મિડલ ઈસ્ટમાં ફરી તણાવનું વાદળ
મિડલ ઈસ્ટમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા તણાવ વચ્ચે હવે એક નવો રાજકીય અને કૂટનીતિક સંઘર્ષ ઊભો થયો છે. એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ કરાર કરીને પોતાને વૈશ્વિક સ્તરે ‘શાંતિ સ્થાપક’ તરીકે રજૂ કરવા માંગે છે, જ્યારે બીજી તરફ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ઈરાન સામે વધુ કડક અને આક્રમક કાર્યવાહી કરવા માટે સતત દબાણ બનાવી રહ્યા છે.
સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી ચર્ચાઓ બાદ ઉભી થયેલી સંભવિત શાંતિ સમજૂતી હવે ઇઝરાયેલ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો ઇઝરાયેલ આ ડીલનો વિરોધ ચાલુ રાખશે તો સમગ્ર કરાર જોખમમાં પડી શકે છે.
અમેરિકા-ઈરાન પીસ ડીલ શું છે?
અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી પરમાણુ કાર્યક્રમ, આર્થિક પ્રતિબંધો અને પ્રાદેશિક પ્રભાવને લઈને ભારે તણાવ રહ્યો છે. બંને દેશો વચ્ચે અનેક વખત સીધી અને આડકતરી અથડામણો પણ થઈ ચૂકી છે.તાજેતરમાં જિનીવામાં થયેલી બેઠકમાં બંને દેશોએ સંવાદ અને કૂટનીતિક માર્ગ અપનાવીને તણાવ ઘટાડવા માટે સહમતી દર્શાવી હોવાનું જણાવવામાં આવે છે. આ સંભવિત સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ્ય મિડલ ઈસ્ટમાં સ્થિરતા લાવવાનો છે.આ કરારનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો ઈરાનના આર્થિક પુનઃનિર્માણ માટે લગભગ 300 અબજ ડોલરના વિશાળ આર્થિક પેકેજ સાથે જોડાયેલો છે. આટલી મોટી રકમ ઈરાનને મળવાની શક્યતાએ અમેરિકા સહિત ખાડી દેશોમાં પણ અનેક સવાલો ઊભા કર્યા છે.
ટ્રમ્પની રાજકીય વ્યૂહરચના અને શાંતિની છબી
ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી પોતાની ઓળખ એક સફળ ‘ડીલમેકર’ તરીકે સ્થાપિત કરવા માંગે છે. તેઓ માને છે કે જો અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ઓછો થશે તો મિડલ ઈસ્ટમાં શાંતિની નવી શરૂઆત થઈ શકે છે.ટ્રમ્પ માટે આ ડીલ માત્ર વિદેશ નીતિનો મુદ્દો નથી, પરંતુ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ છે. તેઓ પોતાના સમર્થકો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને બતાવવા માંગે છે કે તેમના નેતૃત્વ હેઠળ યુદ્ધ કરતાં સંવાદને પ્રાધાન્ય આપવામાં આવે છે.
નેતન્યાહૂ કેમ છે નારાજ?
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વર્ષોથી ઈરાનને ઇઝરાયેલના અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો ગણાવતા આવ્યા છે.તેમનું માનવું છે કે ઈરાનનું પરમાણુ કાર્યક્રમ તેની સૈન્ય ક્ષમતા સમગ્ર વિસ્તાર માટે જોખમી છે.નેતન્યાહૂનું કહેવું છે કે ઈરાન પર આર્થિક દબાણ જાળવી રાખવું જરૂરી છે. જો ઈરાનને આર્થિક રાહત મળશે તો તે વધુ ઝડપથી પોતાની સૈન્ય અને વ્યૂહાત્મક શક્તિ વધારી શકશે.ઇઝરાયેલના સુરક્ષા નિષ્ણાતો પણ માને છે કે ઈરાનને મળનારી આર્થિક મદદનો એક ભાગ તેના સૈન્ય અને પ્રોક્સી નેટવર્ક સુધી પહોંચી શકે છે.
