દુનિયાના શેરબજારમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. અમેરિકાના Nasdaq સ્ટોક માર્કેટે ટ્રેડિંગના કલાકો નોંધપાત્ર રીતે વધારવાની તૈયારી શરૂ કરી છે. જો આ યોજના નિયમનકારી મંજૂરી મેળવી લે છે, તો Nasdaqમાં અઠવાડિયામાં પાંચ દિવસ દરરોજ લગભગ 23 કલાક સુધી શેરની ખરીદી-વેચાણ થઈ શકશે. એટલે કે રોકાણકારોને બજાર ખુલવાની રાહ જોવા માટે લાંબો સમય રાહ જોવી નહીં પડે. રાત્રિના સમયે પણ અમેરિકન કંપનીઓના શેરમાં ટ્રેડિંગ કરવાની સુવિધા મળી શકે છે. હાલમાં Nasdaqમાં પ્રી-માર્કેટ, નિયમિત ટ્રેડિંગ અને પોસ્ટ-માર્કેટ સેશન હોય છે. હવે Nasdaq આ સમયગાળા વચ્ચેનો ગેપ ઘટાડીને એક નવું ઓવરનાઈટ ટ્રેડિંગ સેશન શરૂ કરવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર, આ નવું સેશન રાત્રે 9 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ઈસ્ટર્ન ટાઈમ મુજબ ચાલવાની યોજના છે. આ સેશન શરૂ થઈ જાય તો રવિવાર રાત્રેથી શુક્રવાર રાત્રે સુધી લગભગ સતત ટ્રેડિંગ શક્ય બનશે.
આ નવી વ્યવસ્થામાં દરરોજ માત્ર એક કલાકનો બ્રેક રહેશે. રાત્રે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો સમય ટ્રેડિંગ માટે બંધ રહેશે. આ દરમિયાન માર્કેટની પ્રોસેસિંગ અને આગામી સેશન માટેની તૈયારી કરવામાં આવશે. Nasdaqના હાલના સવારે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીના ટ્રેડિંગ સમયને બદલવાની યોજના નથી. એટલે નવા સેશનના ઉમેરા સાથે કુલ ટ્રેડિંગ સમય લગભગ 23 કલાક સુધી પહોંચી જશે. આ નવી સુવિધા ક્યારે શરૂ થશે તે હજુ નક્કી નથી. અહેવાલો પ્રમાણે Nasdaq 6 ડિસેમ્બર 2026થી ઓવરનાઈટ ટ્રેડિંગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. જોકે આ તારીખ અંતિમ નથી. અમેરિકાના માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન એટલે કે SECની મંજૂરી જરૂરી રહેશે. આ ઉપરાંત સિક્યોરિટીઝ ઇન્ફોર્મેશન પ્રોસેસર એટલે SIP તરફથી જરૂરી ટેક્નિકલ તૈયારી પણ પૂર્ણ થવી પડશે. તેથી મંજૂરી અને અન્ય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ નવી વ્યવસ્થા અમલમાં આવી શકશે.
Nasdaq આ પગલું ખાસ કરીને અમેરિકા બહારના રોકાણકારોની વધતી માગને ધ્યાનમાં રાખીને લઈ રહ્યું છે. અમેરિકન શેરોમાં દુનિયાભરના રોકાણકારોની રુચિ વધી રહી છે. અલગ-અલગ દેશોના સમય ઝોનને કારણે ઘણા રોકાણકારો માટે અમેરિકન માર્કેટના નિયમિત ટ્રેડિંગ કલાક દરમિયાન સક્રિય રહેવું મુશ્કેલ બને છે. ઓવરનાઈટ સેશન શરૂ થશે તો યુરોપ, એશિયા અને અન્ય દેશોના રોકાણકારોને તેમના સ્થાનિક સમય પ્રમાણે વધુ અનુકૂળ સમયે અમેરિકન શેરોમાં ટ્રેડિંગ કરવાની તક મળશે. પરંતુ નવા સેશનમાં ટ્રેડિંગ કરવું નિયમિત બજાર જેટલું સરળ નહીં હોય. માર્કેટ પાર્ટિસિપન્ટ્સને ઓર્ડર દાખલ કરવા માટે નવા પોર્ટ્સનો ઉપયોગ કરવો પડશે. સાથે જ રેગ્યુલર ટ્રેડિંગ સેશન દરમિયાન ઉપલબ્ધ તમામ પ્રકારના ઓર્ડર રાત્રિના સેશનમાં ઉપલબ્ધ નહીં હોય. ઉદાહરણ તરીકે, માર્કેટ ઓર્ડર અને કેટલાક ઓપનિંગ તથા ક્લોઝિંગ ઓર્ડરનો ઉપયોગ કરી શકાશે નહીં.
