ડે.સી એમ એ સહાય સાથે તંત્રને આપી ઝડપી કામગીરીની દિશા
સુરત શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સતત બીજા દિવસે પણ મેદાનમાં ઉતરી અસરગ્રસ્ત લોકો સુધી પહોંચ્યા છે. વહેલી સવારથી જ તેઓ સુરતની ખાડી પૂરથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને લોકોને મળીને તેમની મુશ્કેલીઓ જાણી રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ભટાર વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં વરસાદી પાણીના કારણે અસરગ્રસ્ત બનેલા પરિવારોને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે અસરગ્રસ્ત નાગરિકો સાથે સીધી વાતચીત કરી સાથે જ તેમની સમસ્યાઓ સાંભળી અને જરૂરી મદદ ઝડપથી પહોંચાડવા માટે તંત્રના અધિકારીઓને સૂચનાઓ આપી હતી. અસરગ્રસ્ત પરિવારોને સરકાર દ્વારા કુલ ૬૮૦૦ રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. જેમાં ઘર ખર્ચ માટે ૨૫૦૦ રૂપિયા, કપડાં સહાય માટે ૨૫૦૦ રૂપિયા અને કેસડોલ તરીકે ૧૮૦૦ રૂપિયાની સહાયનો સમાવેશ થાય છે.
ભટાર વિસ્તારમાં આજે અંદાજે ૨૦૦૦ અસરગ્રસ્ત લોકોને આ સહાય પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અસરગ્રસ્ત પરિવારો સુધી સહાય પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. હર્ષ સંઘવી સતત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને તંત્રની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરી રહ્યા છે. રસ્તાઓ પર ભરાયેલા પાણી, લોકોની મુશ્કેલીઓ અને જરૂરી સુવિધાઓ અંગે તેઓ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી રહ્યા છે.
પૂર જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં સરકાર અને તંત્ર દ્વારા લોકોની મદદ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અસરગ્રસ્ત પરિવારોને ઝડપથી રાહત મળે અને સામાન્ય જનજીવન ફરી શરૂ થાય તે માટે વિવિધ સ્તરે કામગીરી ચાલી રહી છે. તેમજ સુરતના નાગરિકો વચ્ચે પહોંચીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંવેદનશીલ અભિગમ દર્શાવ્યો છે. મુશ્કેલીના સમયમાં લોકોની વચ્ચે રહીને સહાય અને માર્ગદર્શન આપવાની કામગીરીથી અસરગ્રસ્ત પરિવારોને રાહત મળી રહી છે.