Business

વિશ્વમાં ભારત પ્રત્યે સકારાત્મક દષ્ટિએ જોનારાઓની સંખ્યા વધારે છે

વિશ્વના ૩૬ દેશોમાં ‘પ્યુ રિસર્ચ સેન્ટર’  દ્વારા કરવામાં આવેલો એક નવુ સર્વેક્ષણ એક રસપ્રદ ચિત્ર રજૂ કરે છે. એક તરફ શ્રીલંકામાં ભારતને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે, તો બીજી તરફ સૌથી વધુ નફરત કે અપ્રિયતા ધરાવતા દેશનું અનુમાન લગાવવું મુશ્કેલ નથી – તે પાકિસ્તાન છે. બીજી તરફ, અમેરિકામાં ભારત પ્રત્યેના મંતવ્યો લગભગ સરખા ભાગે વહેંચાયેલા છે. આમ છતાં એ એક આનંદદાયક વાસ્તવિકતા બહાર આવી છે કે વિશ્વમાં ભારતને હકારાત્મક દષ્ટિથી જોનારા લોકોનું પ્રમાણ વધારે છે.

એકંદરે, આ સર્વેક્ષણ ચાલુ વર્ષના ફેબ્રુઆરીથી મે મહિના વચ્ચે યોજાયો હતો જેમાં ૪૨,૦૦૦ થી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં બહાર આવ્યું છે કે ૩૬ દેશોના લોકો ભારતને નકારાત્મક કરતા વધુ હકારાત્મક દ્રષ્ટિકોણથી જુએ છે. આ તમામ દેશોમાં, સરેરાશ ૪૫% લોકો ભારત પ્રત્યે સાનુકૂળ  વલણ ધરાવે છે, જ્યારે ૪૧% લોકો નકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે. સર્વે અનુસાર, સર્વેક્ષણ કરાયેલા તમામ દેશોમાંથી શ્રીલંકામાં ભારત પ્રત્યે સૌથી વધુ (૭૯%) સાનુકૂળ દ્રષ્ટિકોણ જોવા મળ્યો હતો. શ્રીલંકાના લગભગ૬૩% ઉત્તરદાતાઓએ ભારતને પોતાના દેશના મુખ્ય સહયોગી તરીકે ઓળખાવ્યો હતો. માત્ર ૧૧% લોકો જ ભારતને નકારાત્મક રીતે જુએ છે.

આ ૨૦૨૪ની સરખામણીએ એક મોટો સુધારો છે, જ્યારે ૬૫% શ્રીલંકનો ભારત પ્રત્યે સકારાત્મક વલણ ધરાવતા હતા.ભારત પ્રત્યેનો આ સાનુકૂળ દ્રષ્ટિકોણ દિલ્હી-કોલંબોના સંબંધોમાં આવેલા સુધારાના પૃષ્ઠભૂમિમાં આવ્યો છે. ૨૦૨૨ માં આર્થિક સંકટને કારણે શ્રીલંકામાં થયેલી અશાંતિ પછી, ભારતે ૭.૫ અબજ યુએસ ડોલરથી વધુની ક્રેડિટ લાઇન અને નાણાકીય સહાય આપીને આ દ્વીપ દેશને ફરી બેઠો કરવામાં મદદ કરી છે. આ ઉપરાંત કેન્યા (૭૧%), યુકે (૭૧%), ઇઝરાયેલ (૬૦%), જર્મની (૬૩%), ઇટાલી (૫૬%) અને સ્વીડન (૫૫%) માં પણ ભારત પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ છે. ભારતના પાડોશમાં ચિત્ર વધુ મિશ્રિત છે, જ્યાં નેપાળ અને બાંગ્લાદેશ જેવા કેટલાંક દેશો અશાંતિ અને બળવાજન્ય પરિસ્થિતિમાંથી પસાર થયા છે.

બાંગ્લાદેશમાં ૪૨% લોકો ભારત પ્રત્યે સાનુકૂળ વલણ ધરાવે છે, જ્યારે ૫૧% લોકો અપ્રિય કે નકારાત્મક વલણ ધરાવે છે. પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીનાને ભારતે આશરો આપ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો છે. ૫૦૦ થી વધુ લોકોના મોત નિપજાવનારા હિંસક વિદ્યાર્થી આંદોલન વચ્ચે હસીનાને ૨૦૨૪ માં બાંગ્લાદેશ છોડીને ભાગવાની ફરજ પડી હતી. મલેશિયા, જ્યાં ૨૦૨૪ માં ‘ઇન્ડિયા આઉટ’ અભિયાન જોવા મળ્યું હતું, ત્યાં લગભગ ૫૮% લોકો ભારત પ્રત્યે અપ્રિય દ્રષ્ટિકોણ ધરાવે છે.

