ગાંધીનગર: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે નકલી વિદેશી દારૂના સેવનથી સર્જાયેલી ઘટનાએ લઠ્ઠાકાંડની દહેશત જગાવી છે. પોલીસ ભરતીમાં પસંદગીની ખુશીમાં યોજાયેલી દારૂની પાર્ટી બાદ એક પછી એક લોકોની તબિયત લથડતાં અત્યાર સુધીમાં ચાર મોતની પુષ્ટિ અને વધુ એક મોત શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે, જ્યારે ૨૦થી વધુ લોકો સારવાર હેઠળ છે. ઘટનાની તપાસમાં મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ‘રોયલ સ્ટેગ’ની ૨૮ પેટી દારૂની બોટલો ભાવનગર લાવવામાં આવી હતી અને વરતેજમાં તેમાં ભેળસેળ કરવામાં આવી હોવાની વિગતો બહાર આવતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે અત્યાર સુધીમાં ૧૫ પેટી જપ્ત કરી છે, જ્યારે બાકીની ૧૩ પેટી શોધવા દોડધામ શરૂ કરી છે. મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકી સહિત ૧૩ શખ્સને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરાઈ છે.
ખરકડી ગામના વિશ્વરાજસિંહ ગોહિલની પોલીસ ભરતીમાં પસંદગી થતાં ૧૬ ઓગસ્ટની રાત્રે મિત્રો માટે દારૂની પાર્ટી યોજાઈ હતી. પાર્ટીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ, હરપાલસિંહ ગોહિલ અને જયદીપસિંહ ગોહિલ સહિતના મિત્રો હાજર હતા. પ્રાથમિક તપાસ મુજબ હાજર રહેલા કેટલાક લોકોએ ‘રોયલ સ્ટેગ’ નામની દારૂની બોટલમાંથી દારૂ પીધો હતો. ત્યારબાદ એક પછી એક લોકોની તબિયત લથડવા લાગી હતી. ઉપેન્દ્રસિંહ ગોહિલનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારબાદ કાર્તિક મકવાણા, કનકસિંહ ગોહિલ અને નરેન્દ્રસિંહ યાદવના મોતની માહિતી સામે આવી છે. ધનશ્યામસિંહ જાડેજાનું મોત પણ શંકાસ્પદ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જોકે, તમામ પાંચ મોત નકલી દારૂના સેવનને કારણે જ થયાં હોવાનું સત્તાવાર રીતે હજુ પુષ્ટિ પામ્યું નથી. ખાસ કરીને નરેન્દ્રસિંહ યાદવની અગાઉની મુસાફરીની વિગતોને પગલે તેમના મોતનું ચોક્કસ કારણ તબીબી તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
ઘટનાની ગંભીરતાને પગલે રાજ્યનું પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક, આઈબીના વડા અશોકકુમાર યાદવ અને સ્ટેટ મોનિટરિંગ સેલના ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી કડક કાર્યવાહી માટે દિશા-નિર્દેશ આપ્યા હતા. ત્યારબાદ સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી મયુરસિંહ ચાવડા ભાવનગર દોડી આવ્યા છે અને તપાસનો દોર વધુ તેજ કરવામાં આવ્યો છે. પોલીસ હવે ઉજ્જૈનથી ભાવનગર સુધી નકલી દારૂ પહોંચાડનાર, વરતેજમાં ભેળસેળ કરનાર અને ત્યારબાદ વિવિધ ગામોમાં તેનો જથ્થો પહોંચાડનાર સમગ્ર નેટવર્કની કડીઓ જોડવામાં લાગી છે. ૨૮ પેટીમાંથી બાકી રહેલી ૧૩ પેટી ક્યાં ગઈ અને આ જથ્થો કેટલા લોકો સુધી પહોંચ્યો તે હવે તપાસનું સૌથી મોટું કેન્દ્ર બન્યું છે.
૨૦થી વધુ લોકો સારવાર હેઠળ, કેટલાક ગંભીર
નકલી દારૂના સેવન બાદ અસરગ્રસ્તોમાં ચક્કર આવવા, ઊલટી થવી, દૃષ્ટિ ધૂંધળી થવી સહિતની તકલીફો જોવા મળી હોવાનું તબીબી સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હાલ ભાવનગરની સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં ૨૦થી વધુ લોકો સારવાર હેઠળ છે. તેમાં કેટલાક દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બે દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી નેફ્રોલોજિસ્ટ સહિતના નિષ્ણાત તબીબોની ટીમ ભાવનગર મોકલવામાં આવી છે. દારૂના નમૂનાઓ એફએસએલને મોકલવામાં આવ્યા છે. દારૂમાં મિથેનોલ કે ઇથેનોલનું પ્રમાણ વધુ હતું કે અન્ય કોઈ ઝેરી રસાયણની ભેળસેળ કરવામાં આવી હતી તે એફએસએલ અને તબીબી તપાસના અહેવાલ બાદ સ્પષ્ટ થશે.
