Vadodara

વિઠ્ઠલનાથજીના ૨૧૭મા ભવ્ય વરઘોડાની તૈયારીઓ: દેવપોઢી એકાદશીએ નગરચર્યાએ નીકળશે પ્રભુ​

ઐતિહાસિક સોના-ચાંદીનો રથ સ્ટોર રૂમમાંથી બહાર કઢાયો; કીર્તિ મંદિર ખાતે વિશેષ પૂજન અને મહાઆરતી યોજાશે

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આગામી દેવપોઢી એકાદશીના પાવન પર્વે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો ૨૧૭મો ઐતિહાસિક વરઘોડો અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક કાઢવામાં આવશે. વર્ષો જૂની પરંપરા મુજબ આ પવિત્ર પ્રસંગે ભગવાન વિઠ્ઠલનાથજી સોના-ચાંદીથી સુશોભિત ભવ્ય રથમાં બિરાજમાન થઈને વડોદરાના રાજમાર્ગો પર નગરચર્યા કરી ભક્તોને દર્શન આપશે. વરઘોડા પૂર્વે ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા વિધિવત પૂજન-અર્ચન કરી પ્રભુના રથને પ્રસ્થાન કરાવવામાં આવશે.
​આ ભવ્ય નગરયાત્રાની પૂર્વતૈયારીઓના ભાગરૂપે સોના અને ચાંદીથી મઢેલા ઐતિહાસિક રથને મંદિરના સ્ટોર રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. આ રથ ખાસ ઇંગ્લેન્ડમાં તૈયાર કરાયેલો હોવાનું માનવામાં આવે છે. દાયકાઓ જૂનો હોવા છતાં યોગ્ય જાળવણી અને સંભાળના કારણે આજે પણ આ રથ અત્યંત સુરક્ષિત અને મજબૂત સ્થિતિમાં છે, જેને જોઈને શ્રદ્ધાળુઓમાં વિશેષ આકર્ષણ જોવા મળી રહ્યું છે.
​પરંપરાગત માર્ગો પરથી પસાર થઈને ભગવાનનો આ વરઘોડો બપોરે ૧:૦૦ વાગ્યાના સુમારે કીર્તિ મંદિર સ્થિત કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચશે. ત્યાં ભગવાનના વિશેષ પૂજન, અર્ચન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજે ૫:૦૦ વાગ્યે વરઘોડો પોતાના નિજ ધામ વિઠ્ઠલ મંદિર ખાતે પરત ફરશે. સમગ્ર યાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગો ભક્તિમય માહોલથી ગૂંજી ઉઠશે.
​દેવસ્થાન ટ્રસ્ટ અને વિઠ્ઠલ મંદિર પરિવાર દ્વારા શહેરના તમામ ધર્મપ્રેમી નાગરિકો તથા શ્રદ્ધાળુઓને આ ૨૧૭મા ઐતિહાસિક અને ધાર્મિક વરઘોડામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન તથા કૃપાપ્રસાદનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Most Popular

To Top