ભારતના અર્થતંત્ર માટે સારા સમાચાર સામે આવ્યા છે. જૂન 2026 દરમિયાન દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની વસૂલાતમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સરકારના સત્તાવાર આંકડા મુજબ, જૂન મહિનામાં કુલ GST આવક 1,94,812 કરોડ સુધી પહોંચી છે, જે ગયા વર્ષના જૂનની સરખામણીએ 14 ટકા વધુ છે. આ રીતે GST કલેક્શન ફરી એકવાર 2 લાખ કરોડના આંકડાની નજીક પહોંચ્યું છે. મે 2026માં GST વસૂલાત 1,94,184 કરોડ હતી, જ્યારે જૂન 2025માં તે 1.71 લાખ કરોડ રહી હતી. જૂન મહિનામાં થયેલો આ વધારો દેશમાં વેપાર, આયાત અને આર્થિક પ્રવૃત્તિઓમાં મજબૂતી દર્શાવે છે.
સરકારના આંકડા મુજબ, ઘરેલુ વ્યવહારોમાંથી મળેલી GST આવકમાં 6.5 ટકાનો વધારો નોંધાયો છે અને તે 1.35 લાખ કરોડ સુધી પહોંચી છે. તેમાં સેન્ટ્રલ GST (CGST) તરીકે 37,376 કરોડ, સ્ટેટ GST (SGST) તરીકે 45,116 કરોડ અને ઈન્ટિગ્રેટેડ GST (IGST) તરીકે 52,282 કરોડનો સમાવેશ થાય છે. બીજી તરફ, આયાત પર વસૂલાતમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. જૂન દરમિયાન આયાતમાંથી મળતી GST આવક 34.6 ટકા વધીને 60,038 કરોડ થઈ છે. વૈશ્વિક સ્તરે પડકારજનક પરિસ્થિતિ હોવા છતાં ભારતમાં આયાતનું પ્રમાણ વધતા સરકારની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સરકારે જૂન મહિનામાં કુલ 32,436 કરોડના GST રિફંડ પણ ચૂકવ્યા હતા, જે ગયા વર્ષની સરખામણીએ 29.1 ટકા વધુ છે. રિફંડ બાદ સરકારની ચોખ્ખી GST આવક 11.2 ટકા વધીને 1.62 લાખ કરોડથી વધુ રહી છે.
રાજ્યવાર GST વસૂલાત પર નજર કરીએ તો મહારાષ્ટ્ર સૌથી આગળ રહ્યું છે. રાજ્યમાં GST કલેક્શન 9 ટકા વધીને 30,714 કરોડ થયું છે. ગુજરાતમાં 12 ટકાના વધારા સાથે 11,743 કરોડ, જ્યારે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 19 ટકાનો વધારો નોંધાઈ 9,165 કરોડની વસૂલાત થઈ છે. આસામમાં 17 ટકા વધીને 1,492 કરોડ અને પંજાબમાં 14 ટકાના વધારા સાથે લગભગ 2,900 કરોડથી વધુ GST વસૂલાત નોંધાઈ છે. જોકે, તમામ રાજ્યોમાં સ્થિતિ સમાન રહી નથી. તમિલનાડુમાં 2 ટકા, જ્યારે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં 5-5 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્તમાન નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રણ મહિનાના આંકડા પણ અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત આપી રહ્યા છે. એપ્રિલથી જૂન દરમિયાન કુલ GST વસૂલાત 6,31,699 કરોડ રહી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 8.4 ટકા વધુ છે.
આ ત્રિમાસિક દરમિયાન ઘરેલુ GST આવક 2.8 ટકા વધીને 4,54,427 કરોડ થઈ છે, જ્યારે આયાતમાંથી મળતી GST આવકમાં 26.2 ટકાનો વધારો થઈ 1,77,273 કરોડ સુધી પહોંચી છે. નિષ્ણાતોનું માનવું છે કે પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સર્જાયેલી ભૂ-રાજકીય અનિશ્ચિતતા છતાં ભારતની આર્થિક પ્રવૃત્તિઓ પર તેની મોટી અસર જોવા મળી નથી. ખાસ કરીને આયાતમાં સતત વૃદ્ધિ અને મજબૂત GST વસૂલાત દેશના અર્થતંત્રની સ્થિરતા અને સરકારની કરવેરા વ્યવસ્થાની અસરકારકતા દર્શાવે છે. જો આગામી મહિનાઓમાં પણ વેપાર અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં આવી જ ગતિ જળવાઈ રહેશે, તો GST આવક સતત મજબૂત રહેવાની સાથે દેશના વિકાસકાર્યો માટે સરકારને વધુ નાણાકીય બળ મળશે.