ડિજિટલ ઈન્ડિયાના યુગમાં ટેકનોલોજી અને ઓનલાઈન સિસ્ટમથી સરકારી કામગીરી સરળ અને પારદર્શક બનાવવાના દાવા વચ્ચે સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દરજીકામ કરીને મહિને આશરે રૂ. 15 હજારની કમાણી કરતા એક વૃદ્ધને આવકવેરા વિભાગ તરફથી રૂ. 975 કરોડની ટેક્સ રિકવરી નોટિસ મળતાં તેઓ સહિત સમગ્ર પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. મામલાની તપાસમાં સામે આવ્યું છે કે વૃદ્ધના દસ્તાવેજોનો કથિત રીતે દુરુપયોગ કરીને તેમને એક બોગસ કંપનીના ડિરેક્ટર તરીકે દર્શાવવામાં આવ્યા હતા અને કંપનીના નામે હજારો કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે સરનામે ડાયમંડ કંપની નોંધાયેલી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, ત્યાં હકીકતમાં વર્ષોથી એક પરિવાર રહે છે અને એન્જિનિયરિંગ વર્કશોપ ચલાવે છે. આ વર્કશોપમાં જરીના મશીન તેમજ બરફના ગોલા બનાવવાના સાધનોનું રિપેરિંગ કરવામાં આવે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે વર્ષ 1997થી આ પરિવાર ત્યાં રહે છે અને ત્યાં ક્યારેય કોઈ મોટી ડાયમંડ કંપની કાર્યરત નહોતી.
મકાનમાલિક અને ત્યાં રહેતા લોકો પણ કંપની વિશે કોઈ જાણકારી ન હોવાનો દાવો કરે છે. તેમનું કહેવું છે કે આ સરનામે કોઈ કંપની ચાલી હોવાની તેમને ખબર જ નથી. વધુ ગંભીર બાબત એ છે કે કંપનીની નોંધણી અથવા સરનામાની ચકાસણી માટે અગાઉ કોઈ બેંક કે આવકવેરા વિભાગનો અધિકારી સ્થળ પર આવ્યો હોવાનું પણ સામે આવ્યું નથી. આ દરમિયાન કથિત રીતે એક ગરીબ દરજી રેખરાજને કંપનીના ડિરેક્ટર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તેઓ દરજીકામ કરીને મહિને આશરે રૂ. 15 હજારની કમાણી કરે છે. પરંતુ અચાનક તેમના નામે રૂ. 975 કરોડની આવકવેરા રિકવરી નોટિસ આવતા તેમના હોશ ઉડી ગયા હતા. સામાન્ય આવક ધરાવતા વ્યક્તિના નામે આટલી મોટી રકમની નોટિસ આવતા મામલો ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે.
માહિતી મુજબ, કંપનીના નામે નાણાકીય વર્ષ 2012-13 દરમિયાન અંદાજે રૂ. 2250 કરોડથી રૂ. 2500 કરોડના બોગસ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હોવાની તપાસમાં નોંધ લેવાઈ હતી. આ વ્યવહારોના આધારે આવકવેરા વિભાગ દ્વારા કંપનીની આકારણી કરવામાં આવી હતી. ત્યારબાદ રૂ. 750 કરોડનો ટેક્સ અને રૂ. 225 કરોડની પેનલ્ટી મળીને કુલ રૂ. 975 કરોડની રિકવરી નક્કી કરવામાં આવી હતી. કંપનીના ડિરેક્ટર તરીકે કાગળ પર રેખરાજનું નામ દર્શાવવામાં આવતાં આ વિશાળ રકમની વસૂલાત માટે તેમને નોટિસ મોકલવામાં આવી હતી. નોટિસ મળતાં જ તેઓએ સમગ્ર મામલે આવકવેરા વિભાગને ઈ-મેલ દ્વારા પોતાનો ખુલાસો મોકલ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ આવી કોઈ કરોડોની કંપની સાથે સંકળાયેલા નથી અને તેમના દસ્તાવેજોનો કથિત રીતે દુરુપયોગ કરવામાં આવ્યો છે.
