SURAT

સુરત મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓના હોદ્દેદારોની વરણી શરૂ… કોને કઈ સમિતિ ફાળવવામાં આવી? જાણો

એપ્રિલમાં યોજાએલ મહાનગર પાલિકાની ચૂંટણીઓ બાદ લાંબા સમય સુધી વિવિધ સમિતિઓના હોદ્દેદારોની વરણી પેન્ડિંગ હતી. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે રાજન પટેલનું પુનરાવર્તન અને મેયર પદે માયાબેન માવાણીના નામો પહેલેથી જ નક્કી થઈ ગયેલા પરંતુ કોઈ કારણોસર વિવિધ સમિતિઓના હોદ્દોદારોની વરણી ઠેલાતી રહી. આખરે બે મહિનાના અંતરાલ બાદ આજે વિવિધ સમિતિઓના અધ્યક્ષોના નામ જાહેર થઈ રહ્યા છે. આ નામો નીચે મુજબ છે.

આરોગ્ય સમિતિ – અશોક રાંદેરીયા
જાહેર બાંધકામ સમિતિ – રાજેન્દ્ર પટેલ
પાણી સમિતિ – રશ્મિ સાબુ
ટી પી સમિતિ – મહેન્દ્ર દેસાઈ
સાંસ્કૃતિક સમિતિ – રાજેશ રાણા
ગટર સમિતિ – રવિન્દ્ર ખેરનાર

આ સામાન્ય સભા 4.10 વાગ્યે શરૂ થઈ હતી જે સતત બીજીવાર મોડી પડી છે. સુરત મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલે 12 અલગ-અલગ સમિતિઓ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી જાહેર કરી છે. નવી નિમણૂકો સાથે વિવિધ સમિતિઓની કામગીરીને વધુ અસરકારક બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

  • આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે અશોક રાંદેરીયાની વરણી કરવામાં આવી છે, જ્યારે વિક્રમ દેસાઈને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે.
  • જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રાજેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે શીતલ પ્રતીક પટેલને વાઇસ ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે.
  • પાણી સમિતિના ચેરમેન તરીકે રશ્મિબેન સાબુ અને વાઇસ ચેરમેન તરીકે મહેશકુમાર મકવાણાની પસંદગી કરવામાં આવી છે.
  • નગર નિયોજન સમિતિના ચેરમેન તરીકે મહેન્દ્ર દેસાઈની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે અશોક માંગીલાલ શાહને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે.
  • સમાજ કલ્યાણ, આનંદ અને પ્રમોદ સમિતિના ચેરમેન તરીકે રાજેશ રાણાની વરણી કરવામાં આવી છે અને ઈશ્વરભાઈ નારોલાને વાઇસ ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
  • ગટર સમિતિના ચેરમેન તરીકે રવિન્દ્ર વિઠ્ઠલભાઈ ખેરનારની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે રાજનીત દેસાઈને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે.
  • કાયદા સમિતિના ચેરમેન તરીકે મોહિનીબેન રાઠોડની પસંદગી કરવામાં આવી છે અને કાવ્યાબેન પટેલને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • રુગ્ણાલય રાહત અને તંદુરસ્તી વર્ધક સમિતિના ચેરમેન તરીકે અલકાબેન પાટીલની વરણી કરવામાં આવી છે, જ્યારે હેમાક્ષીબેન ચૌહાણને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે.
  • ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિના ચેરમેન તરીકે સુરેશભાઈ ધામેલીયાની નિમણૂક કરવામાં આવી છે અને વિધિબેન ચનાભાઈ રાઠોડને વાઇસ ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે.
  • લાઈટ એન્ડ ફાયર સમિતિના ચેરમેન તરીકે સોનુબેન આંબલીયાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે સુધાબેન રાજેશ પાંડેને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે.
  • સ્લમ ઈમ્પ્રૂવમેન્ટ સમિતિના ચેરમેન તરીકે દિગ્વિજયસિંહ બારડની નિમણૂક કરવામાં આવી છે અને વંદનાબેન ઘોઘારીને વાઇસ ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
  • જાહેર પરિવહન અને પ્રવૃત્તિ સમિતિના ચેરમેન તરીકે મનીષભાઈ ચીમનભાઈ પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે રીનાસિંહ અજીતસિંહ રાજપૂતને વાઇસ ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

આ નવી નિમણૂકો બાદ હવે તમામ સમિતિઓ ટૂંક સમયમાં પોતાની કામગીરી શરૂ કરશે અને શહેરના વિકાસ સાથે જોડાયેલા વિવિધ વિભાગોમાં નવી ટીમ જવાબદારી સંભાળશે.

સુરત મહાનગર પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત એવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઈ રહી છે. માત્ર એક મહિના પહેલા જ સ્થાયી સમિતિમાં સ્થાન મેળવનારા વરાછાના કોર્પોરેટર અને ધારાસભ્ય કુમાર કાનાણીના નજીકના માનાતા મહેન્દ્ર દેસાઈને હવે મનપાની સૌથી મહત્વપૂર્ણ ગણાતી ટાઉન પ્લાનિંગ (TP) કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટાઉન પ્લાનિંગ કમિટી મનપાની સૌથી પ્રભાવશાળી સમિતિઓમાંની એક માનવામાં આવે છે, કારણ કે શહેરના વિકાસ, ટાઉન પ્લાનિંગ સ્કીમો, રોડ, ઝોનિંગ અને ભવિષ્યના વિકાસ સાથે જોડાયેલા મહત્વના નિર્ણયો આ સમિતિ દ્વારા લેવામાં આવે છે. તેથી મહેન્દ્ર દેસાઈની આ નિમણૂકને રાજકીય રીતે પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જોકે, મનપાના નિયમો મુજબ એક જ કોર્પોરેટર સ્થાયી સમિતિ અને ટાઉન પ્લાનિંગ કમિટી જેવી બે મહત્વપૂર્ણ સમિતિમાં એકસાથે રહી શકતા નથી. તેથી મહેન્દ્ર દેસાઈને હવે સ્થાયી સમિતિના સભ્યપદેથી રાજીનામું આપવું પડશે.

રાજકીય વિશ્લેષકોના મતે, મહેન્દ્ર દેસાઈને મળેલી આ જવાબદારી ભાજપના નેતૃત્વનો તેમના પરનો વિશ્વાસ દર્શાવે છે. બીજી તરફ, સ્થાયી સમિતિમાં તેમના રાજીનામા બાદ ખાલી થનારી બેઠક પર હવે કોને તક મળશે, તે અંગે પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. મહેન્દ્ર દેસાઈની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન તરીકેની નિમણૂકને સુરત મનપામાં મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે.

Most Popular

To Top