ઇઝરાયેલની મુખ્ય ચિંતાઓ
- બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમ
ઇઝરાયેલનું સૌથી મોટું વાંધું એ છે કે પ્રસ્તાવિત કરારમાં ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમ પર કોઈ સ્પષ્ટ નિયંત્રણોની જોગવાઈ નથી. ઇઝરાયેલ માને છે કે મિસાઈલ ક્ષમતા ભવિષ્યમાં તેના માટે સીધો ખતરો બની શકે છે. - હિઝબુલ્લાહ અને હમાસનો મુદ્દો
ઇઝરાયેલનો આરોપ છે કે ઈરાન લેબનાન સ્થિત હિઝબુલ્લાહ અને ગાઝા પટ્ટીમાં સક્રિય હમાસ જેવા સંગઠનોને સહાય કરે છે. આ કરારમાં આવા સંગઠનો સામે કોઈ કડક પગલાંની જાહેરાત ન થતાં ઇઝરાયેલ વધુ નારાજ છે. - લેબનાનમાં સૈન્ય કાર્યવાહી
ઇઝરાયેલનું માનવું છે કે દક્ષિણ લેબનાનમાં હિઝબુલ્લાહની સૈન્ય હાજરી તેના માટે સતત ખતરો છે. પરંતુ નવી સમજૂતીમાં લેબનાનમાં સૈન્ય કાર્યવાહી પર નિયંત્રણોની વાત સામે આવી રહી હોવાથી ઇઝરાયેલને પોતાની સુરક્ષા મર્યાદિત થવાની ભીતિ છે. - 300 અબજ ડોલરનું રહસ્ય
આ ડીલ સાથે જોડાયેલા 300 અબજ ડોલરના આર્થિક પેકેજને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે આ રકમ ક્યાંથી આવશે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે.અમેરિકાના રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દે મતભેદ જોવા મળી રહ્યા છે. કેટલાક નિષ્ણાતો માને છે કે આટલી મોટી આર્થિક સહાય ઈરાનને પ્રાદેશિક રીતે વધુ શક્તિશાળી બનાવી શકે છે.ખાડી દેશો પણ આ બાબતને લઈને ચિંતિત છે કારણ કે ઈરાનની વધતી આર્થિક શક્તિ સમગ્ર વિસ્તારના શક્તિ સંતુલનને અસર કરી શકે છે. - ઇઝરાયેલી મંત્રીની ખુલ્લી ચેતવણી
ઇઝરાયેલના કટ્ટરપંથી નેતા અને મંત્રી ઇતામાર બેન-ગ્વીરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે થતી કોઈ પણ ડીલ ઇઝરાયેલ માટે બંધનકારક નથી.તેમણે જણાવ્યું કે ઇઝરાયેલ પોતાની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવાનું ચાલુ રાખશે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે જો ઇઝરાયેલને જોખમ લાગશે તો તે એકતરફી સૈન્ય કાર્યવાહીથી પણ પાછળ નહીં હટે. - યુદ્ધમાં AI ટેક્નોલોજીની એન્ટ્રી
આ સમગ્ર વિવાદમાં એક નવી અને ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે આધુનિક યુદ્ધમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ભૂમિકા સતત વધી રહી છે.અમેરિકન મીડિયામાં આવેલા કેટલાક અહેવાલો મુજબ, ઈરાન સંબંધિત વિશ્લેષણ અને સૈન્ય આયોજનમાં એલોન મસ્કની કંપની xAI દ્વારા વિકસાવવામાં આવેલા ‘Grok AI’ મોડલ જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.આ દર્શાવે છે કે આધુનિક યુદ્ધ હવે માત્ર મિસાઈલ અને બોમ્બ સુધી મર્યાદિત નથી રહ્યું, પરંતુ સાયબર યુદ્ધ, ડેટા વિશ્લેષણ અને AI પણ તેમાં મહત્વપૂર્ણ હથિયાર બની રહ્યા છે. - શું પીસ ડીલ ટકી શકશે?
હાલની સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે શું આ શાંતિ કરાર વાસ્તવમાં સફળ થશે?
વિશ્લેષકોનું માનવું છે કે જ્યાં સુધી ઇઝરાયેલની સુરક્ષા સંબંધિત ચિંતાઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી મિડલ ઈસ્ટમાં કાયમી શાંતિ સ્થાપિત થવી મુશ્કેલ છે.જો ઇઝરાયેલ ઈરાનના પરમાણુ મથકો, હિઝબુલ્લાહ અથવા અન્ય પ્રોક્સી સંગઠનો સામે આક્રમક કાર્યવાહી ચાલુ રાખશે તો અમેરિકા-ઈરાન વચ્ચેની સમગ્ર શાંતિ પ્રક્રિયા ફરી ખોરવાઈ શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપિત કરીને ઐતિહાસિક રાજકીય સફળતા મેળવવા માંગે છે, પરંતુ બેન્જામિન નેતન્યાહૂ માટે ઇઝરાયેલની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બંને નેતાઓના અલગ-અલગ અભિગમ વચ્ચે હવે સમગ્ર વિશ્વની નજર આ વાત પર ટકેલી છે કે શું કૂટનીતિ જીતશે કે પછી યુદ્ધની રાજનીતિ ફરી એકવાર મિડલ ઈસ્ટને આગમાં ધકેલી દેશે. જો ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે આ મુદ્દે સહમતી નહીં બને, તો ટ્રમ્પની મહત્ત્વાકાંક્ષી ઈરાન પીસ ડીલ ગમે ત્યારે વિવાદોના ભાર નીચે દબાઈ શકે છે.