ઈનચાર્જ એસપી સફિન હસનની અધ્યક્ષતામાં રૂટ, ટ્રાફિક અને સુરક્ષા આયોજનની સમીક્ષા
હાલોલ, 11 જુલાઈ
આગામી રથયાત્રા મહોત્સવને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવાના હેતુથી હાલોલ ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પંચમહાલના ઈનચાર્જ પોલીસ અધિક્ષક સફિન હસનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પોલીસ અધિકારીઓ, વહીવટી તંત્રના પ્રતિનિધિઓ, શાંતિ સમિતિના સભ્યો તેમજ વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રથયાત્રાના રૂટ, ટ્રાફિક વ્યવસ્થા, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ તેમજ સુરક્ષા આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર, સૌહાર્દ જાળવવા નાગરિકોને સહયોગની અપીલ
બેઠકમાં રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂરી તકેદારી રાખવા, સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવા તેમજ પોલીસ અને આયોજકો વચ્ચે સતત સંકલન જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી અને ઉપસ્થિત સભ્યોના સૂચનો પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. બેઠકના અંતે તમામ આગેવાનોએ સામાજિક એકતા, ભાઈચારો અને સૌહાર્દ જાળવવાની અપીલ કરી હતી. સાથે જ રથયાત્રા દરમિયાન નાગરિકોએ પોલીસ અને વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