દેશમાં સ્માર્ટફોન અને કારના ભાવ સતત વધી રહ્યા હોવાથી હવે મોટી સંખ્યામાં લોકો સેકન્ડ-હેન્ડ અને રિફર્બિશ્ડ પ્રોડક્ટ્સ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને સ્માર્ટફોન અને પેસેન્જર વાહનોના બજારમાં આ ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. મોંઘવારી અને વધતા ખર્ચને કારણે ગ્રાહકો હવે ઓછી કિંમતે સારી ગુણવત્તાની વપરાયેલી વસ્તુઓ તરફ વળી રહ્યા છે. મોબાઇલ માર્કેટ પર નજર રાખતી સંસ્થા કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના અહેવાલ મુજબ, જાન્યુઆરીથી મે 2026 દરમિયાન દેશમાં વેચાયેલા કુલ સ્માર્ટફોનમાં રિફર્બિશ્ડ અને પ્રી-ઓન્ડ ડિવાઇસનો હિસ્સો 26 ટકા રહ્યો હતો. ગયા વર્ષના સમાન સમયગાળામાં આ આંકડો લગભગ 23 ટકા હતો. એટલે કે એક વર્ષમાં જ વપરાયેલા સ્માર્ટફોનની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કોરોના મહામારી બાદનો આ સમય વપરાયેલા સ્માર્ટફોનના બજાર માટે સૌથી ઝડપી વૃદ્ધિનો સમય સાબિત થઈ રહ્યો છે. ગ્રાહકોને ઓછા ખર્ચે સારી બ્રાન્ડના સ્માર્ટફોન મળી રહેતા હોવાથી તેઓ નવી ડિવાઇસ ખરીદવાને બદલે રિફર્બિશ્ડ ફોન પસંદ કરી રહ્યા છે. ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પણ આવું જ વલણ જોવા મળી રહ્યું છે. ક્રિસિલ રિસર્ચના આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2026 દરમિયાન દેશમાં વપરાયેલી કારનું વેચાણ 9 ટકા વધીને 61 લાખ યુનિટ સુધી પહોંચી ગયું છે. જ્યારે એક વર્ષ અગાઉ આ આંકડો 56 લાખ યુનિટ હતો. બીજી તરફ નવી કારનું વેચાણ પણ વધ્યું છે, પરંતુ તેની વૃદ્ધિનો દર વપરાયેલી કારની સરખામણીએ ઓછો રહ્યો છે. નાણાકીય વર્ષ 2026માં નવી કારનું વેચાણ 8 ટકા વધીને 46.4 લાખ યુનિટ થયું હતું. સપ્ટેમ્બરમાં જીએસટી દરમાં થયેલા ઘટાડાથી નવી કારના વેચાણને થોડો ફાયદો મળ્યો હતો, છતાં ગ્રાહકોનો ઝુકાવ સેકન્ડ-હેન્ડ કાર તરફ વધુ જોવા મળ્યો હતો.
આ વર્ષે મોટાભાગની કાર ઉત્પાદક કંપનીઓએ બે વખત ભાવ વધારો કર્યો હતો. તેના કારણે નવી કાર સરેરાશ 5 ટકા સુધી મોંઘી થઈ ગઈ છે. આ ભાવવધારાની સીધી અસર ગ્રાહકોના ખરીદીના નિર્ણય પર પડી છે. ખાસ કરીને મહાનગરોમાં રહેતા લોકો સેકન્ડ-હેન્ડ કારને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. હાલમાં વપરાયેલી કારની કુલ માંગમાં મહાનગરોનો હિસ્સો 66 ટકા કરતાં વધુ છે. સ્માર્ટફોન ક્ષેત્રમાં પણ ભાવવધારો એક મોટું કારણ છે. નિષ્ણાતોનું કહેવું છે કે નવેમ્બર મહિનાથી સ્માર્ટફોનના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ મેમરી ચિપ્સના ભાવમાં થયેલો ભારે વધારો છે. છેલ્લા કેટલાક મહિનામાં મેમરી ચિપ્સની કિંમત બે થી ત્રણ ગણી વધી ગઈ છે. આ વધારા પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ડેટા સેન્ટરોની વધતી માંગ જવાબદાર માનવામાં આવે છે. ચિપ્સની માંગ વધતાં ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે, જેની સીધી અસર સ્માર્ટફોનના ભાવ પર પડી છે. ઉદ્યોગના અંદાજ મુજબ, કેટલાક સ્માર્ટફોન મોડલની કિંમતમાં 30 થી 35 ટકા સુધીનો વધારો નોંધાયો છે.
આ પરિસ્થિતિમાં ઓછી કિંમતના સ્માર્ટફોન લગભગ બજારમાંથી ગાયબ થવા લાગ્યા છે. ખાસ કરીને 10,000 રૂપિયાથી ઓછી કિંમતના 4G સ્માર્ટફોન હવે બહુ ઓછા જોવા મળે છે. જેના કારણે બજેટ ગ્રાહકો માટે નવા ફોન ખરીદવા મુશ્કેલ બન્યા છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચનું માનવું છે કે 2026 દરમિયાન દેશમાં વપરાયેલા સ્માર્ટફોનના બજારમાં લગભગ 12 ટકા વૃદ્ધિ થશે. જ્યારે નવા સ્માર્ટફોનના વેચાણમાં 11 ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. આમ, વધતી મોંઘવારી અને નવી વસ્તુઓના વધી રહેલા ભાવ વચ્ચે ભારતીય ગ્રાહકો હવે સસ્તા અને વ્યાવહારિક વિકલ્પ તરીકે સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોન અને કાર તરફ વધુ ઝડપથી આગળ વધી રહ્યા છે. આગામી સમયમાં પણ આ ટ્રેન્ડ વધુ મજબૂત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.