Kamvat

કવાંટના જનસંવાદમાં પ્રજાની ગેરહાજરી ચર્ચાનો વિષય, મૂળભૂત પ્રશ્નો અંગે થઈ રજૂઆતો

રસ્તા, ભૂગર્ભ ગટર, અટલ હોલ, રખડતા ઢોર અને પરચુરણની અછત સહિતના મુદ્દાઓ ઉઠ્યા; મામલતદારે રજૂઆતો જિલ્લા કક્ષાએ મોકલવાની ખાતરી આપી
કવાંટ, પ્રતિનિધિ
કવાંટ કોમ્યુનિટી હોલ ખાતે મામલતદાર વી.આર. પરમારના અધ્યક્ષસ્થાને જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. લોકોની સમસ્યાઓ સાંભળવા માટે આયોજિત આ કાર્યક્રમમાં પ્રજાની હાજરી અત્યંત ઓછી જોવા મળી હતી. કાર્યક્રમમાં કવાંટના સરપંચ, ઉપસરપંચ, બે સભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, તલાટી-કમ-મંત્રી વિઠ્ઠલભાઈ રાઠવા, પંચાયતનો સ્ટાફ તેમજ આશરે 10થી 12 નાગરિકો હાજર રહ્યા હતા.
જનસંવાદ દરમિયાન કવાંટ નગરના રસ્તા, પીવાના પાણી, ભૂગર્ભ ગટર, રખડતા ઢોર, પરચુરણની અછત અને અટલ હોલના નિર્માણ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા. વિધવા પેન્શન બંધ થઈ જતાં ચારથી પાંચ મહિલાઓએ પણ પોતાની રજૂઆત કરી હતી.
જિલ્લા પંચાયતના સભ્ય યશવંતભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે કવાંટમાં આશરે ₹8 કરોડના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટર વ્યવસ્થા અસરકારક રીતે કાર્યરત નથી. તેની જાળવણી માટે જેટિંગ મશીન ફાળવવાની માંગ કરવામાં આવી.
તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશભાઈ ચૌહાણે જણાવ્યું કે સરકાર દ્વારા ₹45 લાખના ખર્ચે અટલ હોલને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ જગ્યાના અભાવે તેનું નિર્માણ થઈ શક્યું નથી. ખોડીયાર મંદિરથી રામદેવપીર મંદિર સુધી પંચાયતની જમીન પરથી દબાણ દૂર કરવામાં આવે તો ત્યાં હોલનું નિર્માણ શક્ય બનશે.
વેપારી મહાજન મંડળના ખજાનચી બીરેનભાઈ પરીખે કવાંટની રાષ્ટ્રીયકૃત બેંકોમાં પરચુરણ અને નાની ચલણી નોટોની અછતને કારણે વેપારીઓને પડતી મુશ્કેલીઓ અંગે લેખિત રજૂઆત કરી હતી.
તાલુકા ભાજપના ઉપપ્રમુખ ભાવેશ પંચાલે કવાંટ નગરમાં રખડતા ઢોરના વધતા ત્રાસ અને ચોમાસામાં સર્જાતી ગંદકી અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
કાર્યક્રમના અંતે મામલતદાર વી.આર. પરમારે જણાવ્યું હતું કે જનસંવાદ દરમિયાન પ્રાપ્ત થયેલી તમામ રજૂઆતો જિલ્લા કક્ષાએ મોકલી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે, જનસંવાદ જેવા મહત્વના કાર્યક્રમમાં પ્રજાની અત્યંત ઓછી હાજરી સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની હતી.

રિપોર્ટર: ભાવેશ પંચાલ

Most Popular

To Top