National

સરકારી બેંકો માટે નાણાં મંત્રીનો નવો આદેશ, 2 ઓક્ટોબરથી દેશભરમાં શરૂ થશે ‘બેંકિંગ ફોર યુથ’ અભિયાન

દેશની સરકારી બેંકોને લઈને નાણાં મંત્રી નિર્મલા સીતારામને એક ખૂબ જ મહત્વનું અને રસપ્રદ નિવેદન આપ્યું છે. તેમણે દેશની પબ્લિક સેક્ટર બેંકો (PSBs) ને પોતાની જૂની ‘સરકારી બેંક’ વાળી પરંપરાગત છાપમાંથી બહાર નીકળીને નવી પેઢી એટલે કે Gen Z અને યુવાનો માટે વધુ આકર્ષક અને ‘કૂલ’ બનવા માટે આહ્વાન કર્યું છે. મંગળવારે યોજાયેલી બે દિવસીય પીએસબી કોન્ફ્લુઅન્સ 2026 ના સમાપન સત્રને સંબોધિત કરતી વખતે તેમણે આ વાત કહી હતી.

યુવાનો માટે બદલવી પડશે બેંકિંગ શૈલી

નાણાં મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે 16 વર્ષ કે તેથી વધુ વયના યુવાનો માટે સરકારી બેંકોએ પોતાની સેવાઓ સરળ, વ્યક્તિગત અને 24 કલાક ઉપલબ્ધ થાય તેવી બનાવવી પડશે. યુવાનો જ્યારે પોતાની નાણાકીય સફરની શરૂઆત કરે ત્યારે જ સરકારી બેંકોએ તેમની સાથે જોડાવું જોઈએ. આ માટે કેમ્પસ અને શૈક્ષણિક સંસ્થાઓમાં યુવાનો સુધી પહોંચીને ફાઇનાન્સિયલ એજ્યુકેશન આપવાની જરૂર છે.

બેંકોએ યુવાનોને આપવા પડશે ખાસ લાભો

નાણાં મંત્રી સીતારામને સરકારી બેંકોને યુવા ગ્રાહકો માટે કેટલીક નવીન યોજનાઓ શરૂ કરવાની સલાહ આપી છે:

  • શૈક્ષણિક પ્લેટફોર્મ સાથે ટાઈ-અપ કરીને યુવાનોને મફત ઓનલાઈન લર્નિંગ કન્ટેન્ટ પૂરું પાડવું.
  • ફિટનેસ સેન્ટર, યોગા સેન્ટર અને મેન્ટલ વેલનેસ પ્લેટફોર્મ માટે કૂપન અને વાઉચર જેવા લાઇફસ્ટાઇલ બેનિફિટ્સ આપવા.
  • બેંક શાખાઓમાં ‘યુવા કિયોસ્ક’ અથવા ‘યુવા બેંકિંગ મિત્ર’ જેવી ખાસ સુવિધાઓ ઊભી કરવી, જે યુવાનોને બેંકિંગ પ્રોડક્ટ્સ સરળતાથી સમજાવી શકે.

ખાનગી બેંકો અને સરકારી બેંકો વચ્ચેનો તફાવત

નાણાં મંત્રીએ યુવાનોની માનસિકતા વિશે વાત કરતા કહ્યું કે આજની પેઢી સરકારી અને ખાનગી બેંકોને અલગ-અલગ નજરથી જુએ છે. તેમણે યુવાનો સાથેના પોતાના એક અનુભવનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે યુવાનો ખાતું ખોલાવતી વખતે ખાનગી બેંકોને વધુ પસંદ કરે છે કારણ કે તેઓ તેને વધુ ‘કૂલ’ માને છે. નાણાં મંત્રીના શબ્દોમાં, ખાનગી બેંકો પોતાની એક આકર્ષક ઈમેજ બનાવી શકી છે, તેથી સરકારી બેંકો પણ પાછળ ન રહેવી જોઈએ. તેમણે બેંકોને યુવાનો સાથે સીધો સંવાદ કરીને તેમની પસંદગી અને અપેક્ષાઓ સમજવા જણાવ્યું હતું.

શિસ્ત અને સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં

યુવાનોને આકર્ષવાની હોડમાં બેંકિંગના નિયમો ન ભૂલાય તે અંગે ચેતવણી આપતા નાણાં મંત્રીએ સ્પષ્ટ કર્યું કે ‘કૂલ’ બનવાની સાથે બેંકિંગના નિયમો અને નાણાકીય શિસ્ત જાળવી રાખવી પણ એટલી જ જરૂરી છે. યુવાનો જ્યારે પોતાનું પહેલું બેંક ખાતું ખોલાવે, પહેલો પગાર મેળવે, ઉચ્ચ શિક્ષણ માટે લોન લે કે પહેલું રોકાણ કરે ત્યારે સરકારી બેંક તેમની પ્રથમ પસંદગી બનવી જોઈએ.

સિબિલ સ્કોર અને લોન વિશે જાગરૂકતા

યુવાનોને ક્રેડિટ સિસ્ટમ, ક્રેડિટ સ્કોર અને સરકારી લોન યોજનાઓ વિશે માહિતગાર કરવા પર પણ ખાસ ભાર મુકાયો હતો. સાચો ક્રેડિટ હિસ્ટ્રી જાળવવો કેટલો મહત્વનો છે તે યુવાનોને સમજાવવું જોઈએ જેથી ભવિષ્યમાં બિઝનેસ કે સ્ટાર્ટઅપ શરૂ કરતી વખતે તેમને સરળતાથી ફાઇનાન્સ મળી શકે.

2 ઓક્ટોબરથી શરૂ થશે ખાસ અભિયાન

યુવાનો સુધી પહોંચવા માટે નાણાં મંત્રીએ 2 ઓક્ટોબર 2026 એટલે કે ગાંધી જયંતિથી એક મહિનો લાંબુ ‘બેંકિંગ ફોર યુથ’ (Banking for Youth) અભિયાન શરૂ કરવાનું સૂચન કર્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીસ અને ઇન્ડિયન બેંક્સ એસોસિએશન દ્વારા આ અભિયાન ચલાવવામાં આવશે.

બેંકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ યુવાનો બેંકમાં આવે તેની રાહ જોવાને બદલે પોતે કોલેજો, યુનિવર્સિટીઓ અને સ્કીલ સેન્ટરો પર જઈને ખાતા ખોલવાના કેમ્પ અને નાણાકીય જાગરૂકતા કાર્યક્રમો યોજે.

Most Popular

To Top