બદનામ લોકો અને સરકારના અપ્રામાણિક કર્મચારીઓ સાથે મળીને પૈસા અને લાભ ચપ્પત કરી જાય તેનું નામ સરકારી યોજના. હમણાં એક ભાઇ બોલી રહ્યા હતા કે ખોટું બોલી, ખોટું કરી બે દિવસ ખાઇ શકો અને સાચું બોલીને એક દિવસ. ભારતનાં લોકોમાં આ એક ખોટી માનસિકતા ઘૂસાડવામાં આવી રહી છે કે તેમના લોહીમાં પહેલેથી જ આ નકારાત્મક વૃત્તિએ ઘર કર્યું છે તે કહેવું મુશ્કેલ છે. જે દીવા જેવું સ્પષ્ટ છે. તે એ છે કે સરકારો અને રાજકીય પક્ષો આ જુઠા વિચારને સતત પોષણ આપી રહ્યા છે. તેઓ જ્યાં સાચું કરીને યશ મેળવવાની શક્યતા હોય ત્યાં પણ ખોટી તરકીબો અજમાવે છે. આ નફરત એમના ડીએનએમાં વણાઇ ગઇ છે. ક્યાંય પણ નજર કરો, બસ ખોટાઓની જ બોલબાલા છે. ધાર્મિક ક્ષેત્રમાં અનહદ પેસી જાય ત્યારે દેશ એ પ્રજાને ભગવાન પણ નહીં બચાવી શકે.
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા ત્યારે ‘લાડકી બહેન’ નાયક યોજના શરૂ કરી હતી. આજે પણ ચાલુ છે. દેશને પ્રામાણિક બનાવવાના નામે અપ્રામાણિકતા દાખલ કરી દેવાનું સૌથી મોટું રાક્ષસી કામ અરવિંદ કેજરીવાલે કર્યું. ચૂંટણીઓ જીતવા માટે લોકોને તરહ તરહના સરકારી લાભો આપ્યા અને ચૂંટણીઓ જીતી પણ ગયો. મહેનત વગર કશુંક પ્રાપ્ત કરવાનો દરેક શોર્ટકટ લોકો દ્વારા જાણતા કે અજાણતા થતી એક ચોરી જ છે. લોકો એ ભૂલી જાય છે કે ચોરીનું શિકે ન ચડે. વહેલો મોડો પ્રજા કે તેની ભવિષ્યની પેઢીએ એ શોર્ટકટની સાજ ભોગવવી જ પડે છે. ઠીક છે, પરંતુ અન્ય રાજકીય પક્ષો અને નેતાઓને કેજરીવાલવાળી, બીજા શબ્દોમાં કહીએ તો રોકડા લાભો આપી પૈસા ખરીદવાની એ યોજનાઓ વધુ માફક આવી ગઇ. દેશની અને રાજ્યોની દરેક સરકારોએ, ફરીથી ચૂંટણીઓ જીતવા માટે, લાગણી અને બંધનોના સ્યુગરકોટેડ નામો સાથે આ મન-ખરીદી યોજનાઓ અમલમાં મૂકવા માંડી. રક્ષાબંધનના દિવસે મુખ્યમંત્રી લાડકી બહેનોના લાડકા ભાઇ છે એવી ફુલ પેજ જાહેરખબરો છપાવા માંડી.
શિંદે સરકારનું તો એક ઉદાહરણ છે પરંતુ આ પ્રકારનું મતદાતાઓનું શોષણ મમતા બેનરજીએ પણ કર્યું, દરેક સરકારોએ કર્યું અને કરી રહી છે. યોજનામાં ગોટાળા ઘૂસ્યા તો ઘૂસવા દીધા. આંખ આડા કાન એટલા માટે કર્યા કે ગોટાળાઓ આચરીને મતદારો મત આપતા હોય તો ગોટાલેં અચ્છે હૈ. લાડકસ બહેન યોજનાનો લાભ લાડકા પણ ડામીસ, ભાઇઓ પણ ઉઠાવી ગયા. મહારાષ્ટ્રમાં હજારો ભાઇઓએ લાડકી બહેનો બની યોજનાની જયાફત ઉઠાવી.
જેમાં વાર્ષિક કૌટુંબિક આવક રૂપિયા અઢી લાખથી ઓછી હોય એ પરિણીત, છૂટાછેડાવાળી, વિધવા, ત્યકતા કે જરૂરતમંદ સ્ત્રીઓને સરકાર દર મહિને પંદરસો રૂપિયાની સહાય આપે છે. સહાયની યોગ્યતા બાબતમાં કશું જ ખોટું કે ખરાબ નથી. પરંતુ તેનો અમલ સવાલો પેદા કરે છે. આ યોજના માટે સરકારે 2026-27ના નાણાંકીય વર્ષમાં 26 હજાર પાંચસો કરોડ ફાળવ્યા છે. યોજના શરૂ કરાઇ ત્યારે સરકારી અંદાજ હતો કે વર્ષના 46 હજાર કરોડ રૂપિયાની જરૂર પડશે. પરંતુ તેના બદલે 2024-25માં 33 હજાર 232 કરોડ રૂપિયાની વહેંચણી થઇ.
