SURAT

સુરતમાં ‘સૂર સ્વરમ્ ના…’ સંગીત સમારોહ ભવ્યતાથી સંપન્ન, શાસ્ત્રીયથી ફ્યુઝન સંગીત સુધીની મનમોહક રજૂઆતો

સ્વરમ્ મ્યુઝિક એકેડેમી દ્વારા આયોજિત ભવ્ય સંગીત સમારોહ ‘સૂર સ્વરમ્ ના…’નું પાલ વિસ્તારમાં આવેલા સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે ગઈકાલે તારીખ 23 ઓગસ્ટના દિને ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. સંગીત, સાધના અને સર્જનાત્મકતાના અનોખા સંગમ સમાન આ કાર્યક્રમમાં સંગીતપ્રેમીઓએ વિવિધ પ્રકારની મનમોહક સંગીતમય પ્રસ્તુતિઓનો આનંદ માણ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરાગત રજૂઆતો સાથે સુગમ સંગીત, સમૂહગાન, તબલા વાદન તેમજ ભારતીય અને પાશ્ચાત્ય સંગીતના સંગમરૂપ ફ્યુઝન પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. વિવિધ વાદ્યો, સ્વર અને તાલના સુંદર સમન્વયથી રજૂ થયેલા કાર્યક્રમોએ ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સંગીતના વિવિધ રંગોથી સજ્જ આ સમારોહમાં વિદ્યાર્થીઓએ પોતાની સંગીતસાધના અને પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. શાસ્ત્રીય સંગીતની ગહનતા, સુગમ સંગીતની મધુરતા અને આધુનિક સંગીતના નવા પ્રયોગોનો અનોખો સમન્વય કાર્યક્રમમાં જોવા મળ્યો હતો.

કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ડૉ. અર્ચનાબેન દીક્ષિત ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ અતિથિ તરીકે પંડિત હેમંત ગાંધર્વ અને શ્રી હર્ષેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે સંગીત ક્ષેત્રે વિવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું. સ્વરમ્ મ્યુઝિક એકેડેમીના ડૉ. દીપક કંસારાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં વિવિધ સંગીતમય કૃતિઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓની મહેનત, તાલીમ અને સંગીત પ્રત્યેની નિષ્ઠા દરેક પ્રસ્તુતિમાં સ્પષ્ટ જોવા મળી હતી.

આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ ભારતીય સંગીતની સમૃદ્ધ પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાનો પણ એક સુંદર પ્રયાસ બન્યો હતો. આજના યુવાનોને શાસ્ત્રીય સંગીત સાથે જોડવા, તેમની અંદર સંગીત પ્રત્યેની સમજ વિકસાવવા અને સર્જનાત્મકતા માટે યોગ્ય મંચ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ‘HARMONY BEYOND WORDS’ની ભાવનાને સાકાર કરતા આ સમગ્ર સંગીત સમારોહે સાબિત કર્યું કે સંગીત એવી સર્વમાન્ય ભાષા છે, જેને સમજવા માટે શબ્દોની જરૂર નથી. સ્વર, તાલ અને સંગીતની મધુરતા સીધી જ હૃદય સુધી પહોંચે છે. ‘સૂર સ્વરમ્ ના…’ સમારોહ સંગીતપ્રેમીઓ માટે એક યાદગાર અનુભવ બની રહ્યો હતો.

Most Popular

To Top