Vadodara

રેલવે સ્ટેશનના રિક્ષા સ્ટેન્ડ પર કોન્ટ્રાક્ટ સિસ્ટમ સામે વિરોધ, રિક્ષા ચાલકોનું ઉગ્ર પ્રદર્શન

કલાકદીઠ વસૂલાતના નિર્ણયથી રોજગારી પર સંકટનો આક્ષેપ, રેલવે પ્રશાસન પાસે નિર્ણય પાછો ખેંચવાની માંગ

‘ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ સુધી લડત’ – રિક્ષા ચાલક યુનિયનની ચીમકી

(પ્રતિનિધિ) વડોદરા, તા. 2:
વડોદરા રેલવે સ્ટેશન બહાર આવેલા રિક્ષા અને ટેક્સી સ્ટેન્ડ પર રેલવે પ્રશાસન દ્વારા અમલમાં મૂકાયેલી કોન્ટ્રાક્ટ સિસ્ટમ સામે આજે રિક્ષા ચાલકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો હતો. વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોએ વિરોધ પ્રદર્શન કરી કોન્ટ્રાક્ટ સિસ્ટમનો નિર્ણય તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી હતી.
યુનિયનના જણાવ્યા અનુસાર નવા કોન્ટ્રાક્ટર દ્વારા રિક્ષા ચાલકો પાસેથી કલાકદીઠ રૂ. 20થી 30 સુધીની વસૂલાત કરવાની યોજના બનાવવામાં આવી છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે આ પ્રકારની વસૂલાત ગરીબ અને મધ્યમવર્ગીય ચાલકો માટે વધારાનો આર્થિક બોજ ઊભો કરશે અને તેમની રોજીરોટી પર સીધી અસર કરશે. વિરોધ દરમિયાન ચાલકોએ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી પોતાના હકોનું રક્ષણ કરવા અને મુસાફરોને સરળ જાહેર પરિવહન સેવા યથાવત રાખવાની માંગ ઉઠાવી હતી.
વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના પ્રમુખ બિલાલ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દાયકાથી રેલવે સ્ટેશન પર રિક્ષા સ્ટેન્ડ કાર્યરત છે. આવા સંજોગોમાં અચાનક કલાકદીઠ ચાર્જ વસૂલવાની કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાદવી અન્યાયપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે રિક્ષા સેવા જાહેર પરિવહનનો મહત્વપૂર્ણ હિસ્સો છે અને આ નિર્ણયથી હજારો પરિવારોની આજીવિકા જોખમમાં મુકાઈ શકે છે.
યુનિયને ચેતવણી આપી છે કે જો રેલવે પ્રશાસન દ્વારા નિર્ણય પર પુનર્વિચાર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. જરૂર પડશે તો કાનૂની લડત લડી સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી લઈ જવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.

Most Popular

To Top