Dabhoi

જુવાર ખરીદી વિવાદનો સુખદ અંત, ડભોઈના ખેડૂતોનું આંદોલન સમેટાયું

ધારાસભ્ય શૈલેષ મહેતાની રજૂઆત રંગ લાવી, ગાંધીનગરની બેઠક બાદ હકારાત્મક નિર્ણય
ખેડૂત આગેવાનોને પારણાં કરાવી આંદોલનનો અંત, મુખ્યમંત્રી અને પુરવઠા મંત્રીનો વ્યક્ત કરાયો આભાર

(પ્રતિનિધિ) ડભોઇ:
છેલ્લા ચારથી પાંચ દિવસથી જુવારની ટેકાના ભાવે ખરીદીની મર્યાદાને લઈને ડભોઈ તાલુકાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને વિવિધ સ્થળોએ વિરોધ તથા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીને કરાયેલી લેખિત રજૂઆત અને ગાંધીનગરમાં યોજાયેલી બેઠક બાદ પ્રશ્નનો સુખદ ઉકેલ આવતા ખેડૂતોનું આંદોલન સમેટાઈ ગયું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ ડો. બી.જે. બ્રહ્મભટ્ટ અને ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ખેડૂત આગેવાનોને પારણાં કરાવી આંદોલનનો અંત લાવવામાં આવ્યો હતો.

ખરીદીની મર્યાદા ઘટાડાતા ખેડૂતોમાં ફાટી નીકળ્યો હતો રોષ
સરકારે અગાઉ હેક્ટર દીઠ 1850 કિલોગ્રામ જુવારની ખરીદીનો નિર્ણય કર્યો હતો અને તે મુજબ ખરીદી શરૂ પણ થઈ હતી. પરંતુ બાદમાં ખેડૂત દીઠ માત્ર 1000 કિલોગ્રામ ખરીદીની મર્યાદા નક્કી કરાતા ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. વિરોધ બાદ મર્યાદા વધારીને 1700 કિલોગ્રામ કરવામાં આવી હતી, તેમ છતાં ડભોઈ તાલુકામાં રાજ્યના કુલ રજિસ્ટ્રેશનના આશરે 70 ટકા ખેડૂતો નોંધાયેલા હોવાથી મોટાભાગના ખેડૂતોને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ હતી.
ગાંધીનગરમાં ચર્ચા બાદ પ્રશ્નનો ઉકેલ, આગેવાનોએ વ્યક્ત કર્યો આભાર
ખેડૂતોના હિતમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રી અને પુરવઠા મંત્રી સમક્ષ અગાઉના નિર્ણય મુજબ હેક્ટર દીઠ 1850 કિલોગ્રામ ખરીદી યથાવત રાખવા રજૂઆત કરી હતી. ત્યારબાદ ગાંધીનગર ખાતે ખેડૂત પ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનો સાથે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીએ પ્રશ્નના સકારાત્મક નિરાકરણ માટે સૂચના આપતા ખેડૂતોમાં રાહતનો માહોલ સર્જાયો હતો.
પ્રશ્નના ઉકેલ બાદ સ્થાનિક આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી અને ધારાસભ્ય શૈલેષ મહેતાનો આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા પંચાયત સભ્ય હર્ષિલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય કૃણાલભાઈ તથા ન્યાય સમિતિના ચેરમેન શાંતિલાલ વસાવા સહિતના આગેવાનો પણ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખેડૂતોની સાથે રહી મહત્વની ભૂમિકા ભજવી હતી.

રિપોર્ટર: દીપક જોશી

Most Popular

To Top