ફાયર બ્રિગેડે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન ચલાવી બંનેને સલામત બહાર કાઢ્યા
ઇજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા, પોલીસે તપાસ શરૂ કરી
વડોદરા, તા. 2:
વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા આશરે 100 વર્ષ જૂના મકાનની છત અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત સમયે બે લોકો કાટમાળ નીચે ફસાઈ જતાં સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
માહિતી મળતા જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બંને લોકોને કાટમાળમાંથી સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા.
ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ બંનેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે…
ઘટનાની જાણ થતાં વાડી પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને મકાનની છત ધરાશાયી થવાના કારણોની તપાસ શરૂ કરી છે. સદનસીબે સમયસર રેસ્ક્યુ કામગીરી થતાં મોટી જાનહાનિ ટળી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.