Business

ખાતર માટે કલાકોની કતારો: કરજણમાં અન્નદાતાની અગ્નિપરીક્ષા

સવારે 5 વાગ્યાથી ડેપો બહાર ખેડૂતોની ભીડ, મહિલાઓ પણ લાઈનમાં ઊભી રહેવા મજબૂર

આધાર કાર્ડ દીઠ માત્ર 10 ગુણ ખાતરથી રોષ, ખાનગી ડેપોમાં વધારાના ખર્ચનો ખેડૂતોને બોજ

કરજણ: કરજણ નગરમાં હાલમાં ખાતર મેળવવા માટે ખેડૂતોને ભોગવવી પડી રહેલી મુશ્કેલીઓ કૃષિ ક્ષેત્રની વાસ્તવિક સ્થિતિને ઉજાગર કરી રહી છે. પોતાના પાક માટે જરૂરી ખાતર મેળવવા ખેડૂતોને વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. સંઘના ડેપો બહાર જોવા મળતા દ્રશ્યો માત્ર ખાતરની અછત જ નહીં, પરંતુ ખેડૂતોની મજબૂરી અને તેમના સંઘર્ષની પણ સાક્ષી પૂરાં પાડે છે.

સવારે પાંચ વાગ્યાથી જ ખેડૂતો, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે, ખાતર મેળવવા માટે ડેપો બહાર લાઈનો લગાવી દે છે. પાકને સમયસર પોષણ મળી રહે અને વાવેતર પ્રભાવિત ન થાય તે માટે ખેડૂતો કલાકો સુધી પોતાની વારીની રાહ જોતા જોવા મળે છે. અન્નદાતાની આ હાલત અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે.

ડેપો પર એક આધાર કાર્ડ દીઠ માત્ર 10 ગુણ ખાતર આપવામાં આવતું હોવાને કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તેમની જમીન અને પાકની જરૂરિયાત પ્રમાણે આ જથ્થો પૂરતો નથી. પરિણામે તેમને વારંવાર ડેપોના ધક્કા ખાવા પડે છે અથવા ખાનગી ડેપોનો આશરો લેવો પડે છે.

ખાનગી ખાતર ડેપોમાં પણ ખેડૂતોને રાહત મળતી નથી. અનેક સ્થળોએ યુરિયા ખાતર સાથે અન્ય ખાતરો અથવા પ્રોડક્ટ્સ ખરીદવાની શરતો મૂકાતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જેના કારણે ખેડૂતોનો ખર્ચ વધે છે અને આર્થિક બોજ વધુ ભારે બને છે.

ખેડૂતોનું કહેવું છે કે ખાતરની સમયસર અને પૂરતી ઉપલબ્ધતા તેમની મૂળભૂત જરૂરિયાત છે. વાવણીની મહત્વપૂર્ણ સિઝન દરમિયાન ખાતર માટે લાંબી કતારો અને મર્યાદિત જથ્થાનું વિતરણ ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મૂકી રહ્યું છે.

કરજણની આ સ્થિતિ માત્ર સ્થાનિક સમસ્યા નથી, પરંતુ કૃષિ ક્ષેત્રમાં રહેલા પડકારોનું પ્રતિબિંબ છે. ખેડૂતોને સન્માનપૂર્વક, સરળતાથી અને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.

રિપોર્ટર : મુકેશ અથોરા

Most Popular

To Top