Vadodara

તાંદલજામાં ગેરકાયદેસર દબાણો તોડી પડાતા હોબાળો: સ્થાનિકોએ લગાવ્યા ભેદભાવના ગંભીર આક્ષેપો​

અધિકારીઓ અને અરજદાર વચ્ચે મિલીભગત’; ચોમાસામાં રોજીરોટી છીનવાઈ જતાં અસરગ્રસ્તોમાં ભારે રોષ

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક તાંદલજા ગામ તળાવ પાસે આજે પશ્ચિમ ઝોન મામલતદાર વિભાગ અને વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર બાંધકામો પર સપાટો બોલાવ્યો હતો. તળાવ કિનારે વર્ષોથી ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણ રૂપી ત્રણ કોમર્શિયલ દુકાનો અને એક મકાનને તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે એમજીવીસીએલ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે તહેનાત કરવામાં આવ્યો હતો. પશ્ચિમ ઝોનના મામલતદારે જણાવ્યું હતું કે સીટી સર્વે નંબર ૩૦૬ અને ૩૦૭ પર આવેલા આ કોમર્શિયલ દબાણોને દૂર કરવા માટે અગાઉ ઓગસ્ટ ૨૦૨૫માં જ હુકમ કરાયો હતો. જેની સામે દબાણદારોએ ગુજરાત મહેસૂલ પંચમાં મનાઈ હુકમ મેળવવા અરજી કરી હતી, પરંતુ જાન્યુઆરી ૨૦૨૬માં મહેસૂલ પંચે આ અરજી નાતરી દેતા સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થતાં જ આજે તંત્ર દ્વારા આ આકરા પગલાં લેવામાં આવ્યા હતા.
​બીજી તરફ, પાલિકા અને મામલતદારની આ અચાનક થયેલી કાર્યવાહીને પગલે સ્થાનિક રહીશો અને અસરગ્રસ્ત દુકાનદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેમને ગઈકાલે સાંજે જ ટૂંકી નોટિસ આપવામાં આવી હતી અને આજે બપોરે ઓચિંતી તોડફોડ શરૂ કરી દેવાઈ હતી. ચોમાસાની આ સિઝનમાં રોજગાર છીનવાઈ જતાં પરિવારો નિરાધાર બન્યા છે. અસરગ્રસ્તોએ તંત્રની દાનત સામે સવાલ ઉઠાવતા આક્ષેપ કર્યો હતો કે, અરજી કરનાર વ્યક્તિ અને તંત્રના અધિકારીઓ વચ્ચે મિલીભગત છે. સમગ્ર તાંદલજા વિસ્તારમાં અનેક ગેરકાયદેસર બાંધકામો હોવા છતાં, માત્ર એક ચોક્કસ સર્વે નંબરને જ ટાર્ગેટ કરીને પક્ષપાતી વલણ અપનાવવામાં આવ્યું છે. સ્થાનિકોએ મામલતદાર કચેરીની ભૂમિકાને શંકાસ્પદ ગણાવી માંગ કરી છે કે જો કાર્યવાહી કરવી જ હોય તો સમગ્ર વિસ્તારના તમામ ગેરકાયદેસર દબાણો સામે સમાન ધોરણે બુલડોઝર ચલાવવામાં આવે.

Most Popular

To Top