પીડિતે આ મામલે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પણ રજૂઆત કરી છે અને પોતાના નામ તથા દસ્તાવેજોના દુરુપયોગ અંગે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી શરૂ કરી છે. હવે તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે સામાન્ય દરજીના દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેમને કથિત રીતે કંપનીના ડિરેક્ટર તરીકે કોણે દર્શાવ્યા અને હજારો કરોડના વ્યવહારો કેવી રીતે કરવામાં આવ્યા. આ કેસમાં કથિત બોગસ કંપનીનું સરનામું પણ તપાસના કેન્દ્રમાં છે. જ્યાં કંપનીનું રજિસ્ટર્ડ સરનામું દર્શાવવામાં આવ્યું છે, ત્યાં વર્ષોથી પરિવાર અને એન્જિનિયરિંગ વર્કશોપ હોવા છતાં કંપનીની નોંધણી કેવી રીતે થઈ, તે અંગે પણ સવાલો ઊભા થયા છે. સરનામાની યોગ્ય ચકાસણી થઈ હતી કે નહીં અને નોંધણી પ્રક્રિયામાં કોઈ પ્રકારની ગડબડ થઈ હતી કે કેમ, તે પણ તપાસનો વિષય બની શકે છે.
મળતી માહિતી મુજબ, આવકવેરા કાયદાની કલમ 179 હેઠળ કેટલીક પરિસ્થિતિઓમાં કંપનીના ડિરેક્ટરો પાસેથી બાકી ટેક્સની વસૂલાત કરવાની જોગવાઈ છે. આવી સ્થિતિમાં માત્ર મૌખિક રીતે પોતાનો બચાવ કરવાથી પીડિતને તાત્કાલિક રાહત મળવી મુશ્કેલ બની શકે છે. પીડિતે કાયદાકીય રીતે પુરાવા સાથે સાબિત કરવું પડશે કે તેઓ કંપનીના વાસ્તવિક ડિરેક્ટર નહોતા અને તેમના દસ્તાવેજોનો દુરુપયોગ થયો હતો. આ માટે સાયબર ક્રાઈમમાં ફરિયાદ અથવા FIR નોંધાવવાની કાર્યવાહી જરૂરી બની શકે છે. સાથે જ કંપનીના દસ્તાવેજો અને ડિરેક્ટરશિપ સંબંધિત માહિતી અંગે સંબંધિત રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ સમક્ષ પણ રજૂઆત કરવી પડી શકે છે. જો કાયદાકીય પ્રક્રિયા દરમિયાન તાત્કાલિક રાહત ન મળે તો હાઈકોર્ટમાં રિટ પિટિશન કરીને નોટિસ અથવા વસૂલાતની કાર્યવાહી સામે સ્ટે માગવાનો રસ્તો પણ અપનાવવો પડી શકે છે.
આ સમગ્ર ઘટનાએ ડિજિટલ સિસ્ટમમાં દસ્તાવેજોની સુરક્ષા અને ઓળખની ચકાસણી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. કોઈ સામાન્ય વ્યક્તિના નામ અને દસ્તાવેજોનો કથિત રીતે દુરુપયોગ કરીને કરોડોની કંપનીમાં ડિરેક્ટર તરીકે દર્શાવી શકાય તો આવી ગેરરીતિને રોકવા માટેની વ્યવસ્થા કેટલી મજબૂત છે, તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. હાલમાં આ મામલે પીડિત દરજી દ્વારા પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો છે અને કાયદાકીય તથા સરકારી સ્તરે રાહત મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રૂ. 15 હજારની માસિક આવક ધરાવતા વ્યક્તિને રૂ. 975 કરોડની ટેક્સ રિકવરી નોટિસ મળવાની આ ઘટનાએ સુરતમાં ભારે ચકચાર મચાવી છે. હવે તપાસમાં દસ્તાવેજોના કથિત દુરુપયોગ પાછળ કોણ જવાબદાર છે અને પીડિતને ક્યારે રાહત મળે છે, તેના પર સૌની નજર રહેશે.