જો કે, એશિયાના અન્ય કેટલાક દેશોમાં ભારતનું મૂલ્યાંકન પ્રમાણમાં સકારાત્મક છે. લગભગ ૫૫% જાપાનીઓ, ૫૧% સિંગાપોરીઓ અને ૫૦% ઇન્ડોનેશિયનો ભારતને સકારાત્મક રીતે જુએ છે. ફિલિપાઇન્સ (૪૯%) અને થાઇલેન્ડ (૫૫%) માં પણ ભારતને સારું રેટિંગ મળ્યું છે. અપેક્ષા મુજબ, પાકિસ્તાન આ યાદીમાં સૌથી અલગ અને નકારાત્મક સ્થાને છે. પ્યુ સર્વે અનુસાર, પાકિસ્તાનમાં સર્વેક્ષણ કરાયેલા ૯૧% લોકો ભારત પ્રત્યે નકારાત્મક વલણ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, ૭% લોકો હકારાત્મક અભિપ્રાય પણ ધરાવે છે. રસપ્રદ એટલા માટે કારણ કે પાકિસ્તાન તેની હાઇબ્રિડ નાગરિક-સૈન્ય વ્યવસ્થામાં વિરોધના અવાજોને દબાવવા માટે જાણીતું છે.

બંને પરમાણુ શસ્ત્રધારી પડોશીઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવને જોતાં આ પરિણામ બિલકુલ આશ્ચર્યજનક નથી. મે ૨૦૨૫ ના સંઘર્ષ અને સિંધુ જળ સંધિને ભારતે મુલતવી રાખ્યા બાદ મુત્સદ્દીગીરીના સ્તરે સંબંધો તળિયે પહોંચી ગયા હતા. પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે ગયા વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું, જેમાં આતંકવાદી કેમ્પોને નષ્ટ કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાની એરબેઝ પર હુમલા કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન પછી, તુર્કી (૧૫% હકારાત્મક) અને વેસ્ટ બેંક તથા પૂર્વ જેરૂસલેમ (૧૮%) માં ભારતનું રેટિંગ સૌથી ઓછું છે. ઓસ્ટ્રેલિયામાં, જ્યાં તાજેતરમાં વિદેશી વિરોધી પ્રદર્શનો જોવા મળ્યા હતા, ત્યાં લગભગ ૫૫% લોકો ભારત પ્રત્યે નકારાત્મક વલણ ધરાવે છે.

સર્વે દર્શાવે છે કે અમેરિકનો ભારત અંગે વિભાજિત છે. અમેરિકામાં સર્વેક્ષણ કરાયેલા અડધા લોકોએ કહ્યું કે તેઓ ભારત પ્રત્યે નકારાત્મક વલણ ધરાવે છે, જ્યારે ૪૫% લોકોએ સકારાત્મક મૂલ્યાંકન કર્યું હતું. પ્યુ એ તેના અહેવાલમાં નોંધ્યું છે કે આ રેટિંગ્સ ૨૦૦૮ પછીના સૌથી નીચા સ્તરે છે. વાસ્તવમાં, ડેટા દર્શાવે છે કે સાનુકૂળ દ્રષ્ટિકોણ ધરાવતા અમેરિકનોનો હિસ્સો ૨૦૨૩ માં ૫૧% થી ઘટીને ૨૦૨૬ માં ૪૫% થઈ ગયો છે. જો કે, અમેરિકનો ભારતને કેવી રીતે જુએ છે તેમાં પક્ષપાતી વિભાજન (રાજકીય મતભેદ) પણ છે.

લગભગ ૫૦% ડેમોક્રેટ્સ ભારત પ્રત્યે સાનુકૂળ દ્રષ્ટિકોણ ધરાવે છે, જેની સરખામણીએ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકન્સના માત્ર ૪૨% લોકો સકારાત્મક વલણ ધરાવે છે.  ટ્રમ્પના શાસન હેઠળ, ટેરિફ (જકાત) અને વેપાર કરારને લઈને ભારત અને યુએસ વચ્ચેના સંબંધોમાં ઉતાર-ચઢાવ આવ્યા છે. ટ્રમ્પનું પાકિસ્તાન પ્રત્યેનું કૂણું વલણ, જેણે તેમના અહંકારને સંતોષવામાં કોઈ કસર છોડી નથી, તેણે પણ બંને દેશોના સંબંધોમાં અસ્વસ્થતા ઊભી કરી છે. એક વાત સ્પષ્ટ છે કે ભારત પર હકારાત્મક દષ્ટિએ જોનારા લોકોની સંખ્યા વિશ્વમાં વધારે છે.

Most Popular

To Top