World

ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાન પર અમેરિકાનો મોટો હુમલો, બંદર અબ્બાસ સહિત અનેક શહેરોમાં ધડાકા

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે વધુ ગંભીર તબક્કામાં પહોંચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપ્યા બાદ અમેરિકી સેનાએ ઈરાનના અનેક મહત્વપૂર્ણ વિસ્તારો પર હવાઈ હુમલાઓ શરૂ કર્યા છે. આ કાર્યવાહી બાદ સમગ્ર મિડલ ઇસ્ટમાં ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વધી છે. માહિતી અનુસાર અમેરિકાએ ઈરાનના બંદર અબ્બાસ, સિરિક, ચાબહાર, કોનારાક, જાસ્ક અને અન્ય મહત્વપૂર્ણ વિસ્તારોને નિશાન બનાવી હુમલા કર્યા હતા. હુમલા બાદ અનેક સ્થળોએ જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર બંદર અબ્બાસ અને સિરિકમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટોની પુષ્ટિ કરવામાં આવી છે. સ્થાનિક અહેવાલોમાં જણાવાયું છે કે આ હુમલાઓમાં બે માછીમારોના મોત થયા છે.

ચાબહાર અને કોનારાક નજીક પણ અનેક વિસ્ફોટો થયા હોવાનું સામે આવ્યું છે. હુમલાઓ બાદ ઈરાને પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલી તાત્કાલિક સક્રિય કરી દીધી હતી. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. અહેવાલો મુજબ અમેરિકાએ અક્કાલા વિસ્તારમાં આવેલા મહત્વપૂર્ણ રેલવે પુલને પણ નિશાન બનાવી નુકસાન પહોંચાડ્યું છે. અહેવાલો અનુસાર અબુ મુસા ટાપુ પર એક પછી એક કુલ 10 વિસ્ફોટ થયા હતા. ચાબહાર અને કોનારાક વિસ્તારમાં પણ અનેક વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. ચાબહારની એક હોસ્પિટલ નજીક હથિયારો પડ્યાના અહેવાલો પણ સામે આવ્યા છે. હુમલામાં શાહિદ બેહેશ્તી બંદર, કલાન્તારી બંદર અને દરિયાઈ ટ્રાફિક નિયંત્રણ ટાવરને નુકસાન થયું હોવાનું જણાવાઈ રહ્યું છે. બંદર અબ્બાસમાં આઠ અને સિરિકમાં ત્રણ મોટા વિસ્ફોટ નોંધાયા હોવાનું સ્થાનિક મીડિયાએ જણાવ્યું છે.

બુશેહર વિસ્તારમાં પણ બે પ્રોજેક્ટાઇલ પડ્યાની માહિતી સામે આવી છે, જ્યારે જાસ્ક વિસ્તારમાં પણ અનેક વિસ્ફોટો થયા હતા. આ હુમલાઓ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ચાબહાર વિસ્તારમાં લાગેલી આગ અને ધુમાડાનો ફોટો શેર કર્યો હતો. ટ્રમ્પે જણાવ્યું કે આ કાર્યવાહી ઈરાન દ્વારા અમેરિકી જહાજો પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવી છે. તેમણે ચેતવણી આપી કે જો ઈરાન ફરી આવી કોઈ કાર્યવાહી કરશે તો અમેરિકા વધુ કડક અને વધુ મોટા પગલાં ભરશે.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ પણ આ હુમલાઓની સત્તાવાર પુષ્ટિ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિના આદેશ બાદ અમેરિકી દળોએ ઈરાન સામે ફરી લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકી સૈન્યના જણાવ્યા મુજબ આ ઓપરેશનનો મુખ્ય હેતુ હોર્મુઝ જળમાર્ગમાં આંતરરાષ્ટ્રીય જહાજોની અવરજવરને જોખમમાં મૂકવાની ઈરાનની ક્ષમતાને નબળી પાડવાનો છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંનો એક છે, જ્યાંથી વિશ્વના મોટા પ્રમાણમાં કાચા તેલનું પરિવહન થાય છે. તેથી આ વિસ્તારમાં વધતો તણાવ વૈશ્વિક ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે પણ ચિંતાનો વિષય બની રહ્યો છે.

અમેરિકાની આ કાર્યવાહી બાદ સમગ્ર મિડલ ઇસ્ટમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. અનેક દેશો પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. જો બંને દેશો વચ્ચેનો તણાવ વધુ વધશે તો તેની અસર વૈશ્વિક અર્થતંત્ર, તેલના ભાવ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર પણ પડી શકે છે. હાલ ઈરાન તરફથી આ હુમલાઓ અંગે સત્તાવાર વિગતવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ બંને દેશો વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવને કારણે સમગ્ર વિશ્વની નજર હવે મિડલ ઇસ્ટની પરિસ્થિતિ પર કેન્દ્રિત થઈ છે.

Most Popular

To Top