દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદની સીધી અસર હવે રેલવે વ્યવસ્થા પર જોવા મળી રહી છે. ઉમરગામ-બીલીમોરા વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેની રેલવે લાઈન પર ટ્રેન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. સલામતીને પ્રાથમિકતા આપતા રેલવે તંત્રએ 20થી વધુ ટ્રેનો રદ કરી છે,અનેક ટ્રેનોને ટૂંકા અંતરે સમાપ્ત કરવામાં આવી છે અથવા તેમના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે, પરિસ્થિતિની સૌથી મોટી અસર સુરત રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે. વિવિધ શહેરો તરફ જવા નીકળેલા હજારો મુસાફરો સ્ટેશન પર જ અટવાઈ ગયા છે. ટ્રેન ક્યારે આવશે તેની કોઈ સ્પષ્ટ માહિતી ન મળતાં અનેક પરિવારો કલાકો સુધી પ્લેટફોર્મ પર રાહ જોઈ રહ્યા છે. કેટલાક મુસાફરો પોતાના સામાન પર બેસીને સમય પસાર કરી રહ્યા છે, તો કેટલાકે પ્લેટફોર્મ પર જ ચાદર પાથરી આરામ કરવાની ફરજ પડી છે.
નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમય સુધી રાહ જોવાને કારણે મુસાફરોમાં થાક અને ચિંતા બંને જોવા મળી રહી છે. સ્ટેશન પર સતત જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ ટ્રેન સેવાઓ સામાન્ય ક્યારે થશે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.મુંબઈ રૂટની અનેક મહત્વપૂર્ણ ટ્રેનો રદ થતાં સુરત સ્ટેશનના લગભગ તમામ પ્લેટફોર્મ મુસાફરોથી ભરાઈ ગયા છે. કેટલાક મુસાફરો પોતાની મુસાફરી રદ કરીને પરત ફરી રહ્યા છે, જ્યારે અન્ય મુસાફરો કોઈપણ રીતે પોતાના ગંતવ્ય સુધી પહોંચવાના વિકલ્પો શોધી રહ્યા છે. બસ સેવા અને ખાનગી વાહનોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે.જો કે રેલવે અધિકારીઓ દ્વારા મુસાફરોને સતત ધીરજ રાખવા અને સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે. જ્યાં શક્ય બન્યું છે ત્યાં પીવાનું પાણી, ચા અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. સાથે જ જે મુસાફરો મુસાફરી રદ કરવા માંગે છે તેમના માટે રિફંડ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
રેલવે વિભાગના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે ટ્રેક અને પુલોની સલામતીનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પાણીનું સ્તર સામાન્ય થયા બાદ જ ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવશે. મુસાફરોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવામાં આવે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.હાલની પરિસ્થિતિમાં સુરત રેલવે સ્ટેશન પર રાહ જોતા હજારો મુસાફરો માટે સમય જાણે થંભી ગયો હોય તેવું દૃશ્ય સર્જાયું છે. સતત વરસાદ અને ટ્રેન વ્યવહાર ખોરવાતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આગામી કલાકોમાં હવામાનમાં સુધારો અને પાણીનું સ્તર ઘટે તો જ રેલવે સેવા ધીમે ધીમે ફરી સામાન્ય બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.