બોલિવુડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજાના સંબંધોને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. સુનીતાએ 19 ઓગસ્ટ 2026ના રોજ મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં જઈને ગોવિંદા સામે દાખલ કરેલો છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો હતો. હવે સુનીતાએ દાવો કર્યો છે કે ગોવિંદા પોતાની કથિત ગર્લફ્રેન્ડ કોમલ સાથે બીજા લગ્ન કરવાની યોજના બનાવી રહ્યો હતો અને આ જ કારણથી તેણે છૂટાછેડાનો કેસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો.
તાજેતરમાં રાખી સાવંતને મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન ફોટોગ્રાફર્સ સાથે વાતચીત કરતી વખતે રાખીએ ગોવિંદાની પત્ની સુનીતા આહુજાને ફોન કર્યો હતો અને સ્પીકર પર તેમની સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન સુનીતાએ એવો દાવો કર્યો હતો કે ગોવિંદા અને કોમલ લગ્ન કરવાની તૈયારીમાં હતા. વાતચીત દરમિયાન રાખી સાવંતે સુનીતાને કહ્યું હતું કે તેણે જે નિર્ણય લીધો તે યોગ્ય કર્યો છે. તેના જવાબમાં સુનીતાએ કહ્યું હતું કે લોકો તેના સમર્થનમાં બોલે, કારણ કે બધાને સમગ્ર મામલાની જાણ છે.
આ દરમિયાન રાખીએ પોતાના અંદાજમાં સુનીતાને સલાહ આપતાં કહ્યું કે ઘરની દાળ-ભાત જેવી કોઈ વસ્તુ નથી અને બહારનું ‘ચિકન ટિક્કા’ ખાવાથી કોઈ ફાયદો નથી. રાખીની આ વાત સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે. સુનીતાએ આગળ વાત કરતાં એવો દાવો કર્યો હતો કે ગોવિંદા કોમલને એરપોર્ટ લઈ ગયો હતો અને તેને પોતાની પત્નીની જગ્યા આપી રહ્યો છે. સુનીતાના જણાવ્યા મુજબ, તેને આ અંગે સતત લોકોના ફોન આવી રહ્યા છે. તેણે કહ્યું કે પત્ની હોવા છતાં આવી સ્થિતિમાં તેને કેવું લાગતું હશે, તે લોકો સમજવું જોઈએ.
સુનીતાની વાત સાંભળીને રાખીએ તેને એક અલગ જ સલાહ આપી હતી. રાખીએ કહ્યું કે તે આ બધી વાતો છોડીને 200 કરોડ રૂપિયા પર ધ્યાન આપે. તેણે મજાકિયા અંદાજમાં કહ્યું કે બીજી કે ત્રીજી કોઈ વ્યક્તિ આવશે તો તે પણ આ સંપત્તિ લઈ જશે, તેથી પહેલાં બધું પોતાના નામે કરાવી લેવું જોઈએ. આ દરમિયાન સુનીતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેણે એક દિવસ પહેલાં છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો હતો, કારણ કે તેના જણાવ્યા મુજબ ગોવિંદા અને કોમલ લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા હતા. જોકે, આ દાવો સુનીતા તરફથી કરવામાં આવ્યો છે અને ગોવિંદા અથવા કોમલ તરફથી આ અંગે કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા સામે આવી નથી.
19 ઓગસ્ટે સુનીતા આહુજા મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટ પહોંચી હતી. તેમની સાથે દીકરો યશવર્ધન પણ હતો. સુનીતાને કોર્ટમાં જોઈને તેમના અને ગોવિંદાના સંબંધોને લઈને ફરી છૂટાછેડાની અટકળો તેજ બની ગઈ હતી. જોકે, બાદમાં સ્પષ્ટ થયું કે સુનીતા છૂટાછેડાની અરજી પાછી ખેંચવા માટે કોર્ટ પહોંચી હતી. ગોવિંદાના મેનેજરે પણ પુષ્ટિ કરી હતી કે સુનીતાએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો છે. આ અરજી સુનીતાએ ડિસેમ્બર 2024માં દાખલ કરી હતી. કેસ પાછો ખેંચવામાં આવ્યા બાદ ગોવિંદા અને સુનીતાના લગ્નજીવનને લઈને ચાલી રહેલી ચર્ચાઓ ફરી તેજ બની છે.
