Vadodara

અકોટામાં કેમિકલનો ગેરકાયદે નિકાલ, ૧૫ વર્ષીય કિશોર ગંભીર રીતે દાઝ્યો

પોલીસ લાઇન અને ગણપતિ મંદિર નજીકના કચરાના ઢગલામાં અજાણ્યા કેમિકલથી સ્થાનિકોમાં ફફડાટ, જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ

(પ્રતિનિધિ), વડોદરા. તા.૧૧
શહેરના અકોટા વિસ્તારમાં ગંદકી અને સુરક્ષાના અભાવે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. અકોટા પોલીસ લાઇન પાસે અને ગણપતિ મંદિરની સામે આવેલા કચરાના ઢગલામાં કોઈ અજાણ્યા તત્વો દ્વારા ફેંકવામાં આવેલા અતિ જોખમી કેમિકલના સંપર્કમાં આવતા ૧૫ વર્ષીય એક કિશોરના બંને પગ ગંભીર રીતે દાઝી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અકોટા વિસ્તારમાં રહેતો ૧૫ વર્ષીય કિશોર કચરો નાખવા માટે નજીકના કચરાના પોઈન્ટ પર ગયો હતો. તે સમયે ત્યાં ફેંકાયેલા અજાણ્યા કેમિકલના કારણે કિશોરના પગ પર ગંભીર અસર થઈ હતી. કેમિકલના સંપર્કમાં આવતા જ તેના પગની ચામડી દાઝવા લાગી હતી. કિશોરની ચીસો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ વિસ્તારમાં બાળકોની અવરજવર સતત રહેતી હોય છે. ગણપતિ મંદિર અને પોલીસ લાઇન જેવી સંવેદનશીલ જગ્યાઓ પાસે આ પ્રકારનું ઝેરી કેમિકલ બેફામ રીતે ફેંકી દેવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, જો કોઈ નાનું બાળક કે વડીલ આ કેમિકલના સંપર્કમાં આવ્યા હોત તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકી હોત. આ રીતે જાહેરમાં કેમિકલ ફેંકનારા તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

ઘટના બાદ સ્થાનિકોએ માંગ કરી છે કે, વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક આ કેમિકલના નમૂના લઈ તેની તપાસ કરવામાં આવે અને આ વિસ્તારમાં કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. સાથે જ, ભવિષ્યમાં કોઈ અન્ય બાળક આ રીતે ભોગ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠી છે.

Most Popular

To Top