ગુજરાતમાં છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોર પકડી રહી છે. વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઈને ભારે વરસાદ સુધીની સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 76 તાલુકાઓમાં 1 મિમીથી લઈને 4.57 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં નોંધાયો છે. આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. છોટા ઉદેપુર, વલસાડ, મહીસાગર, નર્મદા અને અમરેલી સહિતના જિલ્લાઓમાં સવારથી વરસાદ વરસ્યો હતો. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન 46 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં સૌથી વધુ 2.91 ઇંચ વરસાદ નોંધાયો હતો.
પંચમહાલ જિલ્લાના ગોધરા વિસ્તારમાં પણ સાર્વત્રિક વરસાદ વરસતા જનજીવન પર અસર જોવા મળી હતી. ભારે વરસાદને કારણે મેસરી નદી બે કાંઠે વહેવા લાગી હતી, જેના પરિણામે નદી પરનો કોઝ-વે બંધ કરવાની ફરજ પડી હતી. નદીના જળસ્તરમાં વધારો થતાં સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હતી. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ ગાજવીજ, વીજળી પડવાની શક્યતા અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે. મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા અને ખેડા જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સાથે જ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેથી લોકોને ખુલ્લા મેદાનો, વૃક્ષો નીચે અને વીજ થાંભલાઓની નજીક ઉભા ન રહેવાની સલાહ આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરમાં એકથી બે વખત વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉપરાંત ગાજવીજ અને તેજ પવનની પણ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ સર્જાયેલા વરસાદી માહોલ પાછળ દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જવાબદાર છે. આ સિસ્ટમના કારણે અરબી સમુદ્ર સુધી ટ્રફ લાઇન રચાઈ છે, જેના કારણે રાજ્યમાં ભેજયુક્ત પવનો પ્રવેશી રહ્યા છે અને વરસાદી સ્થિતિ સર્જાઈ રહી છે.
આગામી દિવસોની આગાહીની વાત કરીએ તો 19 જૂને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. 20થી 22 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેશે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની શક્યતા છે.
22થી 25 જૂન દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. બીજી તરફ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એકંદરે રાજ્યમાં ચોમાસા પહેલાં જ વરસાદે જમાવટ શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની સંભાવના છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાંથી ગરમીમાં રાહત મળવાની આશા છે.