શુભેચ્છા આપતા વિદ્યાર્થીને ક્લાસ બહાર લઈ જઈ લાફા માર્યા :
વાલીઓનો પોલીસ મથકે ઘેરાવ, નવાપુરા પોલીસે તપાસ શરૂ કરી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.11
વડોદરા શહેરની સિદ્ધનાથ તળાવ રોડ પર આવેલી જાણીતી લિટલ ફ્લાવર સ્કૂલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

લિટલ ફ્લાવર સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પરિવારજનોના જણાવ્યા મુજબ, ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓ શિક્ષકને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા હતા. તે સમયે આ વિદ્યાર્થીએ પણ સૌજન્યથી સર, આજે તમારો જન્મદિવસ છે? કહી શુભેચ્છા આપી હતી. પરંતુ આ નાની વાતથી શિક્ષક જયેશ પરમાર ઉશ્કેરાઈ ગયા હોવાનો આરોપ છે. આક્ષેપ મુજબ શિક્ષક વિદ્યાર્થીને ક્લાસની બહાર લઈ ગયા અને તેને કાન પર અનેક લાફા માર્યા હતા. મારપીટમાં વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી હતી. પરિવારનો દાવો છે કે મારના કારણે વિદ્યાર્થીના કાનનો પડદો ફાટી ગયો છે અને તેને સાંભળવામાં મુશ્કેલી થઈ રહી છે.

તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આ શિક્ષક દ્વારા આ પહેલા પણ બે વખત વિદ્યાર્થી સાથે મારપીટ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં વાલીઓ નવાપુરા પોલીસ ચોકીમાં એકત્રિત થયા હતા. તેઓએ આરોપી શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવાપુરા પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્કૂલે પહોંચ્યો હતો. પોલીસે પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ સંબંધિત શિક્ષકની પૂછપરછ માટે અટકાયત કરી છે. સમગ્ર મામલે કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના બાદ શાળા સંચાલન અને શિક્ષકોના વર્તન સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. વાલીઓએ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. હાલ પોલીસ તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.