બીજી તરફ ગોવિંદાના મેનેજરે સુનીતાના આ વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે પરિવારની વાતને આટલી જાહેર કરવાની જરૂર નહોતી અને આખો મામલો વાતચીત દ્વારા પણ ઉકેલી શકાયો હોત. તેમના જણાવ્યા મુજબ, જો આખરે અરજી પાછી જ ખેંચવાની હતી તો શરૂઆતમાં કોર્ટમાં કેસ દાખલ કરવાની જરૂર શું હતી. મેનેજરે કહ્યું હતું કે પરિવારના આ વિવાદને કારણે છેલ્લા દોઢથી બે વર્ષથી ગોવિંદા અને તેમના પરિવારની છબી પર અસર પડી છે. તેમના મતે, પતિ-પત્ની વચ્ચે મતભેદ થવા સામાન્ય બાબત છે, પરંતુ જ્યારે વ્યક્તિગત વિવાદ કોર્ટ અને મીડિયા સુધી પહોંચી જાય ત્યારે તે સમગ્ર પરિવાર માટે ચર્ચા અને વિવાદનું કારણ બની જાય છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે આ સમગ્ર મામલાને જાહેર થવાથી સરળતાથી બચાવી શકાયું હોત. ઘરની વાત ઘરમાં બેસીને અને ચર્ચા કરીને ઉકેલી શકાય તેમ હતી. પરંતુ લાંબા સમયથી આ મામલો મીડિયામાં ચર્ચાતો રહ્યો અને તેના કારણે ગોવિંદાના પરિવારને નુકસાન થયું હોવાનું મેનેજરે જણાવ્યું હતું. સુનીતા આહુજાએ ડિસેમ્બર 2024માં ગોવિંદા વિરુદ્ધ બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. આ અંગેની માહિતી બાદમાં સામે આવી હતી. અરજીમાં સુનીતાએ હિંદુ મેરેજ એક્ટ, 1955ની કલમ 13(1)(i), 13(1)(ia) અને 13(1)(ib) હેઠળ છૂટાછેડાની માગ કરી હોવાનું સામે આવ્યું હતું.
આ અરજીમાં ગોવિંદા સામે ક્રૂરતા, બેવફાઈ અને ત્યાગ જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. ત્યારથી બંનેના સંબંધોને લઈને અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ હતી. લાંબા સમયથી સુનીતા જાહેરમાં ગોવિંદા પર બેવફાઈ અને લગ્નેત્તર સંબંધો હોવાના આરોપો લગાવતી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સુનીતાના નિવેદનોને કારણે ગોવિંદા પણ નારાજ હોવાનું સામે આવ્યું હતું. સુનીતાએ એક વખત ગોવિંદાને ‘શુગર ડેડી’ કહીને સંબોધ્યા હતા, જેના પર અભિનેતા નારાજ થયો હતો. ગોવિંદાએ સુનીતાને ચેતવણી આપતાં કહ્યું હતું કે તેને પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. ગોવિંદાએ પોતાની એક કો-સ્ટારનો પણ બચાવ કર્યો હતો અને એવો આરોપ લગાવ્યો હતો કે સુનીતા તેને બદનામ કરવામાં કોઈ કસર છોડી રહી નથી. આ નિવેદનો બાદ બંને વચ્ચેનો વિવાદ વધુ ચર્ચામાં આવ્યો હતો.
હવે છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો છે, પરંતુ સુનીતાના નવા દાવાઓએ ગોવિંદા અને તેમની કથિત ગર્લફ્રેન્ડ કોમલને લઈને ફરી ચર્ચા શરૂ કરી છે. સુનીતાએ એવો દાવો કર્યો છે કે બંને લગ્ન કરવાની તૈયારીમાં હતા, જ્યારે ગોવિંદા તરફથી આ આરોપો અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. આ સમગ્ર ઘટનાક્રમ બાદ સવાલ એ ઊભો થયો છે કે શું ગોવિંદા અને સુનીતા વચ્ચેનો વિવાદ હવે સમાપ્ત થશે કે પછી નવા નિવેદનોને કારણે મામલો વધુ આગળ વધશે. હાલ છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો છે, પરંતુ બંનેના સંબંધો અને સુનીતાના નવા દાવાઓને લઈને બોલિવૂડમાં ચર્ચા યથાવત છે.