India

PM મોદી સાથે સચિવોની હાઈલેવલ બેઠક

વડાપ્રધાન મોદીએ 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાને કેન્દ્ર સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચસ્તરીય બેઠક યોજી; લાંબા ગાળાની રાષ્ટ્રીય યોજના, વિભાગો વચ્ચે સંકલન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા શેરિંગ, યુવાનો, યુનિવર્સિટી, રક્ષા ક્ષેત્ર, શિપબિલ્ડિંગ અને બંદરો સાથે ઉદ્યોગોના જોડાણ અંગે મહત્વપૂર્ણ ચર્ચા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કેન્દ્ર સરકારના સચિવો સાથે મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાઈ હતી. આ કેન્દ્ર સરકારના સચિવો સાથે વડાપ્રધાનની ત્રીજી હાઈલેવલ બેઠક હતી. જો કે બેઠકમાં સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, સુરક્ષા, વિદેશી બાબતો અને ગવર્નન્સ સાથે જોડાયેલા વિવિધ મંત્રાલયો તથા વિભાગોના એજન્ડા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.તેમજ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ અધિકારીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે સરકારનું કામ માત્ર આજની સમસ્યાઓના ઉકેલ સુધી મર્યાદિત ન રહેવું જોઈએ. અધિકારીઓએ દેશના લાંબા ગાળાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જોઈએ અને આગામી વર્ષોમાં ભારતને કઈ દિશામાં આગળ લઈ જવું છે તેના પર અત્યારથી વિચાર કરીને જરૂરી પગલાં લેવા જોઈએ.

માત્ર આજની સમસ્યા નહીં, ભવિષ્ય માટે પણ પ્લાનિંગ કરો
PM મોદીએ અધિકારીઓને જણાવ્યું કે વર્તમાન યોજનાઓ અને ઉપલબ્ધ આંકડાઓથી આગળ વધીને વિચારવાની જરૂર છે. સરકારની નીતિઓ એવી હોવી જોઈએ કે તે દેશની આવનારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર થાય.લાંબા ગાળાની વિચારસરણી સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, સુરક્ષા અને ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં પહેલેથી તૈયારી કરવામાં આવે તો ભવિષ્યમાં ઊભી થનારી મોટી પડકારજનક પરિસ્થિતિઓનો સામનો વધુ અસરકારક રીતે કરી શકાય.વડાપ્રધાનનો ભાર એ વાત પર રહ્યો કે સરકારના દરેક વિભાગે પોતાની જવાબદારી માત્ર પોતાના મંત્રાલય પૂરતી ન સમજવી જોઈએ. દેશની મોટી અને જટિલ સમસ્યાઓ માટે વિવિધ વિભાગો અને મંત્રાલયોએ એકસાથે કામ કરવાની જરૂર છે.

વિભાગો અલગ-અલગ રીતે કામ કરે છે, PMએ વ્યક્ત કરી ચિંતા
બેઠકમાં સરકારના વિવિધ વિભાગો વચ્ચે રહેલા સંકલનના અભાવનો મુદ્દો પણ મહત્વપૂર્વક ઉઠાવવામાં આવ્યો હતો. PM મોદીએ કહ્યું કે સરકારી વિભાગો ઘણી વખત પોતાની અલગ વ્યવસ્થા અને પદ્ધતિથી કામ કરે છે, જેના કારણે એક વિભાગનું કામ બીજા વિભાગ સાથે યોગ્ય રીતે જોડાઈ શકતું નથી. આ માત્ર સરકારી વ્યવસ્થાની સમસ્યા નથી, પરંતુ વિચારસરણી સાથે પણ જોડાયેલો મુદ્દો છે.વડાપ્રધાને અધિકારીઓને પોતાના કામની જવાબદારી લેવાની અને સમગ્ર સરકારી તંત્રને એક ટીમ તરીકે કામ કરવાની અપીલ કરી. તેમણે કોવિડ મહામારી અને પશ્ચિમ એશિયા સંકટના ઉદાહરણ આપીને જણાવ્યું કે મુશ્કેલ સમયમાં વિવિધ સરકારી વિભાગોએ એકસાથે મળીને કામ કર્યું હતું. PMના જણાવ્યા મુજબ, આવી જ સહકાર અને સંકલનની ભાવના સામાન્ય દિવસોમાં પણ સરકારી કામકાજનો હિસ્સો બનવી જોઈએ.

AIનો ઉપયોગ વધારવો, પરંતુ અંતિમ નિર્ણયમાં માનવીય સમજ જરૂરી
બેઠકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIનો સરકારી કામકાજમાં વધુ અને અસરકારક ઉપયોગ કરવા પર પણ ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે AIનો યોગ્ય ઉપયોગ સરકારી કામને વધુ ઝડપી અને અસરકારક બનાવી શકે છે. પરંતુ ટેક્નોલોજીનો ઉપયોગ વધારવાની સાથે માનવીય સમજ, અનુભવ અને નિર્ણય લેવાની ક્ષમતાની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહેશે.PMએ અધિકારીઓને AI અને માનવીય નિષ્ણાતતાને સાથે લઈને કામ કરવાની નવી રીતો શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. એટલે સરકારમાં AIનો ઉપયોગ માત્ર ટેક્નોલોજી અપનાવવા સુધી મર્યાદિત ન રહે,પરંતુ નીતિ નિર્માણ, ડેટા વિશ્લેષણ, સરકારી સેવા અને નિર્ણય પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય તે દિશામાં વિચાર કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી.

