Gujarat

ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ પાસેથી મેળવી માહિતી

ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ ચાલુ રાખી છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 207 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ચીખલીમાં 16.85 ઈંચ નોંધાયો છે. આ ઉપરાંત ખેરગામમાં 16.69 ઈંચ, સુરત જિલ્લાના ઉમરપાડામાં 15.75 ઈંચ, વલસાડના ઉમરગામમાં 14.37 ઈંચ, અમદાવાદ જિલ્લાના ધોળકામાં 13.35 ઈંચ, નવસારીના વાંસદામાં 13.31 ઈંચ, ડાંગના વઘઈમાં 12.99 ઈંચ, ખેડાના મહેમદાવાદમાં 12.87 ઈંચ અને ગણદેવીમાં 12.68 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ 59 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગે આગામી 48 કલાક માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓમાં જળસ્તર વધવા અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાત્રે 10 વાગ્યે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે તેમજ રાહત અને બચાવ કામગીરી અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. મુખ્યમંત્રી સતત તમામ જિલ્લાના કલેક્ટરો અને વહીવટી તંત્ર સાથે સંપર્કમાં રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

રાજ્યમાં સર્જાયેલી વરસાદી સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાતચીત કરીને હાલની સ્થિતિની માહિતી મેળવી હતી. વડાપ્રધાને કેન્દ્ર સરકાર તરફથી જરૂરી તમામ મદદ આપવાની ખાતરી આપી છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ રાજ્યના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું છે કે રાજ્યમાં કોઈપણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે NDRF અને SDRFની ટીમો પહેલેથી જ વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. જ્યાં જરૂર પડશે ત્યાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવશે. હવામાન વિભાગે લોકોને નદી-નાળાઓ, નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. આગામી બે દિવસ રાજ્ય માટે ભારે વરસાદના હોવાથી તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું પણ જણાવાયું છે.

Most Popular

To Top