જાણીતા પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકનું આમરણ અનશન ગુરુવારે 19મા દિવસમાં પ્રવેશ્યું છે. લાંબા સમયથી અન્નનો ત્યાગ કરવાના કારણે તેમની તબિયત પર અસર જોવા મળી રહી છે, છતાં તેઓ પોતાના નિર્ણય પર અડગ છે. બુધવારે રાત્રે જાહેર કરેલા એક વીડિયો સંદેશમાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો સંઘર્ષ હજુ પૂરો થયો નથી અને તેઓ સરકાર પાસેથી યોગ્ય જવાબ મળ્યા વિના અનશન સમાપ્ત કરશે નહીં. વીડિયો સંદેશમાં સોનમ વાંગચુકે કહ્યું કે, છેલ્લા 18 દિવસથી અનશન પર હોવા છતાં તેમની હાલત એટલી ગંભીર નથી કે આગામી થોડા દિવસોમાં તેમનું જીવન જોખમમાં આવી જાય. તેમણે જણાવ્યું કે તાજેતરમાં કરાયેલા ઈસીજી સહિતના તમામ મેડિકલ ટેસ્ટ સંતોષકારક આવ્યા છે. શરીરમાં નબળાઈ અને સ્નાયુઓમાં ઘટાડો થયો છે, પરંતુ દિલ અને મગજ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તેથી તેઓ હજુ લાંબા સમય સુધી આંદોલન ચાલુ રાખી શકે છે.
વાંગચુકે જણાવ્યું કે દેશભરમાંથી ઘણા લોકો, સામાજિક આગેવાનો અને વરિષ્ઠ નેતાઓ તેમને અનશન સમાપ્ત કરવાની અપીલ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો કોર્ટમાં અરજી કરીને સરકારને બળજબરીથી તેમને ખવડાવવાનો આદેશ આપવા પણ માંગ કરી છે. જોકે, તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો તેઓ અત્યારે અનશન તોડી દેશે તો સરકારને એવો ખોટો સંદેશ જશે કે કોઈપણ જવાબદારી લીધા વિના અને લોકોની માંગણીઓનો જવાબ આપ્યા વિના આંદોલનને દબાવી શકાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ લડત માત્ર તેમની વ્યક્તિગત નથી, પરંતુ લોકશાહીમાં સરકારની જવાબદારી નક્કી કરવાની લડત છે. લોકોના પ્રશ્નોનો જવાબ આપવો સરકારની ફરજ છે અને તે જવાબદારી નિભાવવામાં આવે તે માટે આ આંદોલન ચાલી રહ્યું છે.
પોતાના આંદોલનને વધુ વ્યાપક બનાવવા માટે સોનમ વાંગચુકે આગામી 20 જુલાઈએ ‘ચલો સંસદ’ માર્ચનું આહ્વાન કર્યું છે. તેમણે દેશભરના વિદ્યાર્થીઓ, યુવાનો, શિક્ષકો અને સામાન્ય નાગરિકોને મોટી સંખ્યામાં આ પ્રદર્શનમાં જોડાવાની અપીલ કરી છે. સાથે જ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને વિનંતી કરી છે કે 20 જુલાઈને ‘એક્સપીરિયન્શિયલ એજ્યુકેશન ડે’ તરીકે ઉજવે, જેથી વિદ્યાર્થીઓ લોકશાહી અને જનઆંદોલનની પ્રક્રિયાને નજીકથી સમજી શકે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, 19 દિવસના અનશન દરમિયાન સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય પર અસર પડી છે. અત્યાર સુધીમાં તેમનું વજન આશરે 8.9 કિલોગ્રામ જેટલું ઘટીને 57.15 કિલોગ્રામ થયું છે. તેમનું બ્લડ પ્રેશર 105/76, બ્લડ શુગર 80 મિલિગ્રામ પ્રતિ ડેસિલિટર અને ઓક્સિજન લેવલ 97 ટકા નોંધાયું છે. ડોક્ટરોની ટીમ સતત તેમની તબિયત પર નજર રાખી રહી છે. ડોક્ટરોનું કહેવું છે કે શારીરિક રીતે તેઓ નબળા પડ્યા છે, પરંતુ માનસિક રીતે સંપૂર્ણ સચેત અને સ્થિર છે.
બુધવારે દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા આંદોલન દરમિયાન વિપક્ષના અનેક નેતાઓએ પણ સોનમ વાંગચુકની મુલાકાત લઈને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. ભીમ આર્મીના પ્રમુખ અને સાંસદ ચંદ્રશેખર આઝાદ ઉપરાંત સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસ અને CPIના અનેક સાંસદો પણ તેમને મળવા પહોંચ્યા હતા. વિપક્ષી નેતાઓએ ખાતરી આપી છે કે 19 જુલાઈએ યોજાનારી સર્વદલીય બેઠક અને સંસદના આગામી મોનસૂન સત્રમાં લદ્દાખના મુદ્દાઓને જોરશોરથી ઉઠાવવામાં આવશે. ચંદ્રશેખર આઝાદે જણાવ્યું કે જો સોનમ વાંગચુકને કોઈ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.
બીજી તરફ, આંદોલનને લોકોનો સતત ટેકો મળી રહ્યો છે. આંદોલનકારીઓના જણાવ્યા અનુસાર, 20 જુલાઈએ યોજાનારી ‘ચલો સંસદ’ માર્ચ માટે શરૂ કરાયેલા મિસ્ડ કોલ અભિયાનમાં અત્યાર સુધીમાં 1.3 લાખથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે. આ અભિયાન દ્વારા દેશભરના લોકો લદ્દાખની માંગણીઓને સમર્થન આપી રહ્યા છે. હાલમાં સોનમ વાંગચુકનું અનશન અને 20 જુલાઈના સંસદ માર્ચનું આહ્વાન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. હવે સરકાર આ મુદ્દે શું વલણ અપનાવે છે અને સંસદના મોનસૂન સત્રમાં આ મુદ્દે શું ચર્ચા થાય છે, તેના પર સૌની નજર રહેશે.