Gujarat

વિકાસ કે વિનાશ? સારોલીમાં ખાડી પુરાણ પાછળ કોનો આશીર્વાદ?

ખાડી પુરાણના નામે કુદરતી જળમાર્ગ પર અતિક્રમણના આક્ષેપ; દર વર્ષે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બનવાની ભીતિ, સ્થાનિકોએ તંત્ર સામે ઉઠાવ્યા સવાલો

સ્માર્ટ સિટી તરીકે વિકસી રહેલા સુરતમાં વિકાસના નામે કુદરતી જળમાર્ગો અને ખાડીઓ પર દબાણ વધતું જાય છે. શહેરના સારોલી વિસ્તારમાં આવેલી મહત્વની ખાડીને પુરાણ કરીને પ્લોટો ડાયવર્ટ કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મુદ્દે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વર્ષોથી વરસાદી પાણીના કુદરતી નિકાલ માટે ઉપયોગમાં આવતી ખાડીને પુરાણ કરવાના કારણે આગામી ચોમાસામાં સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થવાનો ભય ઊભો થયો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, સારોલી ગામ તેમજ આસપાસના નોન-ટીપી વિસ્તારોમાં આવેલી ખાડીઓ વર્ષોથી વરસાદી પાણીના નિકાલ માટે મહત્વપૂર્ણ રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ખાડીઓમાં માટી અને કાટમાળ નાખીને તેને પુરવામાં આવી રહી છે અને ત્યારબાદ પ્લોટો ડાયવર્ટ કરવાની કામગીરી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. આ કારણે કુદરતી પાણીનો પ્રવાહ સંપૂર્ણ રીતે અવરોધાઈ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે અનેક વખત મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર કચેરી તેમજ સંબંધિત વિભાગોમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે વિકાસના નામે ખાડીઓનો નાશ થતો રહ્યો છે અને સામાન્ય નાગરિકોને ભવિષ્યમાં તેનું ગંભીર પરિણામ ભોગવવું પડશે.

વિસ્તારના લોકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન થોડા કલાકના વરસાદમાં જ રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. જો કુદરતી ખાડીને સંપૂર્ણ રીતે પુરાણ કરીને તેના પર પ્લોટો ઉભા કરવામાં આવશે તો વરસાદી પાણીના નિકાલ માટે કોઈ માર્ગ બચશે નહીં. પરિણામે હજારો પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે અગાઉ પણ શહેરના અનેક વિસ્તારોમાં ખાડીઓ અને તળાવો પુરવાના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેમાંથી કોઈ બોધપાઠ લેવામાં આવ્યો નથી. હવે ફરીથી સારોલીમાં એ જ પ્રકારની કામગીરી થઈ રહી હોવાના આક્ષેપો વચ્ચે લોકોમાં ચિંતા વધી રહી છે.

આ સમગ્ર મામલે સ્થાનિકોએ તાત્કાલિક સર્વે કરાવી ખાડીની મૂળ સ્થિતિ જાહેર કરવાની, ગેરકાયદે પુરાણ અટકાવવાની તેમજ જો કોઈ ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ ભવિષ્યમાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ટાળવા માટે તમામ કુદરતી જળમાર્ગો અને વરસાદી પાણીના નિકાલના રસ્તાઓને સુરક્ષિત રાખવાની પણ માંગ કરવામાં આવી છે.સ્થાનિકોનું કહેવું છે કે વિકાસ જરૂરી છે, પરંતુ વિકાસના નામે કુદરતી જળમાર્ગોને નષ્ટ કરવામાં આવશે તો તેનો ભોગ આખા વિસ્તારને બનવો પડશે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આગામી વરસાદી સીઝનમાં સારોલી સહિત આસપાસના વિસ્તારોમાં ગંભીર જળબંબાકાર સર્જાઈ શકે છે.

હાલ આ મુદ્દે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને તેઓ તંત્ર પાસેથી તાત્કાલિક તપાસ, પારદર્શક કાર્યવાહી તથા ખાડી પર થઈ રહેલા કથિત દબાણને દૂર કરવાની માંગ કરી રહ્યા છે. આ મામલો હવે માત્ર એક વિસ્તારનો નહીં પરંતુ સમગ્ર સુરતના શહેરી આયોજન અને વરસાદી પાણીના વ્યવસ્થાપન સાથે જોડાયેલો મહત્વપૂર્ણ મુદ્દો બની રહ્યો છે.

Most Popular

To Top