ઓવરનાઈટ સેશનમાં મૂકવામાં આવેલા કેટલાક ઓર્ડર જો સવારે 4 વાગ્યા સુધીમાં પૂર્ણ નહીં થાય તો તે આપમેળે રદ થઈ જશે. ત્યારબાદ જ્યારે આગામી નિયમિત ટ્રેડિંગ સેશન શરૂ થશે ત્યારે રોકાણકારોએ જરૂર પડે તો ફરીથી ઓર્ડર આપવો પડશે. એટલે રોકાણકારોએ નવી વ્યવસ્થાના નિયમો અને ઓર્ડરના પ્રકારોને સારી રીતે સમજવા પડશે. રાત્રિના ટ્રેડિંગ દરમિયાન શેરના ભાવમાં અચાનક મોટા ફેરફાર ન થાય તે માટે Nasdaq વધારાની સુરક્ષા વ્યવસ્થા પણ લાવવાની તૈયારીમાં છે. તેમાં સ્ટેટિક પ્રાઈસ બેન્ડ્સનો સમાવેશ થાય છે. સરળ ભાષામાં કહીએ તો, શેરના ભાવમાં નક્કી કરાયેલી મર્યાદા કરતાં વધુ બહારના ઓર્ડર પર નિયંત્રણ અથવા તેને રદ કરવાની વ્યવસ્થા થઈ શકે છે. આનો હેતુ ઓછી લિક્વિડિટી ધરાવતા સમય દરમિયાન અચાનક અને મોટા ભાવ ફેરફારથી રોકાણકારોને બચાવવાનો છે.
Nasdaq નવા ઓવરનાઈટ સેશન માટે અલગ માર્કેટ ફીડ આપવાની પણ યોજના બનાવી રહ્યું છે. તેનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન થતી ટ્રેડિંગ પ્રવૃત્તિ અંગે અલગ માહિતી ઉપલબ્ધ થઈ શકે છે. આ ઉપરાંત આખા દિવસ દરમિયાન વધુ માર્કેટ કવરેજ આપવા માટે Nasdaq Plus નામની કેટલીક પ્રોડક્ટ્સ રજૂ કરવાની યોજના પણ છે. મહત્વની વાત એ છે કે આ 23 કલાકની ટ્રેડિંગ વ્યવસ્થા Nasdaqના તમામ એક્સચેન્જો પર લાગુ નહીં થાય. હાલની યોજના માત્ર Nasdaq Stock Market માટે છે. Nasdaq Texas, PSX અને Nasdaqના ઓપ્શન્સ એક્સચેન્જોના ટ્રેડિંગ કલાકોમાં આ પ્રસ્તાવથી ફેરફાર થવાનો નથી. તેઓ પોતાના હાલના સમય પ્રમાણે જ કામ કરશે.
અમેરિકામાં Nasdaq લાંબા ટ્રેડિંગ કલાકો તરફ આગળ વધી રહ્યું છે ત્યારે બ્રિટનનું London Stock Exchange પણ વૈશ્વિક રોકાણકારોને ધ્યાનમાં રાખીને આવો જ ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. લંડન સ્ટોક એક્સચેન્જે LSE 24 નામનું નવું ટ્રેડિંગ પ્લેટફોર્મ લાવવાની જાહેરાત કરી છે. તેનો હેતુ અઠવાડિયામાં પાંચ દિવસ લગભગ 24 કલાક સુધી ટ્રેડિંગની સુવિધા આપવાનો છે. LSE 24 સોમવારથી શુક્રવાર સુધી સાંજે 5 વાગ્યાથી સવારે 7:50 વાગ્યા સુધી કાર્યરત રહેવાની યોજના છે. જોકે દરરોજ સાંજે 6:30થી 7 વાગ્યા સુધી 30 મિનિટનો બ્રેક રહેશે. લંડન સ્ટોક એક્સચેન્જનું મુખ્ય બજાર તેના પરંપરાગત સવારે 8 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધીના સમય પ્રમાણે જ ચાલુ રહેશે. એટલે LSE 24 અલગ અને સ્વતંત્ર પ્લેટફોર્મ તરીકે કામ કરશે.