ડેટાને દેશની મહત્વપૂર્ણ સંપત્તિ ગણાવ્યું
વડાપ્રધાન મોદીએ ડેટાને દેશની મહત્વપૂર્ણ સંપત્તિ ગણાવી અને કહ્યું કે આવનારા સમયમાં તેનું મહત્વ વધુ વધશે. સરકાર વિવિધ યોજનાઓ અને કામગીરી માટે મોટા પ્રમાણમાં ડેટા એકત્રિત કરે છે, તેને સુરક્ષિત રાખે છે અને તેના મેનેજમેન્ટ પાછળ પણ મોટા પ્રમાણમાં સંસાધનોનો ઉપયોગ કરે છે. પરંતુ વિવિધ વિભાગોની પોતાની અલગ-અલગ ડેટા સિસ્ટમ હોવાના કારણે ઉપલબ્ધ ડેટાનો સંપૂર્ણ ઉપયોગ થઈ શકતો નથી.PMએ કહ્યું કે વિવિધ સરકારી વિભાગોની ડેટા સિસ્ટમ વચ્ચે વધુ સારું સંકલન હોવું જોઈએ. જરૂર પડે ત્યારે એક વિભાગ બીજા વિભાગના ડેટાનો અસરકારક રીતે ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા બનાવવાની જરૂર છે. આ માટે ડેટા શેરિંગ અને ડેટાના ઉપયોગ સાથે જોડાયેલી પ્રક્રિયાઓને વધુ મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવાની જરૂરિયાત તેમણે દર્શાવી.

યુવાનો અને યુનિવર્સિટીઓને નીતિ નિર્માણ સાથે જોડવાની અપીલ
બેઠક દરમિયાન વડાપ્રધાને યુવાનો અને યુનિવર્સિટીઓની ભાગીદારી વધારવા પર પણ ભાર મૂક્યો હતો. PM મોદીએ જણાવ્યું કે સરકારની નીતિઓ બનાવતી વખતે યુવાનો અને શિક્ષણ સંસ્થાઓ સાથે વધુ સંવાદ કરવામાં આવે તો નવા અને અલગ પ્રકારના વિચારો સામે આવી શકે છે. આ વિચારોનો ઉપયોગ સરકારી નીતિઓને વધુ અસરકારક બનાવવા માટે થઈ શકે છે.તેમણે સંશોધન અને નવા પ્રયોગોને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી. ખાસ કરીને રક્ષા ક્ષેત્રમાં સંશોધન, નવી ટેક્નોલોજી અને નવીનતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોવાનું PMએ જણાવ્યું.

ડિફેન્સ સેક્ટરને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવાની દિશા
રક્ષા ક્ષેત્રને લઈને પણ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. PM મોદીએ ભારતના ડિફેન્સ ઉદ્યોગને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી. દેશની રક્ષા કંપનીઓ અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રી વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તેવી ક્ષમતા વિકસાવવી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.આ સાથે રક્ષા ક્ષેત્ર માટે નવા પ્રકારના કોર્સ તૈયાર કરવા અને ભવિષ્યની જરૂરિયાત પ્રમાણે કુશળ માનવ સંસાધન તૈયાર કરવા પર પણ ભાર મૂકાયો. ટેક્નોલોજીમાં ઝડપથી થઈ રહેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને ડિફેન્સ સેક્ટરમાં સંશોધન અને કુશળતા વિકાસને વધુ મહત્વ આપવાની દિશા પણ બેઠકમાં ચર્ચાઈ.

માત્ર બંદરો નહીં, બંદરોની આસપાસ ઉદ્યોગોનો વિકાસ જરૂરી
બેઠકમાં ભારતના મેરિટાઇમ સેક્ટર અને બંદરોના વિકાસ અંગે પણ ચર્ચા થઈ હતી. PM મોદીએ કહ્યું કે ભારતનું ધ્યાન માત્ર નવા બંદરો બનાવવામાં જ સીમિત ન રહેવું જોઈએ. બંદરોની આસપાસ ઉદ્યોગો અને વેપારની પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી સમગ્ર વિસ્તાર આર્થિક વિકાસનું કેન્દ્ર બની શકે.વડાપ્રધાને શિપબિલ્ડિંગને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ નિર્ણયથી નક્કી કરવામાં આવેલા લક્ષ્યો કેટલા હદ સુધી હાંસલ થઈ રહ્યા છે તેની પણ સમીક્ષા જરૂરી છે.

મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટને પોર્ટ સાથે જોડવા પર ભાર
PM મોદીએ દેશના મેન્યુફેક્ચરિંગ અને નિકાસ સાથે જોડાયેલા ઉદ્યોગોને બંદરો સાથે વધુ સારી રીતે જોડવાની જરૂરિયાત વ્યક્ત કરી.જો ઉત્પાદન કેન્દ્રો અને નિકાસ એકમોને બંદરો સાથે વધુ અસરકારક રીતે જોડવામાં આવે તો દેશના ઉત્પાદન અને નિકાસ બંનેને મોટો લાભ મળી શકે છે.આ દિશામાં કનેક્ટિવિટી, લોજિસ્ટિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચેનું સંકલન મહત્વપૂર્ણ રહેશે. બેઠકમાં મેરિટાઇમ ઈકોનોમીને મજબૂત બનાવવાની દિશામાં લાંબા ગાળાની વિચારસરણી પર પણ ભાર મૂકવામાં આવ્યો.

વરિષ્ઠ અને જુનિયર અધિકારીઓ વચ્ચે સંવાદ વધારવા સૂચના
PM મોદીએ સરકારી અધિકારીઓ વચ્ચે વધુ સારા સંવાદની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે વરિષ્ઠ અને જુનિયર અધિકારીઓ વચ્ચે વાતચીત માત્ર સત્તાવાર બેઠક સુધી સીમિત ન રહેવી જોઈએ. અધિકારીઓએ અનૌપચારિક રીતે પણ એકબીજા સાથે ચર્ચા કરવી જોઈએ.આ પ્રકારનો સંવાદ સરકારી તંત્રમાં ટીમ સ્પિરિટ વધારવામાં મદદ કરી શકે છે. સાથે જ અલગ-અલગ મંત્રાલયો અને વિભાગો વચ્ચે કામ કરતી વખતે સંકલન વધુ સરળ બની શકે છે.

સચિવોએ પોતાના વિભાગોની પ્રાથમિકતાઓ અને પડકારો રજૂ કર્યા
બેઠક દરમિયાન વિવિધ મંત્રાલયો અને વિભાગોના સચિવોએ પોતાના ક્ષેત્રની પ્રાથમિકતાઓ, વર્તમાન પડકારો અને સરકારી યોજનાઓના અમલીકરણમાં આવી રહેલી મુશ્કેલીઓ અંગે વડાપ્રધાનને માહિતી આપી હતી. આ ચર્ચા દરમિયાન અલગ-અલગ વિભાગોના કામકાજ અને તેમની ભવિષ્યની યોજનાઓ અંગે પણ માહિતી શેર કરવામાં આવી હતી.બેઠકનો મુખ્ય હેતુ માત્ર વર્તમાન યોજનાઓની સમીક્ષા કરવાનો નહોતો, પરંતુ વિવિધ સરકારી વિભાગોને એકબીજા સાથે જોડીને લાંબા ગાળાની રાષ્ટ્રીય વ્યૂહરચના તૈયાર કરવાની દિશામાં આગળ વધવાનો પણ હતો.

PM મોદીનો સ્પષ્ટ સંદેશ,એક ટીમ તરીકે કામ કરો
બેઠકના અંતે વડાપ્રધાન મોદીએ ફરી એકવાર ભાર મૂક્યો કે ભારત સામેના મોટા અને જટિલ પડકારોનો સામનો કરવા માટે તમામ મંત્રાલયો અને વિભાગોએ એકસાથે કામ કરવું પડશે. વિભાગીય સીમાઓથી આગળ વધીને સામૂહિક જવાબદારી, નવી વિચારસરણી અને વધુ સારા સંકલન સાથે લાંબા ગાળાની તૈયારી કરવાની જરૂર છે.આ બેઠકમાં AI, ડેટા અને ટેક્નોલોજીથી લઈને રક્ષા, મેરિટાઇમ સેક્ટર, શિપબિલ્ડિંગ, મેન્યુફેક્ચરિંગ, એક્સપોર્ટ, યુવાનો અને યુનિવર્સિટીઓ સુધી અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ. વડાપ્રધાનનો મુખ્ય સંદેશ એવો રહ્યો કે સરકારના દરેક વિભાગે અલગ અલગ નહીં પરંતુ એક સંકલિત ટીમ તરીકે કામ કરવું જોઈએ અને આજની સાથે આવતીકાલના ભારતની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખવી જોઈએ.આ બેઠકને જોતા સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકાર હવે ગવર્નન્સમાં માત્ર વર્તમાન સમસ્યાઓના ઉકેલ પર નહીં, પરંતુ AI અને ડેટા જેવી નવી ટેક્નોલોજી, આંતર-વિભાગીય સંકલન, યુવા ભાગીદારી, ડિફેન્સ રિસર્ચ, શિપબિલ્ડિંગ અને મેરિટાઇમ ઈકોનોમી જેવા ક્ષેત્રોમાં લાંબા ગાળાની તૈયારી પર ભાર મૂકી રહી છે.

Most Popular

To Top