યમુનોત્રી હાઇવે પર વાહનવ્યવહાર ઠપ્પ
ઉત્તરાખંડમાં આકાશી આફત બનીને વરસી રહેલા વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા શનિવારે રાજ્યના 7 મહત્વના જિલ્લાઓમાં ભારે વરસાદ, ગાજવીજ અને વાવાઝોડા સાથે વીજળી પડવાનું ‘યેલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, અગાઉના બે દિવસની સરખામણીએ આજે વરસાદની તીવ્રતા થોડી ઓછી રહેવાની સંભાવના છે, પરંતુ જોખમ હજુ પણ યથાવત છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દેહરાદૂન, પૌડી, પિથોરાગઢ, ઉધમ સિંહ નગર, ચંપાવત, નૈનીતાલ અને બાગેશ્વરમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હરિદ્વારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો, દેહરાદૂનમાં રસ્તાઓ બંધ
ઉત્તરાખંડમાં શુક્રવારે દિવસભર અવિરત પડેલા વરસાદને કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. દેહરાદૂનનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી સેલ્સિયસ ઘટીને 26.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
તાપમાન ઘટવા છતાં મુશ્કેલીઓ વધી છે:
• 11 રસ્તાઓ ઠપ્પ: દેહરાદૂનના ચક્રાતા અને કાલસી પંથકમાં વરસાદી પાણી અને કાદવના કારણે અત્યારે પણ 11 રસ્તાઓ બંધ છે. જેમાં એક નેશનલ હાઈવે, એક સ્ટેટ હાઈવે, એક મુખ્ય જિલ્લા માર્ગ અને 8 ગ્રામીણ રસ્તાઓનો સમાવેશ થાય છે.
ચારધામ યાત્રા પ્રભાવિત: સતત લેન્ડસ્લાઇડ અને પથ્થરો પડવાના કારણે ચારધામ યાત્રાના રૂટ સહિત અનેક કનેક્ટિંગ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. પ્રશાસન દ્વારા ઘણી જગ્યાએ રસ્તા ખોલવાની કામગીરી ચાલુ છે, પરંતુ વાહનવ્યવહાર હજુ પણ ખોરવાયેલો છે.
યમુનોત્રી હાઇવે 100 મીટર ધોવાયો, નદીઓ ઓવરફ્લો
પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે નદીઓનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે, જેના લીધે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ છે. ઉત્તરકાશીમાં યમુનોત્રી ધામના મુખ્ય પડાવ સમાન ‘સ્યાનાચટ્ટી’માં યમુના નદીનું સ્તર એટલું વધી ગયું છે કે ત્યાં કૃત્રિમ તળાવ બનવાની આશંકા સેવાઈ રહી છે. નદીના પાણી કિનારાની હોટલો, હોમસ્ટે,રહેણાંક મકાનોના ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચી ગયા છે, જેના કારણે લોકોમાં ડરનો માહોલ છે.
યમુનોત્રી હાઇવેનો આશરે 100 મીટર જેટલો મોટો હિસ્સો ભારે ભૂસ્ખલનને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. આ કારણે આ માર્ગ પર વાહનોની અવરજવર લાંબા સમયથી સંપૂર્ણપણે ઠપ્પ છે. પિથોરાગઢમાં ભારત અને ચીનની સરહદને જોડતો મહત્વનો ‘તવાઘાટ-લિપુલેખ’ માર્ગ પણ ભારે કાટમાળ આવવાના કારણે અવારનવાર અવરુદ્ધ થઈ રહ્યો છે.
પ્રશાસનની અપીલ: બિનજરૂરી યાત્રા ટાળો
હવામાન વિભાગ દ્વારા પહાડી વિસ્તારોમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને વિશેષ સાવધાની રાખવાની કડક સુચના આપવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પાણી ભરાવા, નાના નાળાઓ અને ચોમાસાના વહેણનું સ્તર અચાનક વધવાની તેમજ વધુ ભૂસ્ખલનની પૂરેપૂરી સંભાવના છે. સ્થિતિને ગંભીરતાથી લઈને સંબંધિત જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. આપત્તિ વ્યવસ્થાપન ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે અને લોકોને હાલ પૂરતી બિનજરૂરી મુસાફરી ટાળવા માટે સત્તાવાર અપીલ કરવામાં આવી છે.