Gujarat

નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક: સ્થળ પર હાજર પાંચ એન્જિનિયર સસ્પેન્ડ, હાઈકોર્ટમાં અરજીથી વધુ સવાલો ઊભા

સુરતના ચર્ચાસ્પદ નાસીરનગર ડિમોલિશન કેસમાં હવે વધુ એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન સ્થળ પર હાજર રહેલા સુરત મહાનગરપાલિકાના પાંચ એન્જિનિયરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સુજલ પ્રજાપતિ, રામજીવાલા સહિત કુલ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ આ પાંચેય અધિકારીઓ સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે.સમગ્ર મામલો હવે માત્ર અધિકારીઓના સસ્પેન્શન પૂરતો સીમિત રહ્યો નથી. પરંતુ અસરગ્રસ્તો અને અરજદારોનો આક્ષેપ છે કે માત્ર સ્થળ પર હાજર રહેલા અધિકારીઓને જવાબદાર ઠેરવીને ડિમોલિશનનો નિર્ણય લેનારા ઉચ્ચ અધિકારીઓ અને કથિત “મોટી માછલીઓ”ને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેના કારણે સમગ્ર કાર્યવાહી પર અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

સસ્પેન્ડ કરવામાં આવેલા અધિકારીઓની યાદી..

ક્રમઅધિકારીનું નામહોદ્દો
1સુશીલ પ્રજાપતિકાર્યપાલક ઇજનેર
2જયાંગ જીણાભાઈ મુજવાળાકાર્યપાલક ઇજનેર
3અર્પિતા પરમારડેપ્યુટી ઇજનેર
4મોનિક ગઢિયાઅસિસ્ટન્ટ ઇજનેર
5નરેશ ગલચરજૂનિયર ઇજનેર

અરજદારોનું કહેવું છે કે કોઈપણ મોટા ડિમોલિશનનો નિર્ણય માત્ર સ્થળ પર હાજર એન્જિનિયરોનો હોઈ શકે નહીં. આવી કાર્યવાહી માટે ઉચ્ચ સ્તરે મંજૂરી, આયોજન અને આદેશ આપવામાં આવતા હોય છે. તેથી માત્ર પાંચ અધિકારીઓ સામે કાર્યવાહી કરીને જવાબદારી પૂર્ણ થઈ ગઈ હોવાનું માનવું યોગ્ય નથી.ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન પણ કોર્ટે સમગ્ર મામલે ગંભીર નોંધ લીધી હતી. કોર્ટે પ્રાથમિક નિરીક્ષણમાં ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે રસ્તાના ડિમાર્કેશનના બહાને મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. સાથે જ પોલીસની ભૂમિકાને લઈને પણ કોર્ટે સવાલો ઉઠાવ્યા હતા અને કાયદા વિરુદ્ધ કાર્યવાહી અટકાવવાની જવાબદારી પોલીસની હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

અરજીમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે ડિમોલિશન દરમિયાન અસરગ્રસ્ત પરિવારોને પૂરતી કાનૂની પ્રક્રિયા, નોટિસ અને રજૂઆતની તક આપવામાં આવી નહોતી. જેના કારણે અનેક પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અસરગ્રસ્તોએ આ સમગ્ર કાર્યવાહી પાછળ જવાબદાર તમામ અધિકારીઓ અને નિર્ણય લેનારા અધિકારીઓ સામે પણ તપાસની માંગ કરી છે.બીજી તરફ, મનપા દ્વારા પાંચ એન્જિનિયરોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી બાદ શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. કેટલાક લોકોનું માનવું છે કે કાર્યવાહી માત્ર જવાબદારી નીચેના સ્તરના અધિકારીઓ સુધી મર્યાદિત રાખવાનો પ્રયાસ છે, જ્યારે વાસ્તવિક નિર્ણય લેનારા અધિકારીઓ સુધી તપાસ પહોંચવી જોઈએ.

હાલ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં વિચારાધીન છે અને આગામી સુનાવણી દરમિયાન વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરની નજર હવે કોર્ટના આગામી આદેશ અને તપાસની દિશા પર ટકેલી છે.નાસીરનગર ડિમોલિશન કેસ હવે માત્ર ગેરકાયદે તોડફોડનો મુદ્દો રહ્યો નથી, પરંતુ જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા, વહીવટી પારદર્શિતા અને કાયદાકીય કાર્યવાહી અંગે પણ મહત્વનો કેસ બની ગયો છે. હવે જોવાનું એ રહેશે કે તપાસ માત્ર સસ્પેન્ડ કરાયેલા પાંચ અધિકારીઓ સુધી જ સીમિત રહે છે કે પછી ડિમોલિશનનો આદેશ આપનારા ઉચ્ચ અધિકારીઓ સુધી પણ તેની પહોંચ થાય છે.

Most Popular

To Top