Vadodara

વોર્ડ-5માં પાણીનો પોકાર: ત્રાહિમામથી ત્રસ્ત લોકોએ VMC અધિકારી-કોર્પોરેટરોનો કર્યો ઘેરાવ

છ મહિનાથી પૂરતા પ્રેશરથી પાણી ન મળતા ઉગ્ર વિરોધ; પરિસ્થિતિ તંગ બનતા પાણી પુરવઠા અધિકારી સ્મિતેશ પટેલે પોલીસ બોલાવવી પડી

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના વોર્ડ નંબર-5ના અનેક રહેણાંક વિસ્તારોમાં છેલ્લા છ મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા યથાવત રહેતાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મંગળવારે મોટી સંખ્યામાં એકત્ર થયેલા રહીશોએ વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારી તથા સ્થાનિક કોર્પોરેટરોનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ તંગ બનતાં પાણી પુરવઠા વિભાગના અધિકારી સ્મિતેશ પટેલે પોલીસને ઘટનાસ્થળે બોલાવવાની ફરજ પડી હતી.
મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર-5 હેઠળની સિદ્ધેશ્વર હેરિટેજ, વ્રજ વિલાસ, સાહિત્ય ગ્રીન, શિવાય સ્કાય અને સ્વામિનારાયણ પાર્ક સહિતની સોસાયટીઓમાં છેલ્લા છ મહિનાથી પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. પરિણામે સ્થાનિકોને પીવાના પાણીથી લઈને રોજિંદા વપરાશ સુધી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત પાલિકા તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં લોકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો હતો.
મંગળવારે સવારે મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો એકત્ર થઈ પાણી પુરવઠા વિભાગના અધિકારી સ્મિતેશ પટેલ તથા વિસ્તારના કોર્પોરેટરોને સ્થળ પર જ ઘેરી લીધા હતા. વિરોધ કરી રહેલા લોકોએ પૂરતા પ્રેશરથી નિયમિત પાણી પુરવઠાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા અને તાત્કાલિક કાયમી ઉકેલ લાવવાની માંગણી કરી હતી.
લોકોના ભારે આક્રોશ વચ્ચે વાતાવરણ તંગ બનતાં અધિકારી સ્મિતેશ પટેલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસને બોલાવી હતી. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે મૂળભૂત સુવિધા એવા પીવાના પાણી માટે લોકોને રસ્તા પર ઉતરી વિરોધ કરવો પડે તે પાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરે છે.
સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

Most Popular

To Top