National

8.9 કિલો વજન ઘટ્યું છતાં વાંગચુક અડગ, વાંગચુક બોલ્યા, ’20 જુલાઈએ સંસદ સુધી પહોંચવું જ છે’

દિલ્હીના જંતર-મંતર પર સામાજિક કાર્યકર અને શિક્ષણ સુધારાના હિમાયતી સોનમ વાંગચુકની ભૂખ હડતાળ હવે 20મા દિવસે પહોંચી છે. સતત 20 દિવસથી અન્નનો ત્યાગ કરનાર વાંગચુકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “મારે કોઈપણ ભોગે 20 જુલાઈ સુધી જીવવું છે.” તેમણે પોતાના સમર્થકોને 20 જુલાઈએ સંસદ સુધી યોજાનાર શાંતિપૂર્ણ માર્ચમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે. તેમનું કહેવું છે કે તેઓ લોકશાહીના સૌથી મોટા મંચ પર પોતાની વાત પહોંચાડવા માંગે છે. વાંગચુકે પોતાના સંદેશમાં કહ્યું કે બહારથી તેઓ ભલે નબળા દેખાતા હોય, પરંતુ અંદરથી આજે પણ મજબૂત છે. તેમણે હળવી મજાક કરતાં કહ્યું કે જો 20 જુલાઈની માર્ચ સફળ નહીં થાય તો તેઓ “ભૂત બનીને પાછા આવશે.” તેમના આ નિવેદને સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી છે.

સોનમ વાંગચુક હાલમાં NEET પેપર લીક અને પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. તેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા છે. લાંબા ઉપવાસના કારણે તેમનું વજન અંદાજે 8.9 કિલો જેટલું ઘટી ગયું હોવાનું જણાવવામાં આવ્યું છે. બીજી તરફ, ડોક્ટરોએ તેમની તબિયત અંગે ગંભીર ચેતવણી આપી છે. તબીબોના જણાવ્યા અનુસાર લાંબા સમયથી ખોરાક ન લેવાને કારણે તેમનું શરીર હવે અત્યંત નબળું થઈ ગયું છે. જો ઉપવાસ વધુ લાંબો સમય ચાલુ રહેશે તો શરીરના મહત્વના અંગો પર તેની ગંભીર અસર પડી શકે છે અને ઓર્ગન ફેલ થવાનું જોખમ પણ ઉભું થઈ શકે છે. ડોક્ટરોનું કહેવું છે કે હાલ તેમની સ્થિતિ અત્યંત સંવેદનશીલ તબક્કે પહોંચી ગઈ છે અને સતત મેડિકલ દેખરેખ ખૂબ જરૂરી છે.

વાંગચુકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઈકોર્ટે પણ મહત્વપૂર્ણ હસ્તક્ષેપ કર્યો છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નિર્દેશ આપ્યો છે કે તેમની દરરોજ મેડિકલ તપાસ કરવામાં આવે અને જરૂર જણાય તો તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વાંગચુકના સ્વાસ્થ્ય સાથે કોઈ બેદરકારી ન રાખવામાં આવે. વાંગચુકને મળવા માટે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ પણ જંતર-મંતર પહોંચી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ શુક્રવારે તેમની મુલાકાત લીધી હતી. તે પહેલાં સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે પણ વાંગચુક સાથે મુલાકાત કરીને તેમની માંગને સમર્થન આપ્યું હતું અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વાંગચુકને સમર્થન આપતા કહ્યું હતું કે દેશને આવા શિક્ષણ મંત્રીની જરૂર છે, જે શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે લડે. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે પણ જંતર-મંતર પહોંચી વાંગચુક સાથે મુલાકાત કરી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમગ્ર આંદોલન માત્ર સોનમ વાંગચુક પૂરતું મર્યાદિત નથી. કોકરોચ જનતા પાર્ટી (CJP) નામનું સંગઠન પણ 20 જૂનથી NEET પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાની માંગ સાથે જંતર-મંતર પર પ્રદર્શન કરી રહ્યું છે. આ સંગઠન પણ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યું છે અને વાંગચુક તેમના આંદોલનમાં જોડાયા છે.

આ પહેલી વખત નથી જ્યારે સોનમ વાંગચુક કોઈ મોટા આંદોલનનો ભાગ બન્યા હોય. આ પહેલાં તેઓ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાની માંગ સાથે લાંબા સમય સુધી આંદોલન ચલાવી ચૂક્યા છે. વર્ષ 2025માં લેહમાં થયેલી હિંસા બાદ તેમના પર હિંસા ભડકાવવાનો આરોપ મૂકાયો હતો અને તેમને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ અટકાયતમાં લઈને જોધપુર જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેઓ લગભગ 170 દિવસ સુધી જેલમાં રહ્યા હતા. જોકે, તે સમયથી જ તેઓ લોકહિતના મુદ્દાઓ પર સતત સક્રિય રહ્યા છે.

ભારતમાં ભૂખ હડતાળ દ્વારા વિરોધ નોંધાવવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. મહાત્મા ગાંધીથી લઈને ઇરોમ શર્મિલા અને જી.ડી. અગ્રવાલ જેવા અનેક લોકોએ પોતાની માંગણીઓને લઈને લાંબા સમય સુધી ઉપવાસ કર્યા છે. સૌથી લાંબી ભૂખ હડતાળનો રેકોર્ડ ઇરોમ શર્મિલાના નામે છે, જેમણે મણિપુરમાંથી AFSPA કાયદો હટાવવાની માંગ સાથે લગભગ 16 વર્ષ સુધી ઉપવાસ કર્યો હતો. આ દરમિયાન તેમને જીવતા રાખવા માટે તબીબી રીતે નાક મારફતે પ્રવાહી આહાર આપવામાં આવતો હતો. હાલમાં સોનમ વાંગચુકના ઉપવાસને લઈને સમગ્ર દેશમાં ચર્ચા ચાલી રહી છે. એક તરફ તેમના સમર્થકો તેમની માંગને યોગ્ય ગણાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ તેમના સતત બગડતા સ્વાસ્થ્યને લઈને ચિંતા પણ વધી રહી છે. હવે સૌની નજર 20 જુલાઈ પર છે, જ્યારે સંસદ સુધી શાંતિપૂર્ણ માર્ચ યોજાવાની છે. તે પહેલાં સરકાર અને વાંગચુક વચ્ચે કોઈ વાતચીત થાય છે કે નહીં અને તેમની તબિયતમાં શું સુધારો થાય છે, તેના પર દેશભરની નજર ટકેલી છે.

Most Popular

To Top