગંદકી અને અખાદ્ય ખોરાક મળી રહ્યો છે, પરંતુ જો પરિસ્થિતિ આટલી ગંભીર હતી તો અત્યાર સુધી જવાબદાર અધિકારીઓ શું કરતા હતા?
તેમણે જણાવ્યું છે કે કોઈ ગંભીર ઘટના બને ત્યારબાદ થોડા દિવસો માટે ચેકિંગ ઝુંબેશ ચલાવવી પૂરતી નથી. આવી કામગીરીથી થોડા સમય માટે હલચલ તો જોવા મળે છે, પરંતુ લાંબા ગાળે ભેળસેળિયા અને નકલી ખાદ્ય પદાર્થોનો વેપાર કરતા લોકોમાં કાયદાનો ડર પેદા થતો નથી. તેમણે ખાદ્ય સુરક્ષા સંબંધિત કાયદાઓને વધુ કડક બનાવવાની સાથે તેનો પ્રામાણિક અને સતત અમલ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પૂર્વ આરોગ્ય મંત્રીએ પોતાના પત્રમાં સૌથી પહેલો સવાલ પુણા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં 5 વર્ષની બાળકીના મોત અંગે ઉઠાવ્યો છે. તેમણે પૂછ્યું છે કે આ ગંભીર ઘટનામાં અત્યાર સુધી કયા કાયદાકીય અને કડક પગલાં લેવામાં આવ્યા છે? જવાબદાર વ્યક્તિઓ સામે માત્ર કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવ્યું છે કે ખરેખર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે, તે અંગે સ્પષ્ટતા જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે.
બીજો મહત્વનો સવાલ ફૂડ સેફ્ટી વિભાગના જવાબદાર અધિકારીઓ સામે છે. હોટલ-રેસ્ટોરન્ટમાં કીડા-જીવાત, ગંદકી અને અખાદ્ય પદાર્થો મળી રહ્યા હોવાની તપાસમાં સામે આવતી ઘટનાઓ વચ્ચે તેમણે પૂછ્યું છે કે અત્યાર સુધી આવા એકમો સામે આંખ આડા કાન કરનાર અથવા યોગ્ય સમયે કાર્યવાહી ન કરનાર અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરીને ક્યારે પગલાં લેવાશે? તેમણે ત્રીજા સવાલમાં તપાસની કામગીરી અને કાયદાકીય કાર્યવાહી અંગે પણ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. ચેકિંગ દરમિયાન અખાદ્ય ખોરાક મળી આવે ત્યારે તેનો નાશ કરીને માત્ર કાગળ પર કાર્યવાહી પૂર્ણ બતાવવામાં આવે છે, પરંતુ આવો ખોરાક બનાવનાર અને વેચનાર સામે દાખલારૂપ ગુનો કેમ નોંધવામાં આવતો નથી, તેવો પ્રશ્ન તેમણે કર્યો છે.
કુમાર કાનાણીએ ચોથા સવાલમાં હોટલ અને રેસ્ટોરન્ટ સામે થતી કાર્યવાહી પછીના ફોલો-અપ અંગે પણ સવાલ ઉઠાવ્યો છે. કોઈ એકમને સીલ કર્યા બાદ તેના સંચાલકો સામે ખરેખર કાયદેસર કેસ નોંધવામાં આવે છે કે નહીં? તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે કે નહીં? અને સૌથી મહત્વનું કે જ્યારે તે એકમ ફરી શરૂ થાય ત્યારે ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની જવાબદારી કોણ લે છે? આ મુદ્દે તેમણે સ્પષ્ટ જવાબ માગ્યો છે. તેમનો પાંચમો અને સૌથી કડક સવાલ નકલી અને ભેળસેળિયા ખોરાકના વેપારને કાયમી ધોરણે રોકવા અંગે છે. તેમણે પૂછ્યું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા આવા વેપારીઓ સામે જામીન ન મળે તેવા કડક નિયમો ક્યારે બનાવવામાં આવશે? માત્ર એકાદ વખત કાર્યવાહી કરીને મામલો શાંત કરી દેવાના બદલે આવા લોકો સામે કાયમી અને કડક કાયદાકીય અમલ ક્યારે શરૂ થશે, તેવો પણ સવાલ કરવામાં આવ્યો છે.
પુણાની ઘટના બાદ ફૂડ સેફ્ટીનો મુદ્દો ફરી ગંભીરતાથી સામે આવ્યો છે. રોજબરોજ હજારો લોકો હોટલ, રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ અને અન્ય ખાણીપીણીના સ્થળો પર ભોજન કરે છે. આવી સ્થિતિમાં ખાદ્ય પદાર્થોની સ્વચ્છતા અને ગુણવત્તાની જવાબદારી માત્ર સંચાલકોની જ નહીં, પરંતુ નિયમિત તપાસ કરનારા તંત્રની પણ છે. ઘટના બન્યા બાદ તાત્કાલિક ચેકિંગ શરૂ કરવું જરૂરી છે, પરંતુ માત્ર થોડા દિવસોની ઝુંબેશથી સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેમ નથી. ખાણીપીણીના એકમોમાં નિયમિત તપાસ, નિયમોનો કડક અમલ અને ગંભીર બેદરકારી સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તો જ ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકી શકાય.
કુમાર કાનાણીએ આ મુદ્દે અગાઉ પણ સરકાર સમક્ષ રજૂઆત કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ વખતે પણ તેમણે માત્ર તાજેતરની ફૂડ પોઈઝનિંગની ઘટનાને લઈને જ સવાલો ઉઠાવ્યા નથી, પરંતુ અગાઉ સરકારને કરેલી રજૂઆતો અને પત્રોનું બીડાણ પણ આ રજૂઆત સાથે મોકલ્યું છે. તેનો હેતુ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને રોકવા માટે કાયમી અને અસરકારક વ્યવસ્થા ઊભી કરવાનો હોવાનું માનવામાં આવે છે. હવે સવાલ એ છે કે પોતાની જ પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી દ્વારા ઉઠાવવામાં આવેલા આ પાંચ વેધક સવાલોનો આરોગ્ય વિભાગ કેવી રીતે જવાબ આપશે.
ફૂડ સેફ્ટી તંત્રમાં જવાબદારી નક્કી થશે કે નહીં, બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે નહીં અને ભેળસેળિયા ખોરાકનો વેપાર કરનારાઓ સામે વધુ કડક કાયદાકીય નીતિ અપનાવવામાં આવશે કે નહીં, તેના પર સૌની નજર રહેશે. પુણામાં 5 વર્ષની બાળકીના મોત બાદ ઉભા થયેલા આ સવાલો હવે માત્ર એક ઘટનાની તપાસ પૂરતા મર્યાદિત રહ્યા નથી. આ સમગ્ર મુદ્દો સુરત સહિત રાજ્યભરમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, હોટલ-રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી વિભાગની કામગીરી અંગે મોટા સવાલો ઊભા કરી રહ્યો છે. હવે સરકાર અને આરોગ્ય વિભાગ આ મામલે શું પગલાં લે છે, તે આગામી દિવસોમાં મહત્વપૂર્ણ બનશે.