મણિપુરમાં ફરી એકવાર હિંસાનું વાતાવરણ સર્જાયું છે. કાંગપોકપી જિલ્લાના લેઇલોન વૈફેઈ ગામ નજીકથી 6 લોકોના મૃતદેહ મળી આવતા રાજ્યમાં તણાવ વધી ગયો છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ મૃતદેહો તે 6 નાગા નાગરિકોના છે, જેઓ 13 મેના રોજ લાપતા થયા હતા. મૃતદેહ મળતા જ નાગા સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો છે અને વિરોધના ભાગરૂપે યુનાઇટેડ નાગા કાઉન્સિલ (UNC) દ્વારા નાગા બહુલ વિસ્તારોમાં 24 કલાકના બંધનું એલાન કરવામાં આવ્યું છે. લાપતા થયેલા લોકોની શોધ માટે મણિપુર પોલીસ, CRPF અને આસામ રાઇફલ્સના 450 જેટલા જવાનોની 15 ટીમોએ વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સ્નિફર ડોગ્સ અને ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી લગભગ 24 કલાક સુધી શોધખોળ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન બુધવારે બપોરે લેઇલોન વૈફેઈ ગામ નજીકથી 6 મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહો લાંબા સમયથી પડ્યા હોવાથી ખૂબ જ સડી ગયેલી હાલતમાં હતા, જેના કારણે તેમની ઓળખ તરત કરવી શક્ય બની નહોતી. હવે ઓળખની પુષ્ટિ માટે મૃતદેહોને ઇમ્ફાલની JNIMS અને RIMS હોસ્પિટલમાં DNA પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
મૃતદેહ મળ્યાની જાણ થતાં જ નાગા સમુદાયના લોકો અને મૃતકોના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ બહાર ભેગા થઈ ગયા હતા. ધીમે-ધીમે ભીડ ઉગ્ર બનતાં પોલીસે હોસ્પિટલની આસપાસ બેરિકેડ્સ ગોઠવવા પડ્યા હતા. પરિસ્થિતિ વધુ બગડતાં ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. બીજી તરફ સેનાપતિ જિલ્લામાં એક ઉગ્ર ટોળાએ બે ટ્રકોને આગ ચાંપી દીધી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પરિવારજનો અને સ્થાનિક સંગઠનોના જણાવ્યા મુજબ લાપતા થયેલા લોકોમાં મનુ થિયુમાઈ, કેનપીબૌ, ફેનરોન્ગવી થિયુમાઈ, દિલીપ થિયુમાઈ, કાલિવાન્ગબૌ અબોનમાઈ અને સીએચ ફેનરીલુંગનો સમાવેશ થાય છે. આ તમામ લોકો 13 મેના રોજ કોન્શાખુલ વિસ્તારથી પરત ફરી રહ્યા હતા, ત્યારે લેઇલોન વૈફેઈ ગામ નજીકથી અચાનક ગાયબ થઈ ગયા હતા. ત્યારથી તેમના વિશે કોઈ માહિતી મળી નહોતી.
આ સમગ્ર મામલો 13 મેના રોજ નોની અને કાંગપોકપી જિલ્લામાં થયેલી હિંસા સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. તે દિવસે ત્રણ પાદરીઓ સહિત ચાર લોકોની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ નાગા અને કુકી સમુદાય વચ્ચે તણાવ વધી ગયો હતો. હિંસા બાદ બંને પક્ષોએ એકબીજાના લોકોને બંધક બનાવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. મહિલાઓ અને બાળકો સહિત કેટલાક લોકોને શરૂઆતમાં જ મુક્ત કરવામાં આવ્યા હતા. બાદમાં સરકારની મધ્યસ્થી બાદ નાગા સંગઠનોએ પોતાના કબજામાં રહેલા 14 કુકી નાગરિકોને મુક્ત કર્યા હતા. પરંતુ બીજા જ દિવસે 6 નાગા લોકોના મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ફરી તણાવ વધી ગયો છે.
લિયાન્ગમાઈ નાગા કાઉન્સિલના પ્રમુખ ટિમોથીએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી હતી. તેમણે કહ્યું કે આ ક્રૂર હત્યાથી સમગ્ર નાગા સમાજ આઘાતમાં છે. બીજી તરફ યુનાઇટેડ નાગા કાઉન્સિલે આ હત્યાકાંડની કડક નિંદા કરી છે. સંગઠને રાજ્યના ઉપમુખ્યમંત્રી નેમચા કિપગેનને પદ પરથી હટાવવાની માગ કરી છે. UNCનો આરોપ છે કે કેટલાક કુકી બળવાખોર જૂથો આ ઘટનામાં સંડોવાયેલા હોઈ શકે છે. સાથે જ તેમણે સરકાર અને આવા સંગઠનો વચ્ચે થયેલા ‘સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ’ (SoO) કરારો રદ કરવાની પણ માગ કરી છે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે તેમની માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહો સ્વીકારવામાં નહીં આવે.
મણિપુરના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે ઘટનાની આકરી નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે નિર્દોષ નાગરિકોના અપહરણ અને હત્યા જેવી ઘટનાઓ કોઈપણ રીતે સ્વીકારી શકાય નહીં. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે સમગ્ર કેસની તપાસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવશે. સરકાર દોષિતો સામે કડક કાર્યવાહી કરશે તેવી ખાતરી પણ તેમણે આપી છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ પણ આ ઘટનાને અત્યંત દુઃખદ અને અસ્વીકાર્ય ગણાવી છે. તેમણે જણાવ્યું કે શાંતિ સ્થાપવા માટે બંને સમુદાયોએ સકારાત્મક પ્રયાસો કર્યા હતા, પરંતુ આવી હિંસક ઘટનાઓ શાંતિ પ્રક્રિયાને મોટો ફટકો પહોંચાડે છે. તેમણે કહ્યું કે મણિપુરમાં કાયમી શાંતિ માત્ર વાતચીત, વિશ્વાસ અને પરસ્પર સન્માનથી જ શક્ય બની શકે છે. બીજી તરફ કુકી સંગઠન KIMએ પણ ઘટનામાં શોક વ્યક્ત કરીને નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માગ કરી છે.