વિકાસ પહેલા વેરા વધારતા લોકો નગર પાલિકાના વહીવટથી નારાજ
પ્રતિનિધિ બોડેલી
બોડેલી નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા સૂચિત વેરા વધારાની દરખાસ્ત સામે સ્થાનિક રહેવાસીઓ અને કરદાતાઓએ સખત વિરોધ નોંધાવી જાહેર નોટિસ પરત ખેંચવાની માંગ કરી છે. નાગરિકોએ રજૂઆતમાં જણાવ્યું છે કે પૂરતી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવ્યા વિના વેરામાં ભારે વધારો કરવો જનહિત વિરુદ્ધ છે.
નાગરિકોના જણાવ્યા મુજબ બોડેલીને પાંચ ગ્રામ પંચાયતોને ભેગી કરીને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને સરકાર દ્વારા પાણી, ગટર, સફાઈ તથા સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ માટે અનુદાન પણ ફાળવવામાં આવે છે. તેમ છતાં અનેક વિસ્તારોમાં હજુ સુધી જરૂરી સુવિધાઓનો અભાવ જોવા મળે છે.
રજૂઆતમાં જણાવાયું છે કે રહેણાંક પાણી વેરો અગાઉ આશરે રૂ. 250 હતો, જેને વધારી રૂ. 800 કરવાનો પ્રસ્તાવ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે અસહ્ય આર્થિક બોજ સમાન છે. ઉપરાંત વરસાદી પાણીના ભરાવા, ગટર વ્યવસ્થાની અછત, ખરાબ રસ્તાઓ અને પીવાના પાણી જેવી સમસ્યાઓ યથાવત હોવા છતાં સમગ્ર નગરમાં એકસરખો વેરો લાગુ કરવાનો નિર્ણય અન્યાયી હોવાનું નાગરિકોએ જણાવ્યું છે.
નાગરિકોએ રજાનગર, દીવાન ફળિયું, વર્ધમાન નગર, કુંભારવાડા, ધાણકાવાડ, નદી ફળિયું, જૂની બોડેલી, ઓરસંગ નદી કાંઠો, ઝાંખરપુરા, ચારોલા, ચાચક તથા અલીપુરાના સ્લમ વિસ્તારો માટે વિકાસના સ્તરને ધ્યાનમાં રાખીને અલગ રાહત દરનો સ્લેબ નક્કી કરવાની માંગ કરી છે.
વધુમાં વડોદરા મહાનગરપાલિકા તથા નજીકની અન્ય નગરપાલિકાઓની તુલનામાં બોડેલીમાં હજુ પણ મૂળભૂત સુવિધાઓ અધૂરી હોવાથી સમકક્ષ વેરા દરો લાગુ કરવાનું યોગ્ય નથી તેવી દલીલ પણ રજૂ કરવામાં આવી છે.
રજૂઆતના અંતે નાગરિકોએ તમામ સૂચિત વેરા દરોનો પુનર્વિચાર કરવા, પાણી વેરામાં કરાયેલા ત્રણ ગણાથી વધુ વધારાને પરત ખેંચવા, વિસ્તારવાર વેરા માળખું અમલમાં મૂકવા તેમજ જાહેર સુનાવણી યોજી નાગરિકોના વાંધા અને સૂચનો રૂબરૂ સાંભળવાની દૃઢ માંગણી કરી છે.
રિપોર્ટર: રિયાઝ સૈયદ