Shinor

મિની વાવાઝોડાએ કેળ ઉત્પાદકોને રડાવ્યા

માલસર–માંડવા વિસ્તારમાં 400 વીંઘા સુધીનો પાક જમીનદોસ્ત, 100થી વધુ ખેડૂતોને કરોડોનું નુકસાન

લણણીના આરે પહોંચેલો પાક પળવારમાં બરબાદ

શિનોર : વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર–માંડવા વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ વરસાદ સાથે આવેલા ભારે પવન અને મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિએ બાગાયતી ખેડૂતોની કમર તોડી નાખી છે. ભારે પવનના કારણે અંદાજે 300થી 400 વીંઘામાં ઉભેલો કેળનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. આ કુદરતી આફતથી આશરે 100 જેટલા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

વેપારીઓએ પણ ખરીદીથી હાથ ઊંચા કર્યા, વળતરની માંગ તેજ

મહિનાઓની મહેનત બાદ લણણી માટે તૈયાર થયેલો કેળનો પાક પવનમાં ધરાશાયી થતાં ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. હાલ જમીન પર પડી ગયેલા કેળના પાકની ખરીદી કરવા વેપારીઓ પણ તૈયાર નથી. પરિણામે ખેડૂતો સામે પાક ખેતરમાંથી બહાર કાઢવાનો ખર્ચ પણ ઉપાડવો મુશ્કેલ બની ગયો છે.

નુકસાનગ્રસ્ત ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયત તેમજ બાગાયત વિભાગ સમક્ષ તાત્કાલિક નુકસાનનો સર્વે હાથ ધરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. નર્મદા કિનારાના બાગાયતી ખેડૂતો કુદરતી આફતના કારણે ભારે સંકટમાં મુકાયા હોવાથી રાજ્ય સરકાર વહેલી તકે સહાય જાહેર કરે તેવી માંગ પ્રબળ બની છે.

રિપોર્ટર: અમિત સોની

Most Popular

To Top