દેશના અનેક રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે નવા મતદારોની નોંધણી પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર કર્યો છે. હવે પ્રથમ વખત મતદાર બનવા માટે અરજી કરતા અરજદારોએ પોતાના માતા-પિતા અથવા દાદા-દાદીની મતદાર યાદી સંબંધિત વિગતો પણ આપવી પડશે. આ માટે ચૂંટણી પંચે ફોર્મ-6માં નવા વિભાગો ઉમેર્યા છે, જેના કારણે મતદાર નોંધણીની પ્રક્રિયા વધુ વિગતવાર બની ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ નવો ફેરફાર હાલ ઓનલાઈન અરજી પ્રક્રિયામાં અમલમાં મુકાયો છે. જોકે, ચૂંટણી પંચની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય તેવી ફોર્મ-6ની હાર્ડ કોપીમાં હજુ સુધી આ નવા વિકલ્પો ઉમેરવામાં આવ્યા નથી. પરિણામે ઓનલાઈન અને ઓફલાઈન અરજી પ્રક્રિયામાં હાલ થોડો તફાવત જોવા મળી રહ્યો છે.
નવા નિયમ મુજબ અરજદારે જણાવવું પડશે કે અગાઉ થયેલી SIR પ્રક્રિયા દરમિયાન તેના માતા-પિતા અથવા દાદા-દાદીનું નામ મતદાર યાદીમાં સામેલ હતું કે નહીં. આ માહિતીના આધારે અરજીની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે ઓનલાઈન ફોર્મ-6માં ખાસ કરીને ‘J’ અને ‘K’ નામના નવા સેક્શન ઉમેર્યા છે. તેમાં અરજદારો માટે ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા છે.
પ્રથમ વિકલ્પ એવા અરજદારો માટે છે જેમનું નામ અગાઉની SIR પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાં નોંધાયેલું હતું. જો કોઈ વ્યક્તિ આ વિકલ્પ પસંદ કરે છે તો તેને પોતાની અગાઉની મતદાર નોંધણીની વિગતો આપવી પડશે. બીજો વિકલ્પ એવા લોકો માટે છે જેમનું પોતાનું નામ અગાઉની યાદીમાં ન હોય, પરંતુ તેમના માતા-પિતા અથવા દાદા-દાદીનું નામ મતદાર યાદીમાં નોંધાયેલું હોય. આ વિકલ્પ પસંદ કરનારને સંબંધિત પરિવારના સભ્યના ચૂંટણી કાર્ડની વિગતો, વિધાનસભા મતવિસ્તારનું નામ તેમજ મતદાર યાદીમાં તેમનો ક્રમાંક પણ દર્શાવવો પડશે. ત્રીજો વિકલ્પ એવા અરજદારો માટે રાખવામાં આવ્યો છે જેમનું અથવા તેમના માતા-પિતા અને દાદા-દાદીનું નામ અગાઉની SIR યાદીમાં નહોતું. આ વિકલ્પ પસંદ કરનારને વધારાની કોઈ વિગતો આપવાની જરૂર રહેશે નહીં.
SIR પ્રક્રિયા બાદ દેશના અનેક રાજ્યોમાં મોટી સંખ્યામાં મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. માહિતી મુજબ, લગભગ 10 રાજ્યોમાં હાથ ધરાયેલી SIR પ્રક્રિયા બાદ અંદાજે 5.58 કરોડ લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જેના કારણે નવા નિયમને લઈને અનેક સવાલો પણ ઊભા થયા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો કોઈ અરજદારના માતા-પિતા અથવા દાદા-દાદીનું નામ અગાઉની મતદાર યાદીમાં ન હોય તો શું તે વ્યક્તિનું નામ નવી મતદાર યાદીમાં ઉમેરાશે કે નહીં. આ મુદ્દે ચૂંટણી પંચે હજુ સુધી કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી નથી. જેના કારણે નવા મતદારોમાં પણ મૂંઝવણ જોવા મળી રહી છે.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલાં SIR પ્રક્રિયા દરમિયાન લાખો મતદારોના નામ દૂર થવાના મુદ્દે ભારે રાજકીય વિવાદ થયો હતો. અહેવાલો મુજબ, ત્યાં લગભગ 27 લાખ લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ મતદાનથી વંચિત રહ્યા હતા. ત્યારબાદ SIR પ્રક્રિયા અને મતદાર યાદીના સુધારાને લઈને દેશભરમાં ચર્ચા શરૂ થઈ હતી. કાયદાકીય રીતે જોવામાં આવે તો ફોર્મ-6માં ફેરફાર કરવાની પ્રક્રિયા પણ ચર્ચાનો વિષય બની છે. ‘રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ, 1950’ની કલમ-28 મુજબ મતદાર નોંધણી સંબંધિત નિયમોમાં સુધારો કરવાનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે છે. બંધારણની કલમ-326 દરેક પુખ્ત વયના ભારતીય નાગરિકને મતદાર તરીકે નોંધાવવાનો અધિકાર આપે છે, સિવાય કે તેને કાયદાકીય રીતે અયોગ્ય જાહેર કરવામાં આવ્યો હોય.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ફોર્મ-6માં કોઈ પણ નવો કોલમ અથવા માહિતી ઉમેરતા પહેલાં કાયદા મંત્રાલય દ્વારા સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવું જરૂરી હોય છે. સરકારની મંજૂરી વિના ચૂંટણી પંચ સીધો નિયમોમાં ફેરફાર કરી શકતું નથી. અગાઉ વર્ષ 2021માં સંસદે કાયદામાં સુધારો કર્યા બાદ મતદાર ઓળખપત્રને અન્ય ઓળખ દસ્તાવેજો સાથે જોડવાની મંજૂરી આપવામાં આવી હતી, જેનું નોટિફિકેશન વર્ષ 2022માં બહાર પડ્યું હતું. હાલ માટે આ નવી સુવિધા માત્ર એવા રાજ્યોના ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવી છે જ્યાં વર્ષ 2025-26 દરમિયાન SIR પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બિહાર અને આસામ જેવા કેટલાક રાજ્યોને આ પ્રક્રિયામાંથી હાલ અલગ રાખવામાં આવ્યા છે. ચૂંટણી પંચના આ નવા નિયમનો હેતુ મતદાર યાદીને વધુ ચોકસાઈભરી અને પારદર્શક બનાવવાનો હોવાનું માનવામાં આવે છે. જોકે, નવા નિયમોના અમલ અને તેના કાયદાકીય પાસાઓ અંગે આગામી દિવસોમાં વધુ સ્પષ્ટતા થવાની સંભાવના છે.