Gujarat

ગુજરાતની સરકારી શાળાઓમાં રાજ્યવ્યાપી મેગા ચેકિંગ

શૌચાલય, પીવાના પાણી સહિત તમામ મૂળભૂત સુવિધાઓની થશે સ્થળ પર તપાસ, ખામી જણાશે તો તાત્કાલિક રિપેરિંગના આદેશ

રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ઉપલબ્ધ મૂળભૂત સુવિધાઓની વાસ્તવિક સ્થિતિ જાણવા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાન દરમિયાન શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થા, હાથ ધોવાની સુવિધા સહિત શાળાઓમાં ઉપલબ્ધ વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થળ પર જઈને ચકાસણી કરવામાં આવશે. તપાસ દરમિયાન જ્યાં પણ કોઈપણ પ્રકારની ખામી જોવા મળશે ત્યાં તાત્કાલિક સમારકામ હાથ ધરવા અને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખવા સરકાર દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.

સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર (DPC), જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO), જિલ્લા શિક્ષણાધિકારી તેમજ તમામ સરકારી શાળાઓના મુખ્ય શિક્ષકો અને સંચાલકોને આ અંગે વિગતવાર માર્ગદર્શિકા મોકલવામાં આવી છે. અધિકારીઓને માત્ર કાગળ પરના અહેવાલથી સંતોષ ન માનતા દરેક શાળામાં સ્થળ પર જઈને ભૌતિક ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે. સરકારનું માનવું છે કે વાસ્તવિક સ્થિતિ જાણવા માટે સ્થળ નિરીક્ષણ સૌથી અસરકારક રીત છે અને તેના આધારે જ જરૂરી સુધારાત્મક કાર્યવાહી થઈ શકશે.

તપાસ દરમિયાન ખાસ કરીને શાળાઓમાં આવેલા શૌચાલયોની સ્થિતિ પર વધુ ભાર મૂકવામાં આવશે. શૌચાલયમાં નિયમિત પાણી ઉપલબ્ધ છે કે નહીં, દરવાજા યોગ્ય સ્થિતિમાં છે કે નહીં, ફ્લોર તૂટેલો કે નુકસાનગ્રસ્ત તો નથી ને, પાણીની ટાંકી કાર્યરત છે કે નહીં, નળમાં પાણી આવે છે કે નહીં, ડ્રેનેજ લાઇન યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહીં તેમજ ક્યાંય લીકેજ કે ગંદકી જેવી સમસ્યા તો નથી તેની વિગતવાર તપાસ કરવામાં આવશે. ઉપરાંત વિદ્યાર્થીઓ માટે હાથ ધોવાની સુવિધા, સાબુની ઉપલબ્ધતા અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા પણ ચકાસવામાં આવશે.

સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ શાળામાં શૌચાલય અથવા પાણીની સુવિધા બિનકાર્યરત હશે અથવા અન્ય કોઈ જરૂરી સુવિધામાં ખામી જોવા મળશે તો તે ખામી દૂર કરવામાં વિલંબ કરવામાં આવશે નહીં. સંબંધિત શાળા સંચાલનને તાત્કાલિક રિપેરિંગ અને જાળવણીની કામગીરી શરૂ કરવાની રહેશે. આ માટે સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેનન્સ ગ્રાન્ટ અથવા સરકાર દ્વારા મંજૂર અન્ય ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવશે. જો જરૂરી હોય તો સ્થાનિક સ્તરે પણ જરૂરી સહયોગ મેળવી કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.

આ સમગ્ર અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ U-DISE (યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન) પોર્ટલ સાથે પણ જોડાયેલો છે. રાજ્યની તમામ શાળાઓ અંગેની માહિતી આ પોર્ટલ પર નોંધાયેલી હોય છે. સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે U-DISE પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચે કોઈપણ પ્રકારનો તફાવત ન હોવો જોઈએ. જો તપાસ દરમિયાન જાણવા મળશે કે પોર્ટલ પર દર્શાવાયેલી માહિતી અને વાસ્તવિક સ્થિતિ અલગ છે તો સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક ઓનલાઈન માહિતીમાં સુધારો કરીને તેને અપડેટ કરવાની રહેશે. આ નિર્ણયથી અગાઉ અપલોડ કરાયેલી માહિતીની ચોકસાઈ અને વિશ્વસનીયતા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

સમગ્ર કામગીરી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC)ની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવશે. સમિતિ માત્ર સમારકામની કામગીરી પર નજર રાખશે એટલું જ નહીં પરંતુ કામની ગુણવત્તા પણ સુનિશ્ચિત કરશે. કામગીરી પૂર્ણ થયા બાદ સંબંધિત શાળા દ્વારા તેનું પ્રમાણપત્ર તૈયાર કરીને જિલ્લા કક્ષાએ જમા કરાવવાનું રહેશે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પણ સમયાંતરે તેની સમીક્ષા કરવામાં આવશે જેથી કોઈપણ શાળામાં કામગીરી અધૂરી ન રહે.શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર છેલ્લા કેટલાક સમયથી સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સાથેસાથે ભૌતિક સુવિધાઓમાં પણ સતત સુધારો લાવવાના પ્રયાસો કરી રહી છે.

વિદ્યાર્થીઓને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ મળે તે માટે શૌચાલય, પીવાનું પાણી, સ્વચ્છતા અને જાળવણી જેવી બાબતોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોની શાળાઓમાં પણ શહેરોની સમકક્ષ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સરકાર વિવિધ યોજનાઓ હેઠળ સતત ગ્રાન્ટ ફાળવી રહી છે.શિક્ષણવિદોના મતે શાળાઓમાં સ્વચ્છ શૌચાલય, શુદ્ધ પીવાનું પાણી અને હાથ ધોવાની સુવિધા માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ નથી, પરંતુ વિદ્યાર્થીઓના આરોગ્ય, સ્વચ્છતા અને નિયમિત હાજરી સાથે પણ સીધો સંબંધ ધરાવે છે.

ખાસ કરીને વિદ્યાર્થીનીઓ માટે યોગ્ય અને સ્વચ્છ શૌચાલયની ઉપલબ્ધતા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી સરકાર દ્વારા શરૂ કરાયેલું આ રાજ્યવ્યાપી ચકાસણી અભિયાન સરકારી શાળાઓની વાસ્તવિક સ્થિતિ જાણવા તેમજ જ્યાં જરૂર હોય ત્યાં તાત્કાલિક સુધારણા લાવવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. પરંતુ સરકારનું કહેવું છે કે આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર ખામીઓ શોધવાનો નથી, પરંતુ રાજ્યની દરેક સરકારી શાળામાં વિદ્યાર્થીઓને સુરક્ષિત, સ્વચ્છ અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો છે.

સ્થળ પરની ચકાસણી, તાત્કાલિક રિપેરિંગ, U-DISE પોર્ટલ પર માહિતીનું અપડેશન અને જિલ્લા કક્ષાએ સતત મોનિટરિંગ દ્વારા શાળાઓની મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. સરકારને આશા છે કે આ અભિયાનના પરિણામે રાજ્યની સરકારી શાળાઓમાં ભૌતિક સુવિધાઓની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે અને વિદ્યાર્થીઓને વધુ સારું શિક્ષણલક્ષી વાતાવરણ મળશે.

Most Popular

To Top