Pavagadh

પાવાગઢમાં ખોવાયેલા 12 જેટલા બાળકો પરિવારને મળ્યા, પોલીસ-દુકાનદારોના સંકલનથી માનવતાની મિસાલ

વોટ્સએપ ગ્રુપ બન્યું યાત્રિકો માટે આશીર્વાદરૂપ; મૂંગા અને દિવ્યાંગ બાળકને પણ સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડાયો

હાલોલ, તા. 15 (યોગેશ ચૌહાણ):
વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે દર્શનાર્થે આવેલા 10થી 12 જેટલા બાળકો ભીડમાં પોતાના પરિવારજનોથી વિખુટા પડી જતા ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે પાવાગઢ પોલીસ અને સ્થાનિક દુકાનદારોના ઉત્તમ સંકલન તેમજ સતર્કતાના કારણે તમામ બાળકોને સુરક્ષિત રીતે શોધી તેમના વાલીઓને સોંપવામાં આવ્યા હતા.

પાવાગઢ ડુંગર પર દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. ભારે ભીડને કારણે ઘણીવાર નાના બાળકો પોતાના પરિવારથી અલગ પડી જતા હોય છે. આવી સ્થિતિમાં મદદરૂપ થવા માટે પાવાગઢ પોલીસ અને સ્થાનિક વેપારીઓ દ્વારા એક વિશેષ વોટ્સએપ ગ્રુપ કાર્યરત છે. આ ગ્રુપ મારફતે ખોવાયેલા બાળકો તેમજ યાત્રિકોની સમસ્યાઓ અંગે તાત્કાલિક માહિતીની આપ-લે કરવામાં આવે છે.

રવિવારે દર્શન દરમિયાન 10થી 12 જેટલા બાળકો પરિવારથી વિખુટા પડી ગયા હતા. કોઈ બાળક એકલો મળી આવતાં સ્થાનિક દુકાનદારો તેને પોતાની દુકાનમાં સુરક્ષિત રાખતા હતા અને તરત જ તેનો ફોટો તથા વિગતો વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા હતા. બીજી તરફ, પોતાના બાળકોને શોધી રહેલા વાલીઓને પણ આ ગ્રુપ દ્વારા બાળક અંગેની માહિતી ઝડપથી મળી રહેતી હતી.

આ સુવ્યવસ્થિત વ્યવસ્થાના કારણે તમામ બાળકોને ટૂંકા સમયમાં શોધી કાઢી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન પાવાગઢ પોલીસ અને સ્થાનિક વેપારીઓએ પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી.

દરમિયાન એક મૂંગો બાળક પણ પરિવારથી વિખુટો પડી ગયો હતો. બાળક પોતાની ઓળખ આપી શકતો ન હોવાથી તેને પાવાગઢ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. બીજી તરફ, બાળકના માતા-પિતાએ હાલોલ ટાઉન પોલીસ મથકે બાળક ગુમ થયાની અરજી નોંધાવી હતી. બંને પોલીસ મથકો વચ્ચે થયેલા સંકલન અને માહિતીના આધારે બાળકની ઓળખ થઈ હતી અને અંતે તેને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત એક દિવ્યાંગ બાળક પરિવારથી છૂટો પડી જતા પાવાગઢ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. સુનિલ શર્મા તેની મદદે દોડી આવ્યા હતા. તેમણે બાળકની સંભાળ રાખી તેના પરિવારને શોધી કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ખાખીમાં માનવતાની આ મિસાલે હાજર લોકોમાં પ્રશંસા જગાવી હતી.

પાવાગઢ પોલીસ અને સ્થાનિક દુકાનદારો વચ્ચેનું આ ઉત્તમ સંકલન યાત્રાધામમાં આવતા શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. યાત્રિકોની સુરક્ષા અને સહાયતા માટે કાર્યરત આ વ્યવસ્થા ભવિષ્યમાં પણ અનેક પરિવારો માટે રાહતરૂપ બનશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top