દેશમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વધ્યો છે. લોકો હવે ખરીદી, વીજળી-પાણીના બિલ ભરવા, મુસાફરી બુકિંગ, ઓનલાઈન શોપિંગ અને રોજિંદા ખર્ચ માટે મોટા પ્રમાણમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI અને ઈન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરી રહ્યા છે. ડિજિટલ વ્યવહારોને કારણે લોકોનો સમય બચી રહ્યો છે અને પેમેન્ટ પણ વધુ સરળ બન્યું છે. પરંતુ આ સુવિધા સાથે ઓનલાઈન છેતરપિંડીના કેસોમાં પણ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના વાર્ષિક અહેવાલ 2025-26માં સામે આવેલા આંકડા મુજબ, દેશમાં નોંધાયેલા કુલ છેતરપિંડીના કેસોમાંથી લગભગ 74 ટકા કેસ કાર્ડ અને ઈન્ટરનેટ બેંકિંગ સાથે સંબંધિત છે. આ આંકડો દર્શાવે છે કે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ જેટલો વધી રહ્યો છે, એટલું જ સાયબર ઠગોનું જાળું પણ વિસ્તરી રહ્યું છે.
નાણાકીય વ્યવહારો હવે મોટાભાગે ઓનલાઈન થઈ રહ્યા હોવાથી સાયબર ગુનેગારોએ પણ પોતાની રીતો વધુ આધુનિક બનાવી દીધી છે. હવે તેઓ માત્ર સરળ છેતરપિંડી કરતા નથી, પરંતુ લોકોનો વિશ્વાસ જીતીને તેમની ગુપ્ત માહિતી મેળવી પૈસા પડાવવાના નવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. સાયબર ઠગો હાલમાં ફિશિંગ લિંક્સ, નકલી મોબાઈલ એપ્સ, ફેક વેબસાઇટ્સ, સોશિયલ એન્જિનિયરિંગ અને નકલી ફોન કોલ્સ જેવી પદ્ધતિઓનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. તેઓ ઘણીવાર બેંક અધિકારી, ક્રેડિટ કાર્ડ કંપનીના પ્રતિનિધિ, કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ અથવા નાણાકીય સલાહકાર હોવાનું કહીને લોકોને ફોન કરે છે અને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી OTP, કાર્ડ નંબર, CVV, પાસવર્ડ અથવા અન્ય મહત્વની માહિતી મેળવી લે છે.
તાજેતરના સમયમાં ઠગો દ્વારા કરવામાં આવતા ફોન કોલ્સનું પ્રમાણ પણ વધ્યું છે. ઘણા લોકોને ક્રેડિટ કાર્ડ અપગ્રેડ, ક્રેડિટ લિમિટ વધારવાની ઓફર, રિવોર્ડ પોઈન્ટ કેશ કરાવવાની લાલચ, લોન સેટલમેન્ટ, બંધ થયેલા ખાતાને ફરી શરૂ કરવાની ઓફર અથવા અન્ય આકર્ષક યોજનાઓના નામે સંપર્ક કરવામાં આવે છે. લોકો આ લાલચમાં આવીને પોતાની બેંકિંગ માહિતી શેર કરે છે અને પછી તેમના ખાતામાંથી મોટી રકમ ઉપડી જાય છે. RBIએ લોકોને આવા ફોન કોલ્સ, મેસેજ અને લિંક્સથી સાવધાન રહેવાની સલાહ આપી છે. કોઈપણ બેંક અથવા અધિકૃત સંસ્થા ફોન પર OTP, PIN, CVV, પાસવર્ડ અથવા સંપૂર્ણ કાર્ડ વિગતો માંગતી નથી. જો કોઈ આવી માહિતી માંગે તો તરત જ સાવધાન થઈ જવું જોઈએ.
નિષ્ણાતોનું કહેવું છે કે અજાણી લિંક પર ક્યારેય ક્લિક ન કરવું, અજાણી એપ ડાઉનલોડ ન કરવી, માત્ર અધિકૃત વેબસાઇટ અને એપનો જ ઉપયોગ કરવો તેમ જ બેંક ખાતા સાથે જોડાયેલા દરેક ટ્રાન્ઝેક્શન માટે SMS અને ઈમેલ એલર્ટ ચાલુ રાખવા જોઈએ. ઉપરાંત સમયાંતરે પાસવર્ડ બદલવો અને મોબાઈલમાં સુરક્ષા અપડેટ્સ પણ રાખવા જરૂરી છે. ડિજિટલ પેમેન્ટ આજના સમયમાં ખૂબ જ ઉપયોગી અને સુરક્ષિત વ્યવસ્થા છે, પરંતુ થોડી બેદરકારી મોટી આર્થિક નુકસાનનું કારણ બની શકે છે. તેથી દરેક યુઝરે સાવચેતી રાખવી અને કોઈપણ શંકાસ્પદ કોલ, મેસેજ અથવા ઓફર સામે સતર્ક રહેવું ખૂબ જરૂરી છે.