દેશી દારૂ, અન્ય દ્રવ્ય ભેળવી બજારમાં પહોંચાડ્યો હોવાની પોલીસને શંકા
પોલીસની પ્રાથમિક તપાસમાં નકલી દારૂનો જથ્થો મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ભાવનગર પહોંચ્યો હોવાનું બહાર આવ્યું છે. આશરે ૨૮ પેટીમાં ૨૩૦ જેટલી બોટલો લાવવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેમાંથી ૧૫ પેટી પોલીસે કબજે કરી લીધી છે, જ્યારે બાકીની ૧૩ પેટી ક્યાં પહોંચાડવામાં આવી તેની તપાસ ચાલી રહી છે. તપાસમાં વરતેજના આંબલીવાડી વિસ્તારમાં ગૌતમ સોલંકીના ઘરે દારૂની બોટલોમાં ભેળસેળ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. ગૌતમ સોલંકી સાથે રઈસ અને મુકેશ નામના શખ્સો પણ આ પ્રક્રિયામાં સંડોવાયેલા હોવાની આશંકા છે. ઉજ્જૈનથી આવેલા દારૂમાં દેશી દારૂ અથવા અન્ય દ્રવ્ય ભેળવી તેને ફરીથી બજારમાં પહોંચાડવામાં આવતો હોવાની પોલીસને શંકા છે.
૧૩ શખ્સો રાઉન્ડઅપ, ૧૬ ટીમ તપાસમાં
ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ૧૬ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકી સહિત અત્યાર સુધીમાં ૧૩ શખ્સને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરીને નકલી દારૂની સમગ્ર સપ્લાય ચેઇન શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં સપ્લાય થયેલા જથ્થામાંથી મોટાભાગનો, આશરે ૯૦ ટકા જેટલો જથ્થો કબજે કર્યો હોવાનો દાવો કર્યો છે. બાકીના જથ્થાની શોધખોળ માટે પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. આ દારૂ ભાવનગર ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય, ધોલેરા અને અન્ય વિસ્તારોમાં પહોંચ્યો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદના 500થી વધુ ગામમાં પોલીસના દરોડા, 177 કેસ નોંધાયા
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂનો જથ્થો ભાવનગર તરફ પહોંચાડવામાં આવ્યો હોવાની આશંકા વચ્ચે મંગળવારની મોડી રાતથી બુધવારે સવારે 8 વાગ્યા સુધી 800 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સમગ્ર જિલ્લામાં સઘન કોમ્બિંગ અને ચેકિંગ હાથ ધર્યું હતું. અમદાવાદ જિલ્લાના 500થી વધુ ગામડાં, સંવેદનશીલ રૂટ, વાહનો અને શંકાસ્પદ અડ્ડાઓ પર તપાસ દરમિયાન દારૂ અંગેના 177 કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસે દારૂની હેરાફેરી કરતાં તત્ત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી સપ્લાય ચેઈન તોડવા માટે જિલ્લાની સરહદો પર નાકાબંધી પણ વધુ સઘન કરી છે. પોલીસે અમદાવાદ ગ્રામ્યના 500થી વધુ ગામડાંઓમાં સ્થાનિક લોકો અને સરપંચોની મદદથી પણ તપાસનો દોર હાથ ધર્યો છે. ગામડાઓમાં દારૂનો જથ્થો ક્યાં સંગ્રહ કરવામાં આવે છે અને તેની હેરાફેરી કયા માર્ગે થાય છે તે અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
મિથેનોલની અસર પહેલાં સામાન્ય નશા જેવી, બાદમાં સ્થિતિ ગંભીર બની શકે
ભાવનગર તંત્ર દ્વારા છેલ્લા બે-ત્રણ દિવસમાં ‘રોયલ સ્ટેગ’ અથવા અન્ય કોઈ શંકાસ્પદ દારૂનું સેવન કરનાર લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે લક્ષણો ન જણાતા હોય તો પણ તાત્કાલિક તબીબી તપાસ કરાવે. કારણ કે મિથેનોલની અસર શરૂઆતમાં સામાન્ય નશા જેવી જણાઈ શકે છે અને બાદમાં સ્થિતિ ગંભીર બની શકે છે.