World

હોર્મુઝમાં ઈરાનના હુમલામાં ભારતીય ખલાસીનું મોત, ભારતે સમન્સ પાઠવી ઈરાન પાસે માગ્યો લેખિત ખુલાસો

પશ્ચિમ એશિયાના દરિયાઈ વિસ્તારમાં વેપારી જહાજો પર ઈરાન દ્વારા કરવામાં આવેલા બેક-ટુ-બેક મિસાઈલ હુમલા બાદ ભારત અને ઈરાન વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ભારે ગરમાવો આવી ગયો છે. ઓમાનના દરિયાઈ ક્ષેત્રમાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક UAEના ધ્વજવાળા બે ઓઈલ ટેન્કરો પર થયેલા ઘાતક ક્રૂઝ મિસાઈલ હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 6 ભારતીય સહિત 8 ખલાસીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ ઘટનાથી રોષે ભરાયેલા ભારતના વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવીને ભારતમાં ઈરાનના ડેપ્યુટી ચીફ ઓફ મિશન મોહમ્મદ જવાદ હુસૈની સહિતના વરિષ્ઠ રાજદ્વારીઓને સત્તાવાર સમન્સ પાઠવી તાકીદે દિલ્હી સ્થિત સાઉથ બ્લોક ખાતે તલબ કર્યા હતા.

ભારતે ઈરાન પાસે માગ્યો લેખિત ખુલાસો

વિદેશ મંત્રાલયના પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન વિભાગના જોઈન્ટ સેક્રેટરી આનંદ પ્રકાશે ઈરાની ડેપ્યુટી ચીફ મોહમ્મદ જવાદ હુસૈની અને અન્ય રાજદ્વારીઓ સમક્ષ આ હુમલા અંગે ભારત સરકારનો ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભારતે વેપારી જહાજો પર થયેલા આ હિચકારા હુમલા અંગે ઈરાની દૂતાવાસ પાસે તાત્કાલિક અને લેખિત ખુલાસો માંગ્યો છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય ક્રૂ મેમ્બરો ધરાવતા જહાજો પર આ પ્રકારના હુમલા કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાય નહીં. વિદેશ મંત્રાલય ખાતે કલાકો સુધી ચાલેલી આ અત્યંત તણાવપૂર્ણ બેઠક બાદ ઈરાનના ઉપ-પ્રમુખ મોહમ્મદ જવાદ હુસૈની અને અન્ય રાજદ્વારીઓ બહાર એકત્રિત થયેલા મીડિયા કર્મીઓ સમક્ષ કોઈ પણ સત્તાવાર નિવેદન આપ્યા વિના જ ત્યાંથી રવાના થઈ ગયા હતા.

હુમલાની ચોંકાવનારી વિગતો અને જાનહાનિ

UAEના સંરક્ષણ મંત્રાલયે આપેલા સત્તાવાર અહેવાલ મુજબ, આ હુમલો ઓમાનના દરિયાઈ વિસ્તારમાં અને હોર્મુઝ સ્ટ્રેટના દક્ષિણ શિપિંગ રૂટ પર થયો હતો. યુએઈના બે ઓઈલ ટેન્કરો ‘મોમ્બાસા’ અને ‘અલ બહિયા’  પર ઈરાન તરફથી બે ઘાતક ક્રૂઝ મિસાઈલો છોડવામાં આવી હતી. આ બ્લાસ્ટના કારણે ‘મોમ્બાસા’ ટેન્કર પર સવાર એક ભારતીય નાગરિકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુમલામાં કુલ 8 ખલાસીઓ ઘાયલ થયા છે જેમાંથી 4  સ્થિતિ નાજુક છે. ઘાયલોમાં 6 ભારતીય અને 2 યુક્રેનના નાગરિકો સામેલ છે.

રવિવારે ‘GFS Galaxy’ પર પણ થયો હતો હુમલો

ગત રવિવારે જ ઓમાનના દરિયાકાંઠે સાયપ્રસનો ધ્વજ ધરાવતા કન્ટેનર શિપ ‘GFS Galaxy’ પર ઈરાની દળોએ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ એક ભારતીય ખલાસી હજી પણ લાપતા છે, જ્યારે વહાણ પર સવાર અન્ય 10 ભારતીય ખલાસીઓને બચાવી લેવાયા હતા. ભારતે રવિવારે પણ આ ઘટનાની આકરી નીંદા કરી હતી.

UAE ની કડક ચેતવણી

યુએઈએ જણાવ્યું છે કે આ પ્રકારના હુમલા વૈશ્વિક ઊર્જા પરિવહનના સૌથી મહત્વપૂર્ણ માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજોની સુરક્ષા અને સમગ્ર ક્ષેત્રીય શાંતિ માટે મોટો ખતરો છે. યુએઈના સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર ચેતવણી આપતા કહ્યું, “અમારા સાર્વભૌમત્વ, પ્રદેશ અને નાગરિકોની સુરક્ષા કાજે જડબાતોડ જવાબ આપવાનો અમને સંપૂર્ણ અધિકાર છે.”

પશ્ચિમ એશિયામાં અત્યાર સુધીમાં ૧૪ ભારતીયોના મોત

28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરાયેલા લશ્કરી હુમલા બાદ સમગ્ર પશ્ચિમ એશિયામાં ભયંકર યુદ્ધ છેડાયું છે. વૈશ્વિક વેપાર અને ઊર્જા સપ્લાયના મુખ્ય માર્ગો પર થઈ રહેલા આ હુમલાઓમાં અત્યાર સુધીમાં કુલ 14 ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.

Most Popular

To Top