અમદાવાદ
આગામી 21 જૂન 2026એ ઉજવનારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેરમાં વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત તન-મન ગ્રાઉન્ડ ખાતે તા. 10 જૂન, 2026ના રોજ સવારે 5:30 થી 7:30 વાગ્યા દરમિયાન વિશેષ યોગ શિબિર યોજાશે. આ શિબિર ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સફાઈ કર્મચારીઓ માટે આયોજિત કરવામાં આવી છે, જેમાં અંદાજે 2000 સફાઈ કર્મચારીઓ ભાગ લેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં યોગનો વ્યાપ વધે, લોકો નિયમિત યોગ અપનાવે અને સ્વસ્થ તથા નિરોગી જીવનશૈલી તરફ આગળ વધે તે માટે વિવિધ જિલ્લાઓ અને મનપાઓમાં યોગ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ સમાજમાં યોગ અંગે સકારાત્મક વાતાવરણ સર્જવાનો અને દરેક નાગરિકને આરોગ્યપ્રદ જીવન જીવવા પ્રોત્સાહિત કરવાનો છે.