ફાયર સેફ્ટી ઓફિસર નફીસ મલેક દ્વારા રૂબરૂ મુલાકાત, સાધનોની સ્થિતિનો લેવાયો તાગ
ફાયર સેફ્ટીના સાધનોનું ઇન્સ્પેક્શન કરી રિપોર્ટ પાલિકાને સોંપાશે


(પ્રતિનિધિ), વડોદરા. તા.૧૯
વડોદરા :- શહેરની સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષાને ધ્યાને રાખીને આજે ફાયર સેફ્ટી વિભાગ દ્વારા મહત્વપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ફાયર સેફ્ટી ઓફિસર નફીસ મલેક સયાજી હોસ્પિટલ ખાતે રૂબરૂ મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં સ્થાપિત ફાયર સેફ્ટીના સાધનોની સઘન ચકાસણી કરી હતી.
મળતી માહિતી મુજબ, વડોદરા મહાનગર પાલિકા દ્વારા અગાઉ પણ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવા અને સાધનો કાર્યરત રાખવા માટે સયાજી હોસ્પિટલને વારંવાર નોટિસ આપવામાં આવી હતી. પાલિકાની સતત તાકીદ છતાં સાધનોની જાળવણી અને કાર્યક્ષમતા અંગે ઉઠતા સવાલોના પગલે આજે ફાયર ઓફિસરએ સીધી કાર્યવાહી શરૂ કરી છે.
ફાયર સેફ્ટી ઓફિસર નફીસ મલેક દ્વારા હોસ્પિટલના વિવિધ વિભાગોમાં જઈને ફાયર એક્સટિંગ્યુશર્સ, ફાયર હાઈડ્રન્ટ્સ અને અન્ય સુરક્ષા સાધનો ઓપરેશનલ સ્થિતિમાં છે કે નહીં તેની રૂબરૂ તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન સાધનોની જાળવણી અને ઈમરજન્સી સમયે તેના ઉપયોગ અંગેની તૈયારીઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા ફાયર સેફ્ટી ઓફિસર નફીસ મલેકે જણાવ્યું હતું કે, આજે સ્થળ તપાસ પૂર્ણ કરવામાં આવી છે. હવે તમામ સાધનોના ઇન્સ્પેક્શનનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ તે પાલિકાના ઉચ્ચ અધિકારીઓને સુપ્રત કરવામાં આવશે. જો રિપોર્ટમાં કોઈ ખામીઓ જણાશે તો હોસ્પિટલ તંત્ર સામે નિયમાનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળે ફાયર સેફ્ટીના સાધનો સજ્જ રહે તે અનિવાર્ય હોવાથી આ તપાસને મહત્વની માનવામાં આવી રહી છે.