એક યુવાન શિષ્ય તેના ગુરુજી પાસે આવ્યો. તેણે કહ્યું, ‘‘ગુરુજી, મને તમારા વિશેષ આશિષ જોઈએ છે.’’ ગુરુજી બોલ્યા, ‘‘તે તો હંમેશા મારા દરેક શિષ્ય સાથે છે જ. તને શા માટે ખાસ આશીર્વાદ જોઈએ છે?’’ શિષ્ય બોલ્યો, ‘‘ગુરુજી, મારે જીવનમાં બદલાવ જોઈએ છે. મારે પોતે બદલાવું છે, હું જે છું તેનાથી વધુ સારા મારે બનવું છે…હું જ્યાં છું ત્યાંથી મારે આગળ વધવું છે. હું ખૂબ મહેનત કરી બદલાવા માંગું છું. તમે મને આશીર્વાદ આપો.’’
શિષ્યની વાત સાંભળી ગુરુજી બોલ્યા, ‘‘વત્સ, તને જીવનમાં ઠોકર વાગે… નિષ્ફળતા મળે, તને જીવનમાં ખરાબ અનુભવ થાય.’’ ગુરુજીના શબ્દો સાંભળીને શિષ્ય હતપ્રભ થઈ ગયો. તે સમજી ન શક્યો કે ગુરુજી આ શું બોલ્યા? તેણે થોથવાતા અવાજે ધીમેથી પૂછ્યું, ‘‘ગુરુજી, મને મારી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો.હું તમારી માફી માંગું છું. હું તમારી પાસે બદલાવ માટે સારા આશિષ મેળવવા આવ્યો હતો અને આ તમે મને કેવા આશિષ આપ્યા જે આશીર્વાદ છે કે શાપ તે જ સમજાતું નથી …’’
ગુરુજી બોલ્યા, ‘‘વત્સ મેં તને તેં જેના માટે આશિષ માંગ્યા તે માટે જરૂરી હોય તેવા આશિષ જ આપ્યા છે. તું મારો શિષ્ય છે અને તારી કોઈ ભૂલ પણ નથી તો હું તને શું કામ કોઈ શાપ આપું? કેવી વાત કરે છે?’’ શિષ્ય બોલ્યો, ‘‘ગુરુજી, તમે કહ્યું, મને નિષ્ફળતા મળે ,ઠોકર વાગે, ખરાબ અનુભવ થાય. આ આશીર્વાદ કઈ રીતે તે સમજાતું નથી.’’ ગુરુજી બોલ્યા, ‘‘વત્સ, તેં કહ્યું જીવનમાં બદલાવ જોઈએ છે, તારે પોતે બદલાવું છે, તું જે છે તેનાથી વધુ સારા તારે બનવું છે…તું જ્યાં છે ત્યાંથી તારે આગળ વધવું છે.એટલે મેં તને આવા આશિષ આપ્યા છે કારણ કે તો જ તને જે જોઈએ છે તે બદલાવ તે શક્ય બનશે.’’ શિષ્ય બોલ્યો, ‘‘કઈ રીતે?’’
ગુરુજીએ કહ્યું, ‘‘જો જયારે તને નિષ્ફળતા મળશે કે કોઈ ઠોકર વાગશે કે કોઈ ખરાબ અનુભવ થશે ત્યારે તને મનમાં પીડા થશે; આ પીડાદાયક અનુભવ તને જીવનમાં શીખવા જેવો અને કોઈ ભણાવી ન શકે તેવો પાઠ ભણાવશે અને જ્યારે જીવનના આવા અનુભવમાંથી પાઠ ભણવા મળે, જે શીખવા મળે ત્યારે મનુષ્યમાં જરૂરી બદલાવ આવે છે.તેં બદલાવની ઈચ્છા કરી એટલે મેં તને આવા આશીર્વાદ આપ્યા.’’ ગુરુજીએ સમજ આપી.શિષ્ય ગુરુજીના આશિષ મેળવી જીવનમાં બદલાવ લાવવા કટિબદ્ધ બન્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.