એગ્રો વેપારીઓ દ્વારા ખેડૂતો અને સરકારની ખુલ્લેઆમ લૂંટ
આધારકાર્ડનો દુરુપયોગ કરી સબસિડી ચાઉં કરવાનું ષડયંત્ર
યુરિયાના નિયત ભાવ કરતાં વધુ વસૂલાત છતાં કૃષિ તંત્ર ઘોર નિદ્રામાં
પ્રતિનિધિ ગોધરા તા.17
ગોધરા તાલુકાના કાંકણપુરમાં એગ્રો સેન્ટરના કેટલાક વેપારીઓ દ્વારા ખેડૂતો સાથે ઉઘાડી લૂંટ ચલાવીને મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ કાળાબજારીયા તત્વો દ્વારા ખાતરના નિયત ભાવ કરતાં વધુ રૂપિયાની વસૂલાત કરવાની સાથે ખેડૂતોના આધારકાર્ડનો ગેરલાભ ઉઠાવીને સરકારની કરોડો રૂપિયાની સબસિડી પણ ઓળવી જવામાં આવી રહી છે. સ્થાનિક કૃષિ અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે ખેડૂતો અને સરકાર બંને સાથે ખુલ્લેઆમ છેતરપિંડી થઈ રહી છે.

સરકાર દ્વારા ૪૫ કિલો નીમ કોટેડ યુરિયા ખાતરનો ભાવ ૨૬૬.૫૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ કાંકણપુરના વેપારીઓ ભોળા અને સામાન્ય ખેડૂતો પાસેથી એક થેલીના ૩૫૦ રૂપિયા પડાવીને તેઓનું આર્થિક શોષણ કરી રહ્યા છે. ખાતરના વેચાણ પર પારદર્શક દેખરેખ રાખવા માટે સરકાર દ્વારા પૉઇન્ટ ઑફ સેલ મશીન અને આધારકાર્ડ આધારિત સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. જોકે, અશિક્ષિત ખેડૂતો જ્યારે માત્ર એક થેલી ખાતર લેવા જાય અને મશીનમાં અંગૂઠો કે આધાર વિગતો આપે, ત્યારે વેપારીઓ તેમની જાણ કે સંમતિ વિના ઓનલાઈન સિસ્ટમમાં મરજી મુજબ ૮ થી ૧૫ થેલીઓનું વેચાણ દર્શાવી દે છે. આ બચાવેલી વધારાની થેલીઓ કાળાબજારમાં ઊંચા ભાવે વેચીને વેપારીઓ સરકાર તરફથી મળતી સબસિડી સીધી પોતાના ખિસ્સામાં નાખી રહ્યા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.

નિયમો મુજબ તમામ એગ્રો વેપારીઓએ ખેડૂતને ખાતરના વેચાણનું પાકું બિલ આપવું ફરજિયાત છે, છતાં કૌભાંડ છુપાવવા માટે અહીં ખેડૂતોને કોઈ જ બિલ આપવામાં આવતું નથી. સરકાર દ્વારા અવારનવાર એડવાઈઝરી બહાર પાડીને કડક નિયમો બનાવવામાં આવ્યા હોવા છતાં સ્થાનિક તંત્ર કોઈ જ પગલાં ભરી રહ્યું નથી. આ કાળાબજારી રોકવા માટે કૃષિ અધિકારીઓએ આકસ્મિક મુલાકાતો લઈ, ગેરરીતિ પકડીને સીધા લાયસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ કાંકણપુરમાં કૃષિ વિભાગ દ્વારા કોઈ જ ચેકિંગ કે કાર્યવાહી ન થતી હોવાથી વેપારીઓ બેફામ બન્યા છે અને નિયમો નેવે મૂકીને લૂંટ ચલાવી રહ્યા છે.
રિપોર્ટર : આશિષ બારીયા