મળતી માહિતી પ્રમાણે LSE 24નું ટેસ્ટિંગ 2026ના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. નિયમનકારી મંજૂરી મળ્યા બાદ 2027ના પ્રથમ છ મહિનામાં એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટ્સ એટલે કે ETPs સાથે તેનું સત્તાવાર લોન્ચિંગ થઈ શકે છે. લંડન પહેલેથી જ ETP માર્કેટનું મહત્વનું વૈશ્વિક કેન્દ્ર છે, તેથી આ નવી વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે ઉપયોગી બની શકે છે. હવે સવાલ એ છે કે શું ભારતમાં પણ શેરબજાર 24 કલાક અથવા 23 કલાક માટે ખોલવામાં આવશે? હાલમાં તેની શક્યતા ઘણી ઓછી છે. ભારતમાં NSE અને BSEનું કેશ માર્કેટ સવારે 9:15 વાગ્યે શરૂ થાય છે અને બપોરે 3:30 વાગ્યે બંધ થાય છે. આ સમય ભારતીય રોકાણકારો, બેન્કિંગ વ્યવસ્થા અને સમગ્ર નાણાકીય સિસ્ટમને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો છે.
ભારતમાં 24 કલાક ટ્રેડિંગ શરૂ કરવા માટે માત્ર NSE અને BSEના સમય વધારવાથી કામ નહીં ચાલે. ક્લિયરિંગ કોર્પોરેશન, ડિપોઝિટરી, બેન્કો, બ્રોકર્સ, પેમેન્ટ સિસ્ટમ અને જોખમ વ્યવસ્થાપન સાથે જોડાયેલી તમામ વ્યવસ્થાઓને પણ લાંબા સમય સુધી કાર્યરત રાખવી પડશે. તેના કારણે ઓપરેશનલ ખર્ચ અને ટેક્નિકલ જરૂરિયાતો વધી શકે છે. નિષ્ણાતોના મતે ભારતમાં લાંબા ટ્રેડિંગ કલાકોની વ્યવસ્થા લાવવી હોય તો તેના માટે સમગ્ર માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા ફેરફારો કરવા પડશે. તેથી હાલમાં અમેરિકાના Nasdaq અને લંડનના LSEની જેમ ભારતમાં તરત જ 23 કે 24 કલાકનું ટ્રેડિંગ શરૂ થવાની શક્યતા ઓછી છે.
જોકે Nasdaqની નવી યોજના વૈશ્વિક શેરબજારના બદલાતા સ્વરૂપનો સંકેત ચોક્કસ આપે છે. જો SECની મંજૂરી મળી જાય અને ડિસેમ્બર 2026થી નવી વ્યવસ્થા શરૂ થાય, તો રોકાણકારો માટે અમેરિકન શેરબજારમાં ટ્રેડિંગના કલાકો અગાઉ કરતાં ઘણાં વધી જશે. ખાસ કરીને અમેરિકા બહાર રહેતા રોકાણકારો માટે આ ફેરફાર મહત્વનો સાબિત થઈ શકે છે. સાથે જ લાંબા સમય સુધી બજાર ખુલ્લું રાખવાથી અચાનક આવતી વૈશ્વિક ઘટનાઓ, કંપનીના પરિણામો કે મોટા આર્થિક નિર્ણયો પર રોકાણકારોને વધુ ઝડપથી પ્રતિક્રિયા આપવાની તક પણ મળી શકે છે. બીજી તરફ, રાત્રિના સેશનમાં ઓછા ટ્રેડિંગ વોલ્યુમ અને વધુ ભાવ ઉતાર-ચઢાવ જેવા જોખમોને પણ ધ્યાનમાં રાખવા પડશે.