રકમ મોટી અંદાજવામાં આવી હતી, પરંતુ સરકાર આ રીતે સહાયકોમાં મોટી રકમો વહેંચી દે તો તેની અસર વિકાસની અને અન્ય યોજનાઓ, વહીવટ વગેરે પર સ્પષ્ટપણે વર્તાય. એટલે ચૂંટણી આવવાના એકાદ વર્ષ અગાઉ સરકાર પણ ધોધ વહાવે પણ આખરે અનેક સવાલોના માત્ર જવાબો જ નહીં, પરિણામો ભોગવવાં પડે. રાજ્યને નાણાં ધીરતી સંસ્થાઓ, એજન્સીઓ ક્રેડિટ રેટીંગ ઘટાડી દે. છેવટે સરકારને સ્કીપ નાની કરવી પડી. ચુસ્ત દુરસ્ત બનાવવાની ફરજ પડી ત્યારે 26 હજાર 500 કરોડ પર અટકી છે. આ દુરસ્તીની પ્રક્રિયામાં એ સામે આવ્યું કે અપાત્ર હોય એવી બહેનોએ તો યોજનાનો ફાયદો ઉઠાવ્યો અને હજારો ભાઇઓએ બહેન બની ઉઠાવ્યો. ઇ-કેવાયસીની નવી પ્રક્રિયા અને તપાસમાં આ ઘટસ્ફોટ થયો.
એક કરોડ 66 (છાંસઠ) લાખ મહિલાઓ હાલમાં સ્કીમનો લાભ લે છે. પરંતુ સ્કીમ લોન્ચ થઇ ત્યારે બે કરોડ 40 લાખ લાભાર્થી બહેનો હતી. ઇ-કેવાયસીની સઘન તપાસ શરૂ થઇ ત્યારે બહાર આવ્યું કે મોટરકારો કે ફોર વ્હીલર્સ ધરાવતી બહેનો, કે જેમણે આવકવેરા પણ ભરવા પડયા હતા એ લાખોની સંખ્યામાં લાભાર્થીઓ તરીકે જોડાઇ ગઇ હતી. કુલ 74 લાભાર્થીઓ અપાત્ર જાહેર થઇ કે થયા. આ સમાજમાં પ્રવેશેલી અનીતિની આ મિશાલ છે. સરકારી નોકરી કરતી બહેનોએ પણ ફાયદો ઉઠાવ્યો એ ન્યાયે કે જેના હાથમાં એના મોંમાં. શું એ માત્ર લાડકી બહેનોને સરકાર નોકરીમાંથી કાઢશે?
સમાજ આ રાહ પર શા માટે ચડી ગયો છે? એટલા માટે કે તેઓને બે વાત સમજાઇ ગઇ છે. એક તો પ્રજાના પૈસે નેતાઓ બેમર્યાદ સત્તાઓ અને સુવિધાઓ ભોગવે છે. ફરજ ન પડે ત્યાં સુધી પ્રજાને કશું પાછું આપતા નથી. તો પછી આપણે પોતાએ પણ શા માટે ફાયદો ન ઉઠાવવો. બીજી વાત એ સમજાઇ ગઇ છે કે ખોટું કરવાથી કોઇ બૂરું પરિણામ આવવાનું નથી. લાખો લોકોને કોર્ટમાં ઘસડી જવાના નાણાં માણસો અને વ્યવસ્થા સરકાર પાસે નથી.
હજારો કરોડનો એક એક ગોટાળેબાજ વિદેશોમાં મોજ માણે છે ત્યારે સરકાર કયા મોઢે લાખો ચિભડા ચોરને સજા કરાવી શકે અને ધારો કે કરાવે તો એટલા મતદારો ગુમાવે. બહેનો તો ઠીક 14298 લાડકા ભાઇઓ જેમણે યોજનાનો ગેરલાભ ઉઠાવ્યો તેઓને સરકાર માફ કરી દે અને આખું પ્રકરણ સગેવગે કરીને કાળક્રમે ભૂલાવી દે તો નવાઇ પામવા જેવું નથી. કારણ કે તેમાં સરકારી તંત્રની ઇરાદાપૂર્વકની ગેરલાયકાત અને નીતિમત્તા ઉજાગર થાય છે. શું અરજીઓ એમ જ મંજૂર કરી દેવામાં આવી. ફોટોગ્રાફ્સ ચીટકાડવાનું ફરજિયાત ન હતું શું? સ્ત્રીઓ અને પુરુષોનાં નામોમાં અમુક અપવાદો બાદ કરતાં સામાન્યતા હોતી નથી. તેઓને પ્રમાણપત્રો અને કાગળો અરજીના સમર્થનમાં રજૂ કર્યા તેમાં શું ક્યાંય વિસંગતિઓ જોવા ન મળી?
ખેર! ફડનવીસ સરકારે યોજનાને સ્ટ્રીમલાઇન કરીને સરકારની શાખ બચાવી લીધી છે, પરંતુ સરકારી યોજનાઓ આમ જ ચાલે એ ધારણાને વધુ મજબૂત બનાવી છે. સરકાર નિયમ પ્રમાણે આગળ વધશે તો વિપક્ષ ગોકીરો મચાવશે કે બહેનોને સતાવવામાં આવી રહી છે. તે પણ વરસના 18 હજાર જેટલી નાની રકમ માટે દેવેન્દ્ર ફડણવીસે જાહેર કર્યું છે કે જેમણે અનુચિત લાભ મેળવ્યો છે એમની પાસેથી રકમ પાછી મેળવવામાં આવશે. જે થશે તે ભવિષ્યની વાત છે પરંતુ એ લાડકા ભાઇઓને બિલકુલ માફ ન કરવા જોઇએ. જેલમાં પૂરવા જોઇએ. આખરે સામાજિક નીતિમત્તાનો તેના ફેબ્રિકનો સવાલ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.