અમદાવાદમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ યથાવત રહેતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 23 જુલાઈના ધોધમાર વરસાદ બાદ આજે સવારે પણ વરસાદ ચાલુ રહેતા બોપલ, આંબલી, થલતેજ, શેલા સહિતના વિસ્તારોમાં અનેક સ્થળે કમરથી લઈને છાતી સુધી પાણી ભરાઈ ગયા છે. પાણી ન ઓસરતા સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે કર્ણાવતી ક્લબ પાછળ આવેલી કરોડો રૂપિયાની પોશ સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે. અનેક બંગલાઓ અને રહેણાંક વિસ્તારોમાં લોકો ગઈકાલથી જ ફસાયેલા હોવાથી બચાવ કામગીરી માટે આર્મીને મેદાનમાં ઉતારવામાં આવી છે. સૈનિકોએ બોટની મદદથી અનેક પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
આનંદનગર વિસ્તારમાં એક રહેણાંક સોસાયટીની દીવાલ ભારે વરસાદના કારણે ધરાશાયી થઈ હતી. સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા 16 ફ્લેટ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા છે અને આસપાસના વિસ્તારમાં પણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. શહેરમાં ભારે વરસાદના કારણે અનેક માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. પાંજરાપોળ ચાર રસ્તા નજીક સહજાનંદ કોલેજ પાસે મોટો ભૂવો પડતાં રસ્તો જોખમી બની ગયો છે. પાણી ભરાઈ જતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને હેલ્મેટ સર્કલ તરફ જવાનું ટાળવા અપીલ કરી છે. ઉપરાંત શાંતિપુરા સર્કલથી બોપલ તરફ જતો માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે. પાણી ભરાવાના કારણે શહેરના અનેક અંડરબ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમાં મકરબા, પરિમલ, અખબારનગર, મણિનગર દક્ષિણી, કાળીગામ, ચાંદલોડિયા, રાણીપ GST અને ચાંદખેડા અંડરબ્રિજનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
આ દરમિયાન ગોમતીપુર વિસ્તારમાં વરસાદી પાણીમાં એક આધેડ વ્યક્તિની લાશ તરતી જોવા મળતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને કબજે લઈને ઓળખ અને મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. શહેરમાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોપલ-આંબલીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક અધિકારીઓ પાસેથી બચાવ અને રાહત કામગીરી અંગે માહિતી મેળવી અને અસરગ્રસ્ત લોકોને ઝડપી મદદ પહોંચાડવા જરૂરી સૂચનાઓ આપી હતી. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી છે, જ્યારે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.