Panchmahal

ચાંચપુરના ખેતરમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો

રૂ. 60,580નો મુદ્દામાલ જપ્ત, 4 જુગારીઓ ઝડપાયા; મુખ્ય સૂત્રધાર સહિત 2 ફરાર

વેજલપુર, તા. 21
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા હેઠળ આવેલા વેજલપુર પોલીસ સ્ટેશનની ટીમે ગોધરા તાલુકાના ચાંચપુર ગામે ખુલ્લા ખેતરમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી ચાર જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે જુગારધામનો મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓ અંધારાનો લાભ લઈ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને પત્તા-પાનાં સહિત કુલ રૂ. 60,580નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તા. 20 જૂનના રોજ વેજલપુર પોલીસની ટીમ ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ધનોલ ચોકડી પાસે પોલીસ ઇન્સ્પેક્ટર જી.કે. વહુનિયાને બાતમી મળી હતી કે ચાંચપુર ગામે રબારી ફળિયામાં રહેતો ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો ચીમનભાઈ ચૌહાણ પોતાના ઘરની પાછળ આવેલા કોતર નજીક ખુલ્લા ખેતરમાં હાર-જીતનો પત્તા-પાનાનો જુગાર રમાડી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે બે પંચોની હાજરીમાં રાત્રે આશરે 11:20 વાગ્યે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ જુગાર રમી રહેલા ઇસમોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે કોર્ડન ગોઠવી ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં નિલેશસિંહ વિજયસિંહ રાઠોડ (સણસોલી), મનહરસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ (મહેલોલ), વિજયસિંહ કનકસિંહ રાઠોડ (સણસોલી) અને ઇન્દ્રજીતસિંહ બળદેવસિંહ રાઠોડ (સણસોલી)નો સમાવેશ થાય છે. જ્યારે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો ચીમનભાઈ ચૌહાણ (ચાંચપુર) તથા કનુ સનાજી વણઝારા (મહેલોલ) ફરાર થઈ ગયા હોવાનું પોલીસે જણાવ્યું છે.
દરોડા દરમિયાન પોલીસે દાવ પર મુકાયેલા રૂ. 2,650, આરોપીઓ પાસેથી મળેલા રૂ. 17,930 રોકડા, બે મોબાઇલ ફોન (ઓપ્પો અને આઇફોન) તેમજ 52 પત્તા-પાનાં મળી કુલ રૂ. 60,580નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે વેજલપુર પોલીસે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જી.કે. વહુનિયા કરી રહ્યા છે.

Most Popular

To Top