Dabhoi

વડોદરા મધ્યસ્થ જેલ સલાહકાર સમિતિમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની નિયુક્તિ

રાજ્ય સરકારના ગૃહ વિભાગના આદેશથી નિમણૂક; કેદીઓની વહેલી મુક્તિ સહિતના મહત્વના નિર્ણયો માટેની સમિતિમાં મળશે જવાબદારી

કેદીઓની વહેલી મુક્તિ સહિતના મુદ્દાઓ પર રહેશે મહત્વની ભૂમિકા
ડભોઈ, તા. 18 જુલાઈ, 2026
રાજ્ય સરકારના ગૃહ વિભાગના આદેશ અનુસાર ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની વડોદરા મધ્યસ્થ જેલ સલાહકાર સમિતિમાં બિનસરકારી સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. વડોદરા મધ્યસ્થ જેલના સુપરિન્ટેન્ડન્ટ ઉષા રાડાએ આ અંગેનો નિયુક્તિ પત્ર પાઠવ્યો છે. તેમની આ નિમણૂકને લઈને ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, મિત્રો તેમજ હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓએ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા છે.
: ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 હેઠળ કાર્યરત સમિતિ
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-2023ની કલમ 473 મુજબ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જેલ સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવે છે. આ સમિતિ આજીવન કેદની સજા ભોગવતા તેમજ પાકા કામના કેદીઓની સારી વર્તણૂક, શિસ્ત, સુધારાત્મક અભિગમ અને વહેલી મુક્તિ જેવા સંવેદનશીલ વહીવટી તથા કાયદાકીય મુદ્દાઓ પર વિચારણા કરીને જરૂરી ભલામણો કરે છે. સમિતિમાં બિનસરકારી સભ્યો અને સામાજિક કાર્યકરોને પણ સ્થાન આપવામાં આવે છે.
શૈલેષભાઈ મહેતાના જાહેરજીવનના અનુભવ, વહીવટી સમજ અને નિર્ણયક્ષમતાને ધ્યાનમાં રાખીને તેમની આ મહત્વપૂર્ણ સમિતિમાં નિમણૂક કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમની નિમણૂકથી ડભોઈ સહિત સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી છે.
રિપોર્ટર– સઈદ મનસુરી, ડભોઈ

Most